AHAVADANGGUJARAT

ડાંગનાં શામગહાન સી.એચ.સી હોસ્પિટલમાં સુધારો થતા યુવાનો અને સામાજિક આગેવાનોએ તંત્રનો આભાર વ્યક્ત કર્યો..

વાત્સલ્યમ્ સમાચાર

   મદન વૈષ્ણવ

થોડા સમય પહેલાં શામગહાન સામુહિક હોસ્પિટલમાં સ્ટાફની અછત અને બેદરકારીના મુદ્દે યુવાનો અને સામાજિક આગેવાનોએ તંત્રનું ધ્યાન દોર્યું હતુ.બાદમાં પ્રાંત અધિકારી કાજલ આંબલીયાની તપાસ અને વર્તમાનપત્રોનાં અહેવાલો બાદ હવે હોસ્પીટલની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો જોવા મળી રહ્યો છે.શનિવારે ચિરાપાડા, બારીપાડા અને શામગહાનના સ્થાનિક આગેવાનો અને યુવાનોએ હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને સુધારાની સમીક્ષા કરી હતી.મુલાકાત દરમિયાન, તેઓએ જોયું કે પહેલાં સ્ત્રી અને પુરુષ દર્દીઓ એક જ વોર્ડમાં સારવાર લેતા હતા, જે હવે અલગ-અલગ વોર્ડમાં વહેંચાયેલા છે. આ ઉપરાંત, હોસ્પિટલમાં ડોક્ટરોની સંખ્યા વધારીને ત્રણ નિયમિત ડોક્ટરો અને એક દાંતના ડોક્ટરની નિમણૂક કરવામાં આવી છે.દર્દીઓએ પણ ડોક્ટરો દ્વારા મળતી સારી સારવારની પુષ્ટિ કરી છે.આ સુધારાથી ખુશ થઈને, યુવાનોએ સ્થાનિક લોકોને સરકારી હોસ્પિટલના સ્ટાફને પ્રેમ અને સહકાર સાથે સેવા આપવાની અપીલ કરી છે. તેમણે પ્રાંત અધિકારી કાજલ આંબલિયા અને ન્યૂઝ મીડિયાના પત્રકારોનો પણ આભાર વ્યક્ત કર્યો છે, જેમનાં પ્રયાસોથી આ સુધારા શક્ય બન્યા છે.હોસ્પિટલની મુલાકાત લેનારાઓમાં શામગહાન ગામનાં આગેવાન ભગુભાઈ ચૌહાણ અને તુષારભાઈ ગાવિત, બારીપાડાના કોન્જુભાઈ ગાવિત, તેમજ ચિરાપાડાના નીતિનભાઈ રાઉત અને ગંગારામભાઈ ચૌધરીનો સમાવેશ થાય છે.આ પહેલથી સ્થાનિક કક્ષાએ આરોગ્ય સેવાઓમાં સુધારાની આશા વધુ મજબૂત બની છે…

Back to top button
error: Content is protected !!