Rajkot: પર્યાવરણ અને તંદુરસ્તીની જાળવણીને બેલેન્સ કરતું સાયકલિંગ ‘સાયકલિંગ ફોર અ સસ્ટેનેબલ ફ્યુચર’ ની થીમ સાથે આજરોજ વિશ્વ સાયકલ દિવસની ઉજવણી
તા.૨/૬/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
આલેખન : રાજકુમાર
સમયનું ચક્ર બદલાયું : સાયકલથી વિમુક્ત વિશ્વ હવે પુનઃ સાયકલિંગ તરફ વળ્યું
નિયમિત સાયકલિંગ હૃદયરોગ, ડાયાબિટીસ, મોટાપો અને અન્ય જીવનશૈલી સંબંધિત રોગો સામે રક્ષણ આપે છે – ડો. પારસ શાહ
રાજકોટમાં ૧૦ વર્ષથી સાયકલ ક્લબ કાર્યરત, સાયક્લોફનમાં ગમ્મત સાથે ૪૦૦૦થી વધુ લોકો ઉત્સાહભેર જોડાય છ – શ્રી દિવ્યેશ અઘેરા
Rajkot: ચાલવું, દોડવું કે સાયકલિંગ એ એક પ્રકારની કસરત જ છે. એક જમાનામાં લોકો ચાલીને એક સ્થળેથી બીજા સ્થળે જતા, સમય જતા શોધ સંશોધન થતા સાયકલ આવી. જેણે પરિવહનમાં ઝડપ લાવી. સામાન્ય લોકો પણ તે વસાવી શકે. પરંતુ કહેવત છે ને ‘આમ કે આમ ગુટલીઓકે દામ’ તેમ સાયકલિંગ ટ્રાન્સપોર્ટેશન ઉપરાંત બેસ્ટ એક્સરસાઇઝ પણ છે. શરીરમાં મેદસ્વિતા અને રોગને દૂર ભગાડતું સાયકલિંગ સમંયાતરે શહેરી જીવનમાંથી લુપ્ત થતું ગયું. પરંતુ સમયના ચક્રની સાથે તંદુરસ્તીની જડીબુટ્ટી સમાન સાયકલિંગનો યુગ ફરીથી આવ્યો છે.
‘સાયકલિંગ ફોર અ સસ્ટેનેબલ ફ્યુચર’ એટલે કે ટકાઉ ભવિષ્ય માટે સાયક્લિંગના ઘણા મહત્વપૂર્ણ ફાયદા છે. સાયક્લિંગ દરમિયાન કોઈપણ પ્રકારનો ધુમાડો કે પ્રદૂષક તત્વો ઉત્પન્ન થતાં નથી, જે પર્યાવરણ માટે લાભદાયક છે. વળી સાયકલ ખરીદવી અને જાળવવી અન્ય વાહનોની તુલનાએ ખૂબ જ સસ્તું છે. સૌથી મહત્વનું છે કે એ આરોગ્ય માટે લાભદાયક છે. નિયમિત સાયક્લિંગ હૃદયરોગ, ડાયાબિટીસ, મોટાપો અને અન્ય જીવનશૈલી સંબંધિત રોગો સામે રક્ષણ આપે છે. શહેરોમાં ટ્રાફિક ભીડ અને પાર્કિંગની સમસ્યા ઓછી થાય છે. સાયકલ તમામ માટે સરળતાથી ઉપલબ્ધ હોય લોકોમાં સામાજિક સમાનતા અને સુલભતાનો ભાવ ઉભો થાય છે. સામૂહિક સાયક્લિંગ કાર્યક્રમો સામાજિક જોડાણ અને સક્રિય નાગરિકતાને પ્રોત્સાહન આપે છે.
રાજકોટમાં છેલ્લા દસ વર્ષથી કાર્યરત સાયકલ ક્લબના પ્રમુખ શ્રી દિવ્યેશ અઘેરા જણાવે છે કે, પર્યાવરણ અને આરોગ્યની જાળવણી અર્થે વર્ષોથી હું ઓફિસના કામ માટે સાયકલ ચલાવતો, એ સમયે લોકોને અજુગતું લાગતું. પરંતુ રાજકોટના લોકોમાં હેલ્થ અને પર્યાવરણ જાગૃતિ અર્થે લોકોને જોડવા માટે રાજકોટ સાયકલ ક્લબની રચના કરી. જેમાં હાલ ૧૫૦થી વધુ મેમ્બર્સ છે. વધુ લોકોને જોડવા માટે સાયકલિંગ સાથે એક ફન લવિંગ ગેટ ટુ ગેધર થાય તે ઉદેશ સાથે પ્રતિ વર્ષ સાયક્લોફન શરુ કર્યું. ગત વર્ષે તેમાં ચાર હજારથી વધુ લોકોએ ભાગ લીધો હતો. રાજકોટમાં અનેક ગ્રુપ સક્રિય છે. જેઓ વીક એન્ડમાં રાજકોટથી દૂર પડધરી, કાલાવડ, કાળીપાટ સહિતના સ્થળોએ વહેલી સવારે કે મોડી રાત્રે સાયકલિંગ કરતા જોવા મળે છે. શ્રી દિવ્યેશભાઈ જણાવે છે કે, સાયકલિંગથી તેમના ગોઠણની તકલીફ દૂર થયેલી છે. કેટલાક સભ્યોને સાયટીકા, મેદસ્વિતાની સમસ્યા હતી જે દૂર થતી જોવા મળે છે.
સાયકલ ચલાવવાના આરોગ્યલક્ષી ફાયદા અંગે જાણીતા ફીઝીશીયન ડો. પારસ શાહ જણાવે છે કે, ફાસ્ટ વોકિંગ, સ્વિમિંગ કે સાયકલિંગ એ કાર્ડિયાક એક્સરસાઇઝ છે, જે શરીરમાં લોહીનું પરિભ્રમણ વધારે છે , હૃદયની નળીઓમાં સતત લોહીનું ગતિશીલ પરિભ્રમણ થતા હાર્ટ તંદુરસ્ત રહે છે. સાથોસાથ સ્ટેમિના પણ વધે છે. કેલેરીઝ બર્ન થતા મેદસ્વિતા દૂર રહે છે. એક કલાક સાયકલિંગની મેટાબોલિક અસર ૧૦થી ૧૫ કલાક જેટલી રહે છે. જે ચરબીને ઓગાળવાનું કામ કરે છે. કાર્ડિયાક એક્સરસાઇઝને જીવનનો એક ભાગ બનાવી સાતત્ય જાળવવું જોઈએ તેવી ખાસ સલાહ આપતા ડો. શાહ કહે છે કે, આપણા સ્વાસ્થ્યની ચાવી આપણા હાથમાં છે જેને ખુબ જતનપૂર્વક વાપરવી જોઈએ.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ લોકોના સ્વાસ્થ્યને ધ્યાને રાખી ‘મેદસ્વીતા મુક્ત અભિયાન’ શરુ કર્યું છે. જેને જનજન સુધી જોડવા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં સક્રિય રીતે લોકો જોડાઇ રહ્યા છે, ત્યારે ‘વર્લ્ડ સાયકલ ડે’ નિમિત્તે સાયકલિંગને જીવનનો ભાગ બનાવી સ્વાસ્થ્યના પૈડાંને આગળ વધારી ‘સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત’ ના નિર્માણમાં સહભાગી થઈએ.
બોક્સ
૭૫ વર્ષના ઉષાબેન રાજદેવ સંપૂર્ણ નિરોગી, કારણ – રોજનું ૨૫ કી.મી. સાયકલિંગ
વૃદ્ધાવસ્થામાં નખમાંય રોગ ન હોય તો જીવન ખુબ આનંદમય અને સુંદર લાગે. આ ઉમંગ વ્યક્ત કરતા ૭૫ વર્ષીય ઉષાબેન રાજદેવ કહે છે કે, મને ગોઠણ, સાંધા કે વા તો શું બી.પી. ડાયાબિટીસ જેવી પણ કોઈ તકલીફ નથી. ભોજનમાં કોઈ બાંધછોડ નહીં, ને મીઠાઈ પણ પ્રેમથી આરોગું. ઘરમાં બધા મને યંગેસ્ટ સભ્ય ગણે.
જાત્રા જવાની ઉંમરે જીવનને ખુબ સારી રીતે માણતા રાજકોટ સાયકલ ક્લબના સૌથી મોટી ઉંમરના સભ્ય ઉષાબેન કહે છે કે, હું મારા ઘર રામધામ સોસાયટીથી એઇમ્સ સુધી રોજ સાયકલિંગ કરું છું. એકપણ દિવસ ચૂકવાનો નહીં. પહેલા તો હું રીબડા, ગોંડલ સુધી પણ જતી. સૌથી વધુ ધ્રોલ સુધી ૧૦૦ કી.મી. સાયકલિંગ કર્યું. ક્યારેક સાયકલ ચલાવતા અકસ્માત પણ થાય પણ ક્યારેય સાયક્લિંગ બંધ નથી કર્યું.
૩૦ વર્ષની નાની ઉંમરે ઘરની જવાબદારી આવતા તેઓએ તેમના બાળકો માટે સાયકલની દુકાને જવા – આવવા સાયકલિંગ શરુ કર્યું. જરૂરિયાત મુજબ બાળકોને મોટા કરવાની જવાબદારી સુધી સાયકલ ચલાવી. જેનાથી તેઓની તંદુરસ્તી સારી રહેતા હવે જરૂરિયાત ન હોવા છતાં ઉષાબેને સાયકલિંગને શોખ બનાવી આજીવન સાયકલિંગ કરવાનો નિત્યક્રમ બનાવ્યો છે.