GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાવળ સમાજના ૧૭૪ પરિવારોને સનદ વિતરણ કરાઈ

તા.૨૬/૩/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

-: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ :-

-વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ છેવાડાના લોકોને યોજનાઓના લાભો તેમને ઘરે બેઠા મળે, તે માટે વિશેષ આયોજન કર્યા

-પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ, એ આપણા સૌની જવાબદારી

Rajkot: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાવળદેવ સમાજના ૧૭૪ પરિવારોને પીપળીયા ગામ ખાતે ફાળવેલ પ્લોટની સનદ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.

રાજકોટના પેરેડાઇઝ હોલ ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, સમાજના નાના અને છેવાડાના લોકોને મુખ્ય પ્રવાહમાં લાવવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકાસની રાજનીતિ શરૂ કરી છે. જેમને કોઈ પૂછતું નહોતું, એવા સમાજોનું પૂજન કરીને વડાપ્રધાનશ્રીએ તેમના બધા પ્રશ્નોનું સમાધાન કર્યું છે. વડાપ્રધાનશ્રીએ છેવાડાના લોકો માટે યોજનાઓ બનાવીને તેના લાભો તેમને ઘરે બેઠા મળે તે માટે, યોજનાઓને સેચ્યુરેશન સુધી લઈ જવા વિશેષ આયોજન કર્યા છે.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, ઘર બનાવવા માટે આજે એક પ્લોટ લેવો કેટલો દુર્લભ છે એ બધા જાણીએ છીએ, ત્યારે આજે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર તથા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા લોકોને ઘેર બેઠા મકાન તેમજ પ્લોટ મળે તેવા આયોજન કરાયા છે. આજે મહાનગરપાલિકા દ્વારા ૧૮૩ લાભાર્થીઓને આવાસો ફાળવવામાં આવ્યા છે, જ્યારે દેવીપુજક સમાજના ૧૮૩, રાવળદેવ સમાજના ૧૭૪, લુહાર સમાજના ૪૩, વણઝારા સમાજના ૩૭ તથા અન્ય ૧૧૨ લાભાર્થીઓને વિના મૂલ્યે પ્લોટની સનદ આપવામાં આવી છે.

સૌરાષ્ટ્રવાસીઓ પાણીનું મૂલ્ય સારી રીતે સમજે છે. વડાપ્રધાનશ્રીએ “સૌની યોજના” થકી સૌરાષ્ટ્રના લોકોની પાણીની તકલીફો દૂર કરી હોવાનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીશ્રીએ વરસાદી જળના સંગ્રહનો આગ્રહ સેવતાં કહ્યું હતું કે, પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ, એ આપણા સૌની જવાબદારી છે. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, સમાજની દરેક વ્યક્તિને વિકાસના મુખ્ય પ્રવાહમાં લાવીને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘વિકસિત ભારત’ના સંકલ્પમાં સૌ જોડાઈએ અને ‘વિકસિત ગુજરાત થકી વિકસિત ભારત’નો સંકલ્પ સાકાર કરવા સૌ સાથે મળીને આગળ વધીએ.

આ પ્રસંગે રાવળદેવ સમાજના પ્રમુખ શ્રી ગોપાલભાઈ બોરાણાએ સમાજની સામાજીક પ્રવૃત્તિઓની આછેરી ઝલક આપી મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કરતાં કહ્યું હતું કે, આજે અમારા નાનકડા અને છેવાડાના સમાજના લોકો પોતાના ઘરના ઘરમાં રહી શકે, તે માટે ગુજરાત સરકારે અમારા સમાજના ૧૭૪ પરિવારને જમીનના પ્લોટ આપવાનો નિર્ણય અને તેનો અમલ કર્યો, એ અમારા માટે હરખનું ટાણું છે. રાજ્ય સરકારે ફરીથી એ સાબિત કર્યું છે કે જેનું કોઈ નથી, એની સરકાર છે. કાર્યક્રમમાં રાવળદેવ સમાજની વિવિધ સમિતિઓએ મુખ્યમંત્રીશ્રીનું પુષ્પહાર અને મોમેન્ટો દ્રારા સ્વાગત કર્યુ હતું. મુખ્યમંત્રીશ્રી તેમજ મહાનુભાવોના હસ્તે રાવળદેવ સમાજના ૧૦ લાભાર્થીઓને મંચ પરથી પ્રતીકરૂપે સનદ એનાયત કરવામાં આવી હતી.

કાર્યક્રમમાં મેયરશ્રી નયનાબેન પેઢડીયા, ધારાસભ્ય શ્રી દર્શિતાબેન શાહ અને શ્રી ઉદયભાઈ કાનગડ, ડેપ્યુટી મેયર શ્રી નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી જૈમિન ઠાકર, દંડક શ્રી મનીષ રાડીયા, શાસક પક્ષના નેતા શ્રી લીલુબેન જાદવ, કલેકટર શ્રી પ્રભવ જોશી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનંદુ ગોવિંદ, મ્યુનિસિપલ કમિશનર શ્રી તુષાર સુમેરા, અગ્રણીશ્રી ભરત બોઘરા, ડો. માધવ દવે, શ્રી રાજુભાઈ ધૃવ, રાવળદેવ સમાજના અધ્યક્ષ શ્રી રાજેશભાઈ બોરાણા, શ્રી મહેશભાઈ ગોહેલ, શ્રી નીરવભાઈ વાણીયા, શ્રી નરેશભાઈ મેર, શ્રી લક્ષ્મણભાઈ પરમાર, શ્રી રાજેન્દ્રભાઈ સોઢા, શ્રી ધર્મેશભાઈ સોઢા, શ્રી અમુભાઈ સોઢા, શ્રી ખીમજીભાઈ સોઢા, શ્રી હરીશભાઈ જોગેલા, શ્રી કમલેશભાઈ મચ્છોયા સહિત રાવળદેવ સમાજના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!