જનપ્રતિનિધિઓએ રોજબરોજની દવા લેનારાઓને જન ઔષધિ કેન્દ્રમાંથી દવાઓ લેવા ખાસ અનુરોધ કર્યો
મહેસાણા ખાતે જિલ્લા કક્ષાના જન ઔષધિ દિવસ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી

વાત્સલ્યમ સમાચાર,બળવતસિંહ ઠાકોર,મહેસાણા
મહેસાણા જિલ્લાના જનપ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં જીલ્લા કક્ષાના જન ઔષધિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જન ઔષધિ કેન્દ્ર, એપીલો એન્કલેવ મોઢેરા ચોકડી ખાતે યોજાએલા કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ મયંકભાઇ નાયક અને લોકસભાના સાંસદ હરિભાઈ પટેલ તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન પટેલની ઉપસ્થિતિમાં જનઔષધીદિવસ ની ઉજવણી કરવામાં આવી હતા. મહેસાણા જિલ્લામાં ૧૯ જનઔષધી કેન્દ્રો છે જેનો વધારેમાં વધારે લાભ લઈને મોંઘી દવાઓ સસ્તા દરે લેવા માટે જન પ્રતિનિધિઓએ અનુરોધ કર્યો હતો તેમજ જનપ્રતિનિધિઓએ રોજબરોજની દવા લેનારાઓને જન ઔષધિ કેન્દ્રમાંથી દવાઓ લેવા ખાસ અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ મયંકભાઇ નાયકે જણાવ્યું હતુ કે, તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ છેવાડાના લોકોની ચિંતા કરીને પાણી, 108ની વ્યવસ્થા, ૨૪ કલાક વીજળીની સુવિધા તેમજ આરોગ્ય અને શિક્ષણ તેમજ સામાન્ય માનવી દવાઓના ખર્ચને કેવી રીતે ઓછો થાય તે માટે વર્ષ 2019 થી દર વર્ષે 7 માર્ચે જન ઔષધિ દિવસ તરીકે ઉજવવાનું શરુ કરેલ છે. સામાન્ય માણસની ચિંતા કરીને દવાનું ખર્ચ ઓછું થાય તે માટે કેન્દ્રીય આરોગ્યમંત્રીશ્રી નડાજીએ , મુખ્યમંત્રીશ્રી તેમજ આરોગ્યમંત્રીશ્રી એ સમગ્ર દેશમાં જન ઔષધી કેન્દ્ર માટે જનજાગૃતિ કેળવાય તે માટે પ્રચાર પ્રસાર વધે એવા પ્રયત્નો કરવા માટે આજના દિનની ઉજવણી કરવા જણાવેલ છે. લોકોને ઓછામાં ઓછા ખર્ચે આ દવા મળી રહે અને લોકો આ દવાનો ઉપયોગ કરી પોતાનું સ્વાસ્થ્ય સારું થાય, આર્થિક બચત કરે સરકારના આ પ્રયત્નોમાં સહકાર આપીએ એમ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, “ જે લોકો રોજબરોજ આ દવાનો ઉપયોગ કરે છે તેમને સસ્તી અને ગુણવત્તા યુક્ત દવાઓ મળે તે માટે સરકારના પ્રયત્ન છે અને અમે તેનો પ્રચાર પ્રસાર કરવાનો સંકલ્પ કરીએ છીએ.
લોકસભાના સાંસદ હરિભાઈ પટેલે પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે ,” દેશમાં ૧૫ હજાર જેટલા જન ઔષધી કેન્દ્રો કાર્યરત છે. તેમજ તેમાં બ્રાન્ડેડ ગુણવત્તા યુક્ત દવા ૮૦ ટકા સસ્તા ભાવમાં મળી રહે છે. જન ઔષધિ કેન્દ્રમાં ૨૦૪૭ જેટલી દવાઓ અને ૩૦૦ સર્જીકલ ઉપરાંતના ઉત્પાદનોનું વેચાણ કરવામાં આવે છે. સરકાર દ્વારા માર્ચ ૨૦૨૬ સુધી 20,000 તેમજ માર્ચ ૨૦૨૭ સુધી 25000 જન ઔષધી કેન્દ્રો સ્થાપિત કરવાનું લક્ષ્યાંક છે. આજ આજ સુધી જન ઔષધી કેન્દ્રો દ્વારા નાગરિકોને રૂપિયા ૬.૮૮કરોડની દવાઓ વેચવામાં આવી છે. તેમણે આગ્રહ કર્યો હતો કે જન ઔષધી કેન્દ્રો દ્વારા છેવાડાના અને સામાન્ય માણસોને સસ્તી તેમજ ગુણવત્તા યુક્ત દવા મળે તે માટે છેક સુધી પ્રચાર પ્રસાર અને જનજાગૃતિ કેળવાય તે માટે સરકારના પ્રયત્નો છે તેમાં સહકાર કરીએ….
આ પ્રસંગે લાભાર્થી જયંતીભાઈ પટેલ અને પી. ડી. મહેતા એ પોતાના પ્રતિભાવોમાં જણાવ્યું કે,” તેઓને આ જન ઔષધિ કેન્દ્રનો ખૂબ લાભ મળ્યો છે. તેઓનો લગભગ 70% થી 80% ખર્ચ બચી ગયો છે જેમાં તેઓ બી. પી., ડાયાબિટીસ, અસ્થમા તેમજ લાંબા ગાળાની બીમારીની દવા પણ સસ્તા દરે મેળવે છે. આમ તેમને આર્થિક રીતે પણ સહાય બની રહે છે.
સ્વાગત પ્રવચનમાં એ જણાવ્યું હતુ કે ડો.દિનેશ પટેલે કર્યુ હતુ. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ભરતભાઈ સોલંકીએ જણાવ્યું હતુ કે ,” દર વર્ષે ૭ માર્ચને “જન ઔષધિ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણી દ્વારા ગુણવત્તાયુક્ત જેનરિક દવાઓના વપરાશને પ્રોત્સાહન આપવું જરૂરી રહેશે તેમજ જન ઔષધિ સ્ટોર પર બ્રાન્ડેડ દવાઓ બજાર ભાવ કરતા ૮૦% સુધી સસ્તી મળશે. જેથી લાભાથીઓનો દવાઓનો ખિસ્સા ખર્ચ ઘટશે
આભારવિધિ કરતાં અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ઘનશ્યામભાઈ ગઢવીએ જણાવેલ કે આવનારા દિવસોમાં જિલ્લાના આરોગ્યકેન્દ્રો માં જન ઔષધિ કેન્દ્રના લિસ્ટ મુકવામાં આવશે
આ પ્રસંગે જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન મિહિરભાઈ, અગ્રણી રાજુભાઈ મોદી સહિતના જન પ્રતિનિધિઓ તેમજ આરોગ્યના અધિકારીઓ અને લાભાર્થીઓ તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.





