Rajkot: ભારતીય માનક બ્યૂરો દ્વારા મનુભાઈ જ્વેલર્સમાં તપાસઃ હોલમાર્ક વિના વેચાણ કરાતું સોનું સીઝ
તા.૨૯/૧૧/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
ક્વોલિટી કંટ્રોલ ઓર્ડરના ભંગ બદલ કરાઈ કાર્યવાહી
Rajkot: ભારતીય માનક બ્યૂરોની રાજકોટ શાખા દ્વારા રાજકોટમાં પેલેસ રોડ પર પ્રહલાદ પ્લોટમાં ગોલ્ડન પેલેસમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા શ્રી મનુભાઈ જ્વેલર્સમાં તપાસ અને સીઝરની કાર્યવાહી કરવામાં આવી હતી.
બ્યૂરોની રાજકોટ શાખા દ્વારા જારી કરાયેલી યાદીમાં જણાવ્યા મુજબ, બી.આઈ.એસ.ની ટીમની તપાસમાં જ્વેલર્સની આ શાખામાં ૨૭મી નવેમ્બરે હોલમાર્ક વિના સોનું વેચાતું હોવાનું ધ્યાને આવ્યું હતું, જેનાથી હોલમાર્ક સાથે સોનાના દાગીના-સોનું વેચવા અંગેના ૨૦૨૦ના ક્વોલિટી કંટ્રોલ ઓર્ડરનો ભંગ થતો હોવાથી હોલમાર્ક વિનાના સોનાને સીઝ કરવાની કાર્યવાહી કરાઈ હતી. બ્યૂરો દ્વારા હોલમાર્ક વિના વેચાણ માટે ડિસ્પ્લેમાં મુકાયેલી ૪૦.૦૭ ગ્રામ વજનની સોનાની નવ વિંટી અને ૩૨.૦૭ ગ્રામની સોનાની ચેઈન સીઝ કરાઈ છે.
ભારત સરકાર દ્વારા હોલમાર્ક અંગે જારી કરાયેલા આદેશ મુજબ, કોઈપણ વ્યક્તિ હોલમાર્ક તેમજ રજિસ્ટ્રેશન વિનાના સોનાના દાગીના-સોનાને આયાત, વિતરણ-વેચાણ, સંગ્રહ કે વેચાણ માટે પ્રદર્શિત કરી શકે નહીં.
યાદીમાં જણાવ્યા મુજબ, હોલમાર્ક વિના કે નકલી હોલમાર્કવાળા સોના કે સોનાના દાગીનાનું મોટો નફો રળવા માટે વેચાણ કરાતું હોય છે. આથી ગ્રાહકોએ ખરીદી પહેલાં હોલમાર્કની સત્યતાની ખરાઈ કરવી જોઈએ. આ માટે bis.gov.in અથવા તો બી.આઈ.એસ.ની એપની મદદ પણ લઈ શકાય છે. દરેક હોલમાર્કમાં એક યૂનિક HUID હોય છે. જેના આધારે હોલમાર્કની સત્યતાની ચકાસણી થઈ શકે છે.
જો કોઈ ઉત્પાદન પર હોલમાર્ક કે આઈ.એસ.આઈ. માર્કાના દુરુપયોગના કિસ્સા ગ્રાહકોના ધ્યાને આવે તો, સાયન્ટિસ્ટ ઈ અને હેડ, બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ, એફ.પી. નં.૩૬૪ય/પી, વોર્ડ નં.૧૩, કાલાવડ રોડ, રાજકોટ અથવા તો Email – rjbo@bis.gov.in, hrjbo@bis.gov.in પર જાણ કરવા અપીલ કરવામાં આવી છે. આવી જાણકારી ગુપ્ત રાખવામાં આવશે, તેમ પારિજાત શુક્લા, (સાયન્ટિસ્ટ ઈ એન્ડ હેડ)ની યાદીમાં જણાવાયું છે.