GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: કૃષિ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીના અધ્યક્ષસ્થાને ગુજરાતના બાગાયત ક્ષેત્રને વૈશ્વિક ઊંચાઈ આપતો સેમિનાર યોજાયો

તા.૧૩/૧/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સના બીજા દિવસે ગુજરાત સરકારના કૃષિમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીના અધ્યક્ષસ્થાને ગુજરાતના બાગાયત ક્ષેત્રને વૈશ્વિક બજારો સાથે જોડવાના હેતુસર “ઓર્ચીડ ટુ ઓવરસીઝ – સ્કેલિંગ ગુજરાત હોર્ટીકલ્ચર” વિષયક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. મંત્રીશ્રીએ તેમના સંબોધનમાં બાગાયત ક્ષેત્ર મારફતે ગુજરાતના ખેડૂતોને વૈશ્વિક બજાર સાથે જોડવાની વિશાળ સંભાવનાઓ પર પ્રકાશ પાડ્યો હતો.

આ સેમિનારમાં કેરીનું મૂલ્યવર્ધન, ઉત્પાદનની આધુનિક પદ્ધતિઓ, ઉત્પાદનની ગુણવત્તા અને નિકાસ ક્ષમતા વધારવાની સંભાવનાઓ રજૂ કરવામાં આવી હતી.

કાર્યક્રમની શરૂઆત કૃષિ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી શ્રી આર.સી. મીણાના માર્ગદર્શન હેઠળ બાગાયત નિયામક શ્રી એચ. એમ. ચાવડા દ્વારા સ્વાગત સંબોધનથી કરવામાં આવી હતી.

ત્યારબાદ શ્રી માનસિંહ પરમાર (ઇન્ડિગ્રો) દ્વારા “Beyond Fresh Fruit: Mango Processing & Product Diversification” વિષય પર ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. દાપોલી કૃષિ યુનિવર્સિટીના પૂર્વ એસોસિએટ ડીન ડો. કેશવ પુજારી દ્વારા કેરી ઉત્પાદન ટેકનોલોજી તથા પોસ્ટ-હાર્વેસ્ટ મેનેજમેન્ટ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. ભાભા એટોમિક રિસર્ચ સેન્ટરના ફૂડ ટેકનોલોજી ડિવિઝનના ડો. એસ. ગૌતમ દ્વારા કેરી તથા અન્ય બાગાયત ઉત્પાદનોની શેલ્ફ લાઇફ તથા નિકાસ યોગ્યતા વધારવા માટેની આધુનિક ન્યુક્લિયર ટેકનોલોજી અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.

કાર્યક્રમમાં નેધરલેન્ડની યુનિવર્સિટી એન્ડ રિસર્ચના શ્રી અર્જુન ગોયલ દ્વારા “Digital Transformation in Horticulture: From Farm to Export Markets” વિષય પર પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું, જેમાં ડિજિટલ ટેકનોલોજી દ્વારા કૃષિ નિકાસના નવા માર્ગો રજૂ કરવામાં આવ્યા.

કાર્યક્રમના અંતે ગુજરાત સરકારના કૃષિ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી શ્રી આર.સી.મીણા દ્વારા સમાપન સંબોધન તથા આભાર વિધિ કરવામાં આવી હતી. આ સેમિનારમાં અધિકારીઓ, કૃષિ વૈજ્ઞાનિકો, ઉદ્યોગ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સેમિનાર ગુજરાતના ખેડૂતોના બાગાયતી ઉત્પાદનોને આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રોત્સાહન આપવા માટે અત્યંત ઉપયોગી સાબિત થયો હતો.

Back to top button
error: Content is protected !!