Rajkot: રાજકોટ શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન મથકમાં મોબાઈલ લઈ જવા પર મનાઈ

તા.૮/૪/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
મતદાન મથકની ૧૦૦ મીટરની ત્રિજ્યામાં શહેર પોલીસ કમિશનર દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મુકાયો
Rajkot: રાજકોટ શહેરમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી સમયે કાયદો-વ્યવસ્થા જાળવવા શહેર પોલીસ કમિશનર શ્રી બ્રજેશકુમાર ઝા દ્વારા મતદાન મથકો તેમજ આસપાસના ૧૦૦ મીટરના વિસ્તારમાં વિવિધ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ ફરમાવાયો છે. જેમાં મોબાઈલ સહિતના સંદેશા વ્યવહારના વીજાણુ માધ્યમો મતદાન મથકમાં લઈ જવા પર મનાઈ ફરમાવાઈ છે.
આ અંગે જારી કરાયેલા જાહેરનામામાં ફરમાવાયું છે કે, રાજકોટ શહેર પોલીસ કમિશનરેટ વિસ્તારમાં તા. ૨૬મી એપ્રિલના રોજ મતદાન મથક તેમજ તેની ૧૦૦ મીટરની ત્રિજ્યામાં કોઈ પણ રાજકીય પક્ષ ઉમેદવાર કે તેમના એજન્ટો દ્વારા મત માટે પ્રચાર કરી શકાશે નહીં. મતદારોને ધાકધમકી આપી, રંજાડીને મતદાન કરતા અટકાવવા કે મત આપવા આગ્રહપૂર્વક વિનંતી કરવી, અમુક ચોક્કસ વ્યક્તિને મત આપવા કે ન આપવા માટે સમજાવવા જેવા કૃત્યો કરી શકાશે નહીં.
મતદાન મથકની મર્યાદામાં સેલ્યુલર ફોન, મોબાઈલ, કોર્ડલેસ ફોન કે વાયરલેસ સેટ જેવા સંદેશાવ્યવહારના સાધનો લઈ જવા પર પ્રતિબંધ રહેશે. વધુમાં, અશક્ત કે અપંગ વ્યક્તિઓ સિવાયના લોકો માટે વાહનો સાથે લાવવા પર પણ રોક લગાવવામાં આવી છે. ચૂંટણીને લગતી કોઈ પણ નોટિસ કે નિશાની પ્રદર્શિત કરવા પર મનાઈ ફરમાવવામાં આવી છે. આ આદેશોનું ઉલ્લંઘન કરનાર સામે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. આ અંગે ગુનો દાખલ કરવા પોલીસ અધિકારીઓને અધિકૃત કરવામાં આવ્યા છે.



