GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: દુધીવદરની બાળકી માટે RBSK બની સંજીવનીઃ હૃદયની જન્મજાત ખામીની સર્જરી વિનામૂલ્યે થઈ

તા.૧૫/૫/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

સાફલ્ય ગાથાઃ સંદીપ કાનાણી

પરિવાર રૂ. ૩થી ૪ લાખ ખર્ચી પ્રાઇવેટ સારવારની તૈયારીમાં હતો

R.B.S.K.ની ટીમ દ્વારા સમયસર માહિતી મળતાં મોટી રાહત થઈ

Rajkot: રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (આર.બી.એસ.કે.) આજે અનેક બાળકો માટે સંજીવન સમાન બની ગયો છે. રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના દુધીવદર ગામની એક બાળકીને જન્મથી જ હૃદય તેમજ મળદ્વાર (CONGENITAL ANTERIOR ECTOPIC ANUS + CHD)ને લગતી તકલીફ હતી. આર.બી.એસ.કે. હેઠળ આ બાળકીની અમદાવાદની સરકારી હોસ્પિટલ અને યુ.એન. મહેતા હોસ્પિટલમાં નિઃશુલ્ક સર્જરી કરાઈ છે. જેના લીધે પરિવારનો રૂપિયા ત્રણથી ચાર લાખનો ખર્ચ બચ્યો છે.

દુધીવદર ગામે રહેતા એક નોકરિયાત નાગરિકને ત્યાં ૩૦ જાન્યુઆરી, ૨૦૨૪ના રોજ એક બાળકીનો જન્મ થયો હતો. એ પછી ૨૫મી નવેમ્બર, ૨૦૨૪ના રોજ જામકંડોરણા આર.બી.એસ.કે ટીમના ડૉ. દાનસિંહ ડોડીયા, ડૉ.શિતલ સારીખડાએ તેમના ઘરની મુલાકાત લઈને બાળકીના સ્વાસ્થ્યની તપાસ કરી હતી. જેમાં હૃદય તેમજ મળદ્વારને લગતી ખામી ધ્યાને આવી હતી. બાળકીના પિતાની આર્થિક સ્થિતિ સામાન્ય છે. પરંતુ દીકરીની તંદુરસ્તી માટે પિતાએ ખાનગી હોસ્પિટલમાં નિદાન કરાવ્યું અને રૂપિયા ત્રણથી ચાર લાખ ખર્ચ કરીને સર્જરી કરાવવા માટે તૈયાર થઈ ગયા હતા.

આ માહિતી મળતાં, આર.બી.એસ.કે.ની ટીમ તેમના ઘરે પહોંચી હતી અને તેમને સમજાવ્યા હતા કે, રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ હૃદયની ખામીની સર્જરી-સારવાર યુ. એન. મહેતા હોસ્પિટલમાં, જ્યારે મળદ્વારને લગતી સર્જરી-સારવાર અમદાવાદ સરકારી સિવિલ હોસ્પિટલમાં વિનામૂલ્યે થઈ શકે છે. ખાનગી હોસ્પિટલમાં થનારા સર્જરી ઉપરાંત સારવાર-દવાના ખર્ચની સમજ પણ આ પરિવારને આપવામાં આવી હતી. આથી પરિવાર સંમત થયો હતો અને DEIC સિવિલ હોસ્પિટલ-રાજકોટ ખાતે બાળકીના આરોગ્યની સઘન તપાસ કરવામાં આવી હતી. જેમાં હૃદય તથા મળદ્વારને લગતી ખામીનું નિદાન થયું હતું.

એ પછી ૧૦ માર્ચ, ૨૦૨૫ના રોજ અમદાવાદની સરકારી હોસ્પિટલ તેમજ યુ.એન. મહેતા હોસ્પિટલમાં બાળકીની બંને તકલીફની સર્જરી કરીને આગળની સારવાર કરવામાં આવી હતી.

હાલ બાળકી એકદમ સ્વસ્થ છે. બાળકીના પિતા અને પરિવારે આર.બી.એસ.કે. ની ટીમ, સિવિલ તથા યુ.એન. મહેતા હોસ્પિટલના ડોક્ટરો તથા સરકાર પ્રત્યે આભારનો ભાવ પ્રગટ કર્યો છે.

નોંધનીય છે કે, રાજકોટ જિલ્લામાં આર.બી.એસ.કે. હેઠળ જરૂરિયાતમંદ બાળકોને આરોગ્યલક્ષી સેવાઓ-લાભ મળી રહે તે માટે જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનંદુ સુરેશ ગોવિંદ તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. આર. આર. ફુલમાલીના માર્ગદર્શનમાં સઘન કામગીરી કરવામાં આવી રહી છે.

Back to top button
error: Content is protected !!