Rajkot: ગુજરાત સરકારનો સંવેદનશીલ પ્રયાસ: રાજકોટ જિલ્લામાં રૂ.૩૯ લાખના ખર્ચે ૨૯ દિવ્યાંગ લાભાર્થીઓને મોટરાઇઝ્ડ ટ્રાયસિકલ અને ૩૦ જોયસ્ટિક વ્હીલચેર જેવા સહાયક ઉપકરણો અપાયા

તા.૧૩/૩/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજકોટ જિલ્લામાં “મોટરાઇઝ્ડ ટ્રાયસિકલ અને જોયસ્ટિક વ્હીલચેર યોજના” અન્વયે રૂ. ૩૯ લાખના ખર્ચે કુલ ૫૯ દિવ્યાંગ લાભાર્થીઓને સહાયક ઉપકરણો આપવામાં આવ્યા હતા ,જેમાં ૨૯ મોટરાઇઝ્ડ ટ્રાયસિકલ અને ૩૦ જોયસ્ટિક વ્હીલચેર જેવા ઉપકરણોનો સમાવેશ થાય છે.
આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના કેબિનેટ મંત્રી ડૉ. પ્રધુમ્નસિંહ વાજા તથા રાજ્યકક્ષાના મંત્રીશ્રી મનિષાબેન વકીલની ઉપસ્થિતિમાં રાજ્યમાં ૬૦ ટકા કરતાં વધુ લોકોમોટર દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગજનોને સહાયરૂપ બનવા માટે મોટરાઇઝ્ડ ટ્રાયસિકલ અને જોયસ્ટિક વ્હીલચેર યોજનાના લાભાર્થીઓને સહાયક ઉપકરણ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા અમલમાં મુકાયેલી આ યોજના અંતર્ગત દિવ્યાંગ વ્યક્તિઓને વધુ સ્વાવલંબન મળે અને રોજિંદા જીવનની ગતિવિધિઓ સરળ બને તે હેતુથી આ સહાય આપવામાં આવી રહી છે. લાભાર્થીઓને ઉપકરણો આપતા પહેલાં એલીમ્કો દ્વારા જરૂરી એસેસમેન્ટ પણ કરવામાં આવ્યું હતું.
આધુનિક સહાયક સાધનો દિવ્યાંગજનો માટે માત્ર ગતિનું સાધન નહીં પરંતુ આત્મનિર્ભરતા તરફનું મહત્વપૂર્ણ પગલું સાબિત થશે. રોજિંદા જીવનમાં તેમની સક્રિય ભાગીદારી વધારવામાં આ સાધનો મહત્વપૂર્ણ સાબિત થશે.





