Rajkot: રાજકોટમાં જિલ્લા કક્ષાના ૧૧માં આંતરાષ્ટ્રીય યોગ દિનની ઉમંગભેર ઉજવણી
તા.૨૧/૬/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે નિયમિત યોગાભ્યાસ ખૂબ જ જરૂરીઃ કલેકટર શ્રી પ્રભવ જોશી
વડાપ્રધાનશ્રી અને મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં ઉજવાયેલા યોગ દિનનું જીવંત પ્રસારણ સૌએ નિહાળ્યું
Rajkot: ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાજકોટના વિમલ નગર સ્થિત મલ્ટી પર્પસ ઈન્ડોર હોલ ખાતે ૧૧ માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી ઉમંગભેર કરવામાં આવી હતી.
“એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય માટે યોગ” થીમ પર રાજકોટ ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં યોગ બોર્ડના સૌરાષ્ટ્ર ઝોન કો-ઓર્ડિનેટર શ્રી વંદનાબેન રાજાણીએ મંચ સંચાલન કરી મોટી સંખ્યામાં ઉપસ્થિત જનમેદનીને ૪૫ મીનિટના કોમન યોગ પ્રોટોકોલમાં પ્રાર્થના, સુક્ષ્મ યોગ, યોગ આસન, પ્રાણાયામ, ધ્યાન અને સંકલ્પ લેવડાવી યોગ ક્રિયાઓનો મહિમા વર્ણવ્યો હતો.
આ તકે કલેકટર શ્રી પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે, યોગ એક જીવન પદ્ધતિ છે, નિયમિત યોગ કરવાથી અનેક ફાયદાઓ થાય છે ત્યારે સ્વસ્થ ગુજરાત બનાવવા યોગ દ્વારા સ્થૂળતા મુક્ત પણ બનીએ.
રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી પ્રસંગે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમથી અને રાજ્ય કક્ષાની ઉજવણી પ્રસંગે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે વડનગરથી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની પ્રજાજનોને શુભેચ્છા પાઠવી પ્રસંગોચિત સંબોધન કર્યુ હતું જે કાર્યક્રમોનું જીવંત પ્રસારણ સૌએ નિહાળ્યું હતું.
આ કાર્યક્રમમાં સાંસદ શ્રી રામભાઈ મોકરીયા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પ્રવીણાબેન રંગાણી, રેન્જ આઈ.જી. શ્રી અશોકકુમાર યાદવ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનંદુ સુરેશ ગોવિંદ, પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહ, નિવાસી અધિક કલેકટર શ્રી એ. કે.ગૌતમ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી એ. કે. વસ્તાણી, પ્રાંત અધિકારી શ્રી ચાંદની પરમાર, જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી હિતેશ દિહોરા, જિલ્લા રમતગમત અધિકારી શ્રી વી. પી. જાડેજા, ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ સાધકો, વિવિધ સંસ્થાઓ તેમજ શાળા- કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં યોગ દિનની ઉજવણીમાં સહભાગી બન્યા હતા.