GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા જન કલ્યાણ અર્થે ઘેલા સોમનાથથી સોમનાથ સુધી ૨૨૯ કિ.મી. પદયાત્રા કરશે

તા.૧૮/૧૨/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

તા. ૨૦મીથી ઘેલા સોમનાથ ખાતેથી ‘જનકલ્યાણ શિવવંદના પદયાત્રા’ શરૂ થશે, ૨૭મીએ સોમનાથ મહાદેવને ધ્વજારોહણ સાથે યાત્રાનું સમાપન

આશરે ૨૨૯ કિ.મી. લાંબી પદયાત્રાના માર્ગમાં લોક સંવાદ-સાંસ્કૃતિક કાર્યક્રમો-દેશભકિતનાં ગીતો-લોકડાયરાઓનું આયોજન

Rajkot: સામાજિક સમરસતા, સાંપ્રદાયિક સમભાવ, નાગરિકોની સુખાકારી, દેશના સર્વાંગી વિકાસ તથા જનકલ્યાણની ભાવના સાથે કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા ૨૧મી ડિસેમ્બરથી ઘેલા સોમનાથથી સોમનાથ મહાદેવ સુધી સાત દિવસની ‘જનકલ્યાણ શિવવંદના પદયાત્રા’એ નીકળશે. આશરે ૨૨૯ કિ.મી. લાંબી આ પદયાત્રામાં મંત્રીશ્રી વિવિધ ગામોના નાગરિકો તથા છેવાડાના લોકો સાથે રૂબરૂ સંવાદ સાધશે અને સરકાર તેમની સાથે હોવાની પ્રતીતિ કરાવશે.

મળતી માહિતી મુજબ, કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાની આગેવાનીમાં તા. ૨૦ ડિસેમ્બરને શનિવારના રોજ સવારે ૭:૩૦ વાગ્યે ભગવાન શિવનાં પ્રસિધ્ધ યાત્રાધામ જસદણ નજીકનાં શ્રી ઘેલા સોમનાથથી શિવવંદના પદયાત્રાનો પ્રારંભ થશે. તા. ૨૭ ડિસેમ્બરના રોજ સવારે ભગવાન શ્રી સોમનાથ મંદિરે ધ્વજારોહણ કરીને યાત્રાનું સમાપન થશે.

આ યાત્રાનો ઉદેશ્ય સ્પષ્ટ કરતા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે, યાત્રાનો હેતુ સામાજીક અને આધ્યાત્મિક વધુ છે, લોકોનું કલ્યાણ થાય, રાજય-દેશનો સાર્વત્રિક વિકાસ થાય, કેન્દ્ર અને રાજય સરકારની યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચે, નાગરિકોની સુખાકારી વધે તેમજ સાંપ્રદાયિક સમભાવમાં વૃધ્ધિ થાય તે માટે પ્રાર્થના કરવા આ ‘જન કલ્યાણ શિવવંદના પદયાત્રા’ નીકળી રહી છે. યાત્રાનાં માર્ગમાં આવતા વિવિધ ધર્મસ્થાનકોએ પ્રાર્થના કરવામાં આવશે. લોકોનું સર્વ પ્રકારે મંગલ થાય તેવા ઉદેશ્યથી આ યાત્રા નીકળી રહી છે.

તેમણે ઉમેર્યું હતું કે, આ પદયાત્રા દરમ્યાન માર્ગમાં આવતા ગામોમાં ખાટલા બેઠકો, ગ્રુપ મીટીંગોનું આયોજન થશે. જેમાં લોકોપયોગી માહિતીઓ આપવામાં આવશે. ઉપરાંત વ્યસનમુકિત, સાંપ્રદાયિક સમભાવ વગેરે બાબતે જનજાગૃતિના પ્રયાસો કરવામાં આવશે. આ માટે સાંસ્કૃતિક કાર્યક્રમો, લોકડાયરાઓ વગેરે પણ યોજવામાં આવશે.

રાજકોટ, પોરબંદર અને જુનાગઢ એમ ત્રણ લોકસભા મત વિસ્તારોમાંથી પસાર થનારી ‘જન કલ્યાણ શિવવંદના પદયાત્રા’માં સાધુ, સંતો, મહંતો, ધારાસભ્યો, જિલ્લા-તાલુકા પંચાયતનાં પદાધિકારીઓ, નગર સેવકો, ભાજપાના જિલ્લા પ્રમુખશ્રીઓ, સરપંચો, મહાનગરપાલિકાનાં પદાધિકારીઓ સામેલ થવાના છે.

‘જન કલ્યાણ શિવવંદના પદયાત્રા’ માટે નાગરિકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. યાત્રામાં જોડાવા માટે મોટી સંખ્યામાં યાત્રિકોએ નોંધણી કરાવી છે. માર્ગમાં આવતાં ગામોમાંથી પણ અનેક ગ્રામજનો આ યાત્રામાં સામેલ થવાના છે, યાત્રાનાં સ્વાગત માટે ગામેગામ ઉત્સાહભેર તૈયારીઓ થઈ રહી છે.

(બોક્સ) – જનકલ્યાણ શિવવંદના પદયાત્રાનો રૂટ

તા. ૨૦ ડિસેમ્બરે વહેલી સવારે ઘેલા સોમનાથથી સવારે ૭:૦૦ વાગ્યે પૂજા-અર્ચના કરી ૭:૪૫ વાગ્યે પ્રસ્થાન કરશે. ત્યાંથી આ યાત્રા ગોડલાધાર, માધવીપુર, ગઢડીયા(જસ)થી જસદણ, આટકોટ થઈ ખારચીયા(જામ) રાત્રી રોકાણ કરશે.

તા. ૨૧ ડિસેમ્બરના રોજ પદયાત્રા ખારચીયા (જામ)થી નીકળી મોટા દડવા, નાના માંડવા, રામોદ, ઘોઘાવદર થઈ ગોંડલ રાત્રી રોકાણ કરશે.

તા. ૨૨મીએ આ પદયાત્રા ગોંડલથી જામવાડી, ચોરડી, ગોમતા પાટીયા, વિરપુર, પીઠડીયા થઈ જેતપુર રાત્રી રોકાણ કરશે.

તા. ૨૩મીએ પદયાત્રા જેતપુરથી નીકળી જેતલસર, ચોકી, વડાલ થઈ જુનાગઢ શહેર પસાર કરી જૂનાગઢ રાત્રિ રોકાણ કરશે.

તા. ૨૪મીએ આ પદયાત્રા જુનાગઢથી નીકળી વંથલી, કણજા, માણેકવાડા થઈ અગતરાય રાત્રિ રોકાણ કરશે.

તા.૨૫મીએ આ પદયાત્રા કેશોદ, સોંદરડા, પાણીધ્રા થઈ ભંડુરી રાત્રિ રોકાણ કરશે.

તા. ૨૬મીએ રોજ ભંડુરીથી નીકળી સુપાસી થઈ વેરાવળ થઈ ભગવાન શ્રી સોમનાથના ધામ સોમનાથ પહોંચશે.

તા.૨૭મીએ સવારે શ્રી ઘેલા સોમનાથ મંદિરે ધ્વજારોહણ સાથે આ ૨૨૯ કિ.મી. પદયાત્રાનું સમાપન થશે.

Back to top button
error: Content is protected !!