GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: ‘આત્મનિર્ભર હણોલ મહોત્સવ 2026’નું ભવ્ય આયોજન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને નિમંત્રણ

તા.૨૯/૧૨/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

‘આત્મનિર્ભર ભારત’ અને ‘સમૃદ્ધ ગામ – સમૃદ્ધ ભારત’ ના સૂત્ર સાથે દેશને નવી રાહ ચિંધતું હણોલ ગામ’

હણોલ ગામના વતની અને ભારત સરકારના કેબિનેટ મંત્રી ડો.મનસુખ માંડવિયાની આગેવાનીમાં ગ્રામ સમિતિની વડાપ્રધાન મોદી સાથે રૂબરૂ મુલાકાત

Rajkot: પાલિતાણાના હણોલ ગામે છેલ્લા 10 વર્ષથી આત્મનિર્ભરતા, નવીનતા અને સાંસ્કૃતિક સમૃદ્ધિના ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરી છે. આ સફળતાને આગળ વધારવા અને ગ્રામિણ ભારતની પ્રગતિને પ્રોત્સાહિત કરવા હણોલ ગ્રામ વિકાસ સમિતિ દ્વારા આગામી 13, 14 અને 15 જાન્યુઆરી, 2026ના રોજ ‘આત્મનિર્ભર હણોલ મહોત્સવ 2026’નું ભવ્ય ત્રિદિવસીય આયોજન કરવામાં આવનાર છે.

આ મહોત્સવનું ઉદઘાટન કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીને નિમંત્રણ અપાયું છે. હણોલના પનોતાપુત્ર અને કેન્દ્રિય કેબિનેટ મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની આગેવાનીમાં હણોલ ગ્રામ વિકાસ સમિતિએ દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીની રૂબરૂ મુલાકાત લીધી હતી. પ્રધાનમંત્રી મોદીએ સમિતિના પ્રયત્નો પ્રશંસનીય ગણાવ્યા અને ગ્રામિણ વિકાસ વિષયક ચર્ચામાં ઉંડો રસ પણ દાખવ્યો હતો.

ગ્રામ વિકાસ સમિતિએ જણાવ્યું કે આ મહોત્સવ ‘આત્મનિર્ભર ભારત’ અને ‘સમૃદ્ધ ગામ – સમૃદ્ધ ભારત’ના પ્રધાનમંત્રી મોદીના દ્રષ્ટિકોણને સાર્થક બનાવવાના હેતુથી યોજાયો છે.

ત્રણ દિવસીય કાર્યક્રમમાં ગ્રામ ઓલિમ્પિક્સ,ગ્રામ એક્સ્પો,ગ્રામ વિકાસ સંવાદ, તીર્થગામ હણોલના વિવિધ પ્રકલ્પોનું ઉદ્ઘાટન, કુદરતી ખેતી પર સંવાદ અને મકરસંક્રાંતિ પતંગ મહોત્સવ વગેરેનો સમાવેશ થશે.

સમિતિએ વધુ જણાવ્યું કે આ મહોત્સવનો હેતુ દેશના યુવાનોને તેમના મૂળભૂત મૂલ્યો, ભારતની ભૂમિ અને ગામડાં સાથે જોડાવા માટે પ્રેરણા આપવાનો છે. અમે ઇચ્છીએ છીએ કે તેઓ પોતાની મૂળ શક્તિને ઓળખી શકે, વાસ્તવિક ભારતને નજીકથી અનુભવી શકે અને જ્યારે આવતીકાલના આગેવાનો બની આગળ વધે, ત્યારે તેમના સંકલ્પ તેમની ભૂમિ, સમાજ અને સંસ્કૃતિ સાથે ઊંડાઈથી જોડાયેલા રહે. હણોલ મહોત્સવ 2026 માત્ર ઉત્સવ નથી, પરંતુ આત્મનિર્ભર અને સમૃદ્ધ ગ્રામિણ ભારતની યાત્રાનું એક પ્રતિકાત્મક પગલુ છે.

Back to top button
error: Content is protected !!