Rajkot: મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં “બા”નું ઘર વૃદ્ધાશ્રમ દ્વારા સંચાલિત માનવ મેડિકલ, કલીનીક અને લેબોરેટરી ખુલ્લી મુકાઈ

તા.૧૯/૪/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજકોટમાં માનવ કલ્યાણ મંડળ અને સમસ્ત પાટીદાર સમાજ સંચાલિત “બા”નું ઘર વૃદ્ધાશ્રમ દ્વારા ગત રોજ તા.૧૮ એપ્રિલ ૨૦૨૫ શુક્રવારના રોજ માનવ મેડિકલ, માનવ ક્લિનિક અને માનવ લેબોરેટરીનું લોકાર્પણ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ, સાંસદ શ્રી પરષોત્તમ રૂપાલા, શ્રી રામભાઈ મોકરિયા, ધારાસભ્યશ્રી ડો. દર્શિતાબેન શાહ, સંતો મહંતો અને મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.
રાણી ટાવર શોપ નં.૧૦-૨૬, ક્રિસ્ટલ મોલની સામે, કાલાવડ રોડ, રાજકોટ ખાતે તમામ નિરાધાર લોકો માટે તદ્દન નિશુલ્ક અને સર્વજ્ઞાતિ માટે રાહત દરે મેડિકલ ખાતેથી દવાઓ, લેબોરેટરી ખાતે તમામ પ્રકારના ટેસ્ટ અને ક્લિનિક ખાતે નિદાન કરવામાં આવશે. ક્લિનિકલ લેબોરેટરીમાં દર્દીઓને તદ્દન રાહતભાવે લોહીની પ્રાથમિક તપાસ, ડાયાબિટિસ, કીડનીરોગ, હોર્મોન તપાસ વગેરે ટેસ્ટ અત્યાધુનિક મશીનરી દ્વારા રાજકોટવાસીઓ નજીવાદરે મળી શકશે તેમજ આઇસીયુ એમ્બ્યુલન્સની સેવા પણ રાહત દરે ઉપલબ્ધ કરાવવામાં આવશે તેમ સંસ્થાના શ્રી મુકેશભાઈ મેરજાએ જણાવ્યું છે.
આ સાથે જ ક્લિનિક ખાતે સુપર સ્પેશ્યલિસ્ટ ડોક્ટરો ફક્ત દસ રૂપિયા ચાર્જથી ઓપીડીમા દર્દીઓની તપાસ કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે, કલેકટર શ્રી પ્રભાવ જોશી અને જિલ્લા વહીવટી તંત્ર આરોગ્ય સહિતની માનવકલ્યાણની સુવિધાર્થે હરહંમેશ સહભાગી બન્યું છે, ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આધુનિક એમ્બ્યુલન્સ સંસ્થાને ભેટમાં આપવામાં આવી છે. અન્ય દાતાઓ દ્વારા વૃદ્ધાશ્રમની મહિલાઓને આરોગ્યલક્ષી જરૂરિયાત તેમજ ધાર્મિક સ્થળોએ આવાગમન માટે એક વેન ભેટ આપવામાં આવી છે.
 
				




