Rajkot: આરોગ્ય ક્ષેત્રે વધુ એક સીમા ચિન્હ : રાજકોટ જિલ્લાની ૧૯ આરોગ્ય સંસ્થાઓ NQAS પ્રમાણિત

તા.૨૯/૧૨/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજકોટ જિલ્લાની ૧૯ આરોગ્ય સંસ્થાઓને નેશનલ ક્વોલિટી એશ્યોરન્સ સ્ટાન્ડર્ડ(NQAS) માટે પ્રમાણિત કરવામાં આવી છે. જેમાં સરપદડ, ગઢકા, ખીરસરા, ધોળીધાર, સાતોદડ, સણોસરા, જેતલસર, મેવાસા, મોવિયા, ઢાંક અને નવી મેંગણીના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ઉપરાંત ખંભાળા, મેટોડા,લોધીકા, હરિપર પાળ, મોટા રામપર , કેરાડી, સર્વોદય, કોઠારિયા સહિતના આયુષ્માન આરોગ્ય મંદિરોનો સમાવેશ થાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનંદુ સુરેશ ગોવિંદના સતત માર્ગદર્શન હેઠળ રાજકોટ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગે ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓના ક્ષેત્રે વધુ એક નોંધપાત્ર સીમાચિન્હ હાંસલ કર્યું છે. રાજકોટ જિલ્લાની કુલ ૧૯ આરોગ્ય સંસ્થાઓને નેશનલ ક્વોલિટી એશ્યોરન્સ સ્ટાન્ડર્ડ (NQAS) નું પ્રમાણપત્ર પ્રાપ્ત થયું છે, જે જિલ્લાની આરોગ્ય સેવાઓની ઉચ્ચ ગુણવત્તા અને કાર્યક્ષમતા દર્શાવે છે. આ સિદ્ધિના પરિણામે, આ તમામ આરોગ્ય કેન્દ્રોને આગામી ત્રણ વર્ષ માટે રૂ. ૩ લાખની પ્રોત્સાહન સહાય પણ મંજૂર કરવામાં આવી છે, જેનાથી આરોગ્ય સેવાઓને વધુ સશક્ત અને ગુણવત્તાયુક્ત બનાવવામાં મદદ મળશે.
મૂલ્યાંકન પ્રક્રિયા દરમિયાન અનુભવી નિષ્ણાત મૂલ્યાંકનકારોની ટીમ દ્વારા આરોગ્ય કેન્દ્રમાં ઉપલબ્ધ આરોગ્ય સેવાઓની ગુણવત્તા, સ્વચ્છતા અને સફાઈ વ્યવસ્થા, દર્દીઓની સુરક્ષા, આવશ્યક દવાઓની ઉપલબ્ધતા, રેકોર્ડ સંભાળવાની સુવ્યવસ્થિત પદ્ધતિ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સંક્રમણ નિયંત્રણની પ્રક્રિયાઓ તેમજ માતા–શિશુ આરોગ્ય સેવાઓ સહિતના વિવિધ મહત્વપૂર્ણ પાસાઓનું વિગતવાર મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.





