Rajkot: રાજકોટ જિલ્લામાં “વિશ્વ આયોડીન ઉણપ દિવસ”ની ઉજવણી

તા.૨૧/૧૦/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
હદય સહિતની શારીરિક ક્રિયાઓના સંચાલન માટે આયોડીન ખૂબ મહત્ત્વનું
Rajkot: વિશ્વમાં દર વર્ષે ૨૧ ઓકટોબરના રોજ ‘‘વિશ્વ આયોડીન ડેફિસિયન્સી ડે’’ (વિશ્વ આયોડીન ઉણપ દિવસ) મનાવવામાં આવે છે, ત્યારે રાજકોટ જિલ્લામાં પણ આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી ડૉ. નવનાથ ગવ્હાણેના માર્ગદર્શન હેઠળ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.પી. કે. સિંઘ તથા જિલ્લા પંચાયતની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજીને આ દિવસ ઉજવાયો હતો. આ નિમિત્તે રાજકોટ જિલ્લાના ૫૪ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ૧૨-અર્બન આરોગ્ય કેન્દ્રો, અને ૨૯૩-આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે તેમજ શાળાઓમાં કાર્યક્રમ, જાહેર સ્થળોએ બેનર, પોસ્ટર, પેમ્ફલેટ માઇક દ્વરા પ્રચાર પ્રસાર, તેમજ સોશ્યલ મીડીયા દ્વરા “વિશ્વ આયોડીન ડેફિસિયન્સી ડે”નો પ્રચાર-પ્રસાર કરી લોકજાગૃતિ લાવવા પ્રયાસ કરાયો હતો.
નોંધનીય છે કે, આ દિવસ ઉજવવા પાછળનો મુખ્ય હેતુ આયોડીન (મીઠા) ના ઉપયોગની જરૂરિયાત વિશે જણાવવું અને મીઠાની ખામી બાબતે જાગૃતિ લાવવાનો છે. સમગ્ર વિશ્વમાં મીઠાની ખામીના કારણે વૈશ્વિક સ્વાસ્થ્ય સમસ્યા બની છે. આજે વિશ્વમાં કુલ વસ્તીના ત્રીજા ભાગની વસ્તીને મીઠાની ઉણપના લીધે બિમારીઓનું જોખમ વધી ગયું છે. ડબલ્યુ.એચ.ઓ.ના જણાવ્યાં અનુસાર આજે પણ ૫૪ દેશોના લોકોમાં મીઠાની ઉણપ વર્તાય છે. મીઠું સુક્ષ્મ પોષક તત્વ છે, જે મનુષ્યની વૃદ્ધિ અને વિકાસ માટે જરૂરી છે.
આયોડિન એક એવું તત્વ છે જેની જરૂરિયાત શરીરમાં ઘણી ઓછી છે, પણ તેનું મહત્વ ઘણું વધારે છે. શરીરમાં હૃદયની ક્ષતિરહિત કામગીરી, નર્વ ઈમ્પલ્સ અને શરીરનો વિકાસદર તથા ચયાપચયની ક્રિયાના નિયમન માટે આયોડીન જરૂરી છે. પુખ્ત વયની વ્યક્તિના શરીરમાં ૫૦ મિલિગ્રામ જેટલું આયોડીન હોય છે. જેમાંથી ૮ મિ.ગ્રા. આયોડિન થાઈરોઈડ ગ્રંથિમાં હોય છે. થાઈરોઈડ ગ્રંથિનું વજન શરીરના વજનના માત્ર ૦.૦૫% હોય છે. આયોડિન જરૂરિયાતની પૂર્તિ ખોરાકમાંથી (અનાજ અને ધાન્ય) માંથી થાય છે. જો પૂરતા પ્રમાણમાં આયોડિન ન મળે તો થાઈરોઈડ ગ્રંથિના કાર્ય ઉપર સીધી અસર થાય છે. આયોડિનની ઉણપથી ગોઈટર (થાઈરોઈડ ગ્રંથિ ફૂલી જવી) રોગ થાય છે. આમ આયોડીનનું મહત્ત્વ સમજીને લોકો તેના વિશે જાગૃત બને તેવા હેતુસર આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.






