દેવભૂમિ દ્વારકા જિલ્લાના નંદાણા ખાતે ‘મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબૂદી અભિયાન’ અંતર્ગત જન જાગૃતિ કાર્યક્રમ યોજાયો
માહિતી બ્યુરો, દેવભુમિ દ્વારકા
મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા તા.૨૫ નવેમ્બરથી તા.૧૦ ડિસેમ્બર ૨૦૨૪ સુધી ‘’મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબૂદી અભિયાન’’ ચલાવવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા મયુર શૈક્ષણિક સંકુલ, નંદાણા ખાતે જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરીના સંકલનમા કલ્યાણપુર અને દ્વારકા તાલુકાની માધ્યમિક શાળાના આચાર્યો સાથે એક જાગૃતિ કાર્યક્ર્મનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમા ઘરેલુ હિંસા અધિનિયમ, કામકાજના સ્થળે જાતીય સતામણીથી મહિલાઓનું રક્ષણ અધિનિયમ(POSH), જાતિય ગુનાઓ સામે બાળકોને રક્ષણ આપતો અધિનિયમ (POCSO), જુવેનાઈલ જસ્ટિસ એક્ટ, બાળલગ્ન પ્રતિબંધ અધિનિયમ, વગેરે હેઠળ ઉપલબ્ધ કાનૂની રક્ષણ તેમજ સરકાર દ્વારા કાર્યાન્વિત મહિલા હેલ્પલાઇન ૧૮૧, સખી વન સ્ટોપ સેન્ટર, પોલિસ બેઝ્ડ સપોર્ટ સેન્ટર વિશે જાગૃતિ ફેલાવવામાં આવી હતી. જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી ડ્રો.ચંદ્રેશકુમાર ભાંભી તેમજ જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી પ્રકાશભાઈ ખેરાલા દ્રારા કચેરી અંતર્ગત વિવિધ યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપવામા આવી હતી.
આ કાર્યક્રમમા જિલ્લા શિક્ષણાધિકારી શ્રી ડો. એચ.આર.જાડેજા, મયુર શૈક્ષણિક સંકુલના આચાર્યશ્રી મહેશભાઈ કંડોરીયા, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી તેમજ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીના કર્મચારીઓ, જિલ્લા બાળ સુરક્ષા એકમના કર્મચારીઓ તથા તાલુકાની માધ્યમિક શાળાના આચાર્યો ઉપસ્થિત રહ્યાં હતા.