Rajkot: રાજકોટ શહેર અને ગ્રામ્યના કલાકારો માટે “યુવા ઉત્સવ” સ્પર્ધા માટે અરજીઓ મગાવાઈ

તા.૨૫/૭/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
ત્રણ શ્રેણી અ-૧૫થી ૨૦ વર્ષ, બ-૨૦થી ૨૯ વર્ષ તથા ખુલ્લા વિભાગની સ્પર્ધાઓ યોજાશેઃ ૯મી ઓગસ્ટ સુધી અરજી કરી શકાશે
Rajkot: ગુજરાત સરકારશ્રીના રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ-ગાંધીનગર તેમજ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી-રાજકોટ દ્વારા રાજકોટ શહેર તથા ગ્રામ્યના કલાકારો માટે ઝોન, જિલ્લા, પ્રદેશ, રાજ્યકક્ષાના “યુવા ઉત્સવ”ની સ્પર્ધાનું આયોજન હાથ ધરાનાર છે.
જેમાં રાજકોટ તાલુકા/ ઝોન તથા જિલ્લા/ મહાનગર (શહેર) કક્ષાએ અ વિભાગ- ૧૫થી ૨૦ વર્ષ સુધી, બ વિભાગ-૨૦ વર્ષથી ઉપર અને ૨૯ વર્ષ તેમજ ખુલ્લો વિભાગ ૧૫થી ૨૯ વર્ષ સુધીના યુવક-યુવતીઓ માટે સાહિત્ય, કલા અને સંસ્કૃતિ વિભાગની કુલ ૪૦ કૃતિઓની સ્પર્ધાઓ યોજવામાં આવશે. જેમાં ઝોન કક્ષાએ (૧) વક્તૃત્વ (૨) નિબંધ (૩) પાદપૂર્તિ (૪) ગઝલ શાયરી (૫) કાવ્ય લેખન (૬) દોહા-છંદ-ચોપાઈ (૭) લોકવાર્તા (૮) સર્જનાત્મક કારીગરી (૯) ચિત્રકલા (૧૦) લગ્નગીત (૧૧) હળવું કંઠ્ય સંગીત (૧૨) લોકવાદ્ય સંગીત (૧૩) ભજન (૧૪) સમૂહગીત (૧૫) એકપાત્રીય અભિનય કૃતિઓની સ્પર્ધા યોજાશે.
જ્યારે જિલ્લા કક્ષાએ (૧) લોકનૃત્ય (૨) લોકગીત (૩) એકાંકી (અંગ્રેજી – હિન્દી) (૪) શાસ્ત્રીય કંઠ્ય સંગીત (૫) કર્ણાટકી સંગીત (૬) સિતાર (૭) વાંસળી (૮) તબલા (૯) વીણા (૧૦) મૃદંગ (૧૧) હાર્મોનિયમ – હળવું (૧૨) ગિટાર (૧૩) શાસ્ત્રીય નૃત્ય ભરતનાટ્યમ (૧૪) શાસ્ત્રીય નૃત્ય મણીપુરી (૧૫) શાસ્ત્રીય નૃત્ય ઓડીસી (૧૬) શાસ્ત્રીય નૃત્ય કથ્થક (૧૭) શાસ્ત્રીય નૃત્ય કુચીપુડી (૧૮) શીઘ્ર વક્તૃત્વ (હિન્દી-અંગ્રેજી)ની સ્પર્ધાઓ યોજાશે.
જ્યારે સીધી પ્રદેશ કક્ષાએ (૧) સ્ટોરી રાઈટિંગ (૨) પોસ્ટર મેકિંગ (૩) ડિક્લેમેશન (૪) ફોટોગ્રાફી (૫) હેન્ડી ક્રાફટ્ (૬) ટેક્સટાઈલ્સ (૭) એગ્રો પ્રોડક્ટની સ્પર્ધા યોજાશે.
ઉક્ત કૃતિઓના એન્ટ્રી ફોર્મ ભરીને જન્મના પુરાવા તરીકે આધારકાર્ડ-જન્મનાં પ્રમાણપત્રની નકલ સાથે “પ્રતિ, જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, રાજકોટ ગ્રામ્ય, ૫/૫, બહુમાળી ભવન, રેસકોર્ષ રોડ, રાજકોટ” ખાતે તા. ૯મી ઓગસ્ટ, ૨૦૨૪ના રોજ બપોરે ૧૨ સુધીમાં રૂબરૂ અથવા ટપાલથી મોકલી આપવાની રહેશે.
જિલ્લામાં પ્રથમ આવનાર કલાકારને પ્રદેશ કક્ષાએ ભાગ લેવા મોકલવામાં આવશે. પ્રદેશ કક્ષાએ પ્રથમ, દ્વિતિય નંબર પ્રાપ્ત કરનાર કલાકારને રાજ્યકક્ષાએ મોકલવમાં આવનાર છે. રાજ્ય કક્ષાએ પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર કલાકાર રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લઈ શકશે. વધુ માહિતી માટે ૦૨૮૧- ૨૪૪૦૦૮૧ સંપર્ક કરી શકાશે, તેમ રાજકોટના જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી એચ.વી.દિહોરાની યાદીમાં જણાવાયું છે.


