Rajkot: સજાગતાની કસોટી: ૨૩ મિનિટમાં આગ પર કાબૂ: કોટડા સાંગાણી તાલુકામાં ઈમરજન્સી રિસ્પોન્સ ટીમનું અદભુત પ્રદર્શન
તા.૨૪/૬/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
પડવલા ગામે લાગેલી આગમાં તંત્રની ચપળ કામગીરી; આગની ઘટના અંતે મોકડ્રીલ જાહેર
કોટડા સાંગાણીના તાલુકાના પડવલા ગામે આવેલ SNJ Labs Pvt. Ltd. વેરાવળ પડવલા રોડ, જેટકો સબ સ્ટેશનની બાજુમાં તા. ૨૪/૦૬/૨૦૨૫ ના રોજ ૧૨:૩૦ ની આસપાસના સમય દરમિયાન ભયાનક આગ લાગી હતી. કેમીકલ હેઝાર્ડના પ્રોટોકોલ મુજબ ૧૨:૩૧ કલાકે સાયરન વાગી હતી. આગ પર કાબુ મેળવવા પ્રથમ પ્રયત્ન કરવામાં આવ્યો હતો પરંતુ આગ ભયાનક હોવાના લીધે આગ પર કાબૂ મેળવવો અઘરૂ હતું. તેથી શાપર ફાયર સ્ટેશન અને તાલુકાના ઈમરજન્સી ઓપરેશન રીસ્પોન્સ સેન્ટર પર ફોન કરીને આગની ઘટનાની જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ સૌથી પહેલા શાપર ફાયર સ્ટેશનના કર્મચારીઓએ ઘટના સ્થળે પહોંચીને આગ કાબુમાં લેવાની કોશિશ કરી હતી.
સૌથી પહેલા શાપર ફાયર સ્ટેશનના કર્મચારીઓ ત્યાર બાદ તાલુકા હેલ્થ ઓફિસરશ્રીની ટીમ, શાપર પોલીસ સ્ટેશનની ટીમ, ડેપ્યૂટી ડિરેકટર ઈન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ અધિકારીશ્રી સાથે તેની ટીમ, તાલુકા વિકાસ અધિકારીશ્રી અને તેની ટીમ, સબંધીત રેવન્યુ તલાટીશ્રી તથા સર્કલ ઓફિસરશ્રી તથા મદદનીશ કલેકટર સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ નહિવત સમયમાં ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
૧૨:૫૩ કલાક સુધીમાં એટલે કે ૨૩ મિનિટ જેટલા જ સમયમાં આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો અને ઘટના સ્થળે કોઈ નુકશાન થયું નહોતું. આગ લાગવાની આ ઘટના મોકડ્રીલ હોવાની જાણ કરવામાં આવતાની સાથે જ હાજર રહેલ વિભાગ ઈમરજન્સી રીસ્પોન્સના પ્રોટોકોલના અધિકારી-કર્મચારીઓના જીવમાં જીવ આવ્યો હતો.