GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રૂ. ૧૧૮ કરોડથી વધુના રસ્તા તથા પુલના લોકાર્પણ-ખાતમુહૂર્ત

તા.૫/૬/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

રાજકોટ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં રસ્તાઓનું નેટવર્ક વધુ સુદ્રઢ બનશે

Rajkot: રાજ્ય સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં રસ્તા, પાણી, વીજળીના નેટવર્કને વધુ મજબૂત બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. સુદ્રઢ આંતરમાળખાકીય સુવિધાઓ એ વિકાસની પહેલી શરત છે ત્યારે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે રાજકોટ જિલ્લાના ૬ રસ્તાઓ અને ૨ પુલના ખાતમુહૂર્ત અને ખીરસરાથી લોધિકા સુધીના રસ્તાનું લોકાર્પણ કરવામાં આવશે.

રાજકોટ જિલ્લાને આર્થિક, સામાજિક અને આંતરમાળખાકીય રીતે વધુ મજબૂત બનાવવા મુખ્યમંત્રીશ્રીના હસ્તે માર્ગ મકાન વિભાગ હસ્તકના રૂ. ૧૧૨ કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામનાર પાંચ રોડ અને બે પુલનું ખાતમુહૂર્ત તથા એક રોડનું લોકાર્પણ કરવામાં આવશે. જ્યારે રૂડા હેઠળના તરઘડીથી બાઘી ગામ સુધીના ગાડા માર્ગને આધુનિક રસ્તો બનાવવાના રૂ. ૬ કરોડથી વધુના કામનો પણ મુખ્યમંત્રીશ્રીના હસ્તે શુભારંભ કરવામાં આવશે.

માર્ગ મકાન વિભાગ સ્ટેટ દ્વારા રાજકોટ જિલ્લાના ગોંડલ ખાતે હોસ્પિટલ બ્રિજ અને સરદાર બ્રિજને પુનઃ સ્થાપિત કરવામાં આવશે. આગામી સમયમાં અંદાજે રૂ. ૨૨.૩૭ કરોડના ખર્ચે આ બંને પુલોનું પુનઃસ્થાપન થતા ગોંડલના વ્યાપારી અને રહેણાંક વિસ્તારો વચ્ચે કનેક્ટિવિટી વધશે, સાથે જ નાના ઉદ્યોગોને પણ તેનાથી વેગ મળશે.

લોધિકા, રીબડા અને કોટડા સાંગાણીને જોડતા ૩૧ કિલોમીટરના રસ્તાનું અંદાજે રૂ. ૨૭.૭૭ કરોડના ખર્ચે નિર્માણ થશે.જેનાથી લોધિકા, સાંગણવા, રીબડા, ગુંદાસરા, અરડોઇ, કોટડા સાંગાણી જેવા ગામોની ૨૦,૫૦૦થી વધુની વસ્તીને પરિવહન માટે લાભ થશે. લોધિકા જી.આઇ.ડી.સી. દ્વારા ઉત્પાદિત પેદાશોના વહનને ઝડપી અને સરળ બનાવી શકાશે. કોટડાસાંગાણીની ખેતપેદાશોને બજાર સુધી ઝડપથી પહોંચાડી શકાશે અને ગ્રામીણ વિસ્તારોમાં નવીન રોજગારીની તકો પણ ઊભી થશે.

કોઠારીયાથી કોટડા સાંગાણી સુધીના નગર અને ગ્રામ્ય વિસ્તારોને જોડતા રસ્તાને અંદાજે રૂ. ૩૨ કરોડના ખર્ચે પહોળો અને વધુ મજબૂત બનાવવામાં આવશે. જેનાથી કોઠારીયાના ગીચ શહેરી વિસ્તારમાં થતા ટ્રાફિકની સમસ્યાઓનું નિરાકરણ થશે તેમજ કોટડા સાંગાણીના ગ્રામજનો માટે રાજકોટની શાળાઓ અને હોસ્પિટલ સુધી પહોંચવું સરળ બનશે.

રામપર, સરપદડથી ખીરસરા સુધીના રોડનું રૂ.૧૧.૫૭ કરોડના ખર્ચે રીસર્ફેસિંગનું કામ હાથ ધરવામાં આવશે,જે પૂર્ણ થતાં રામપર અને સરપદડના ખેડૂતોની કૃષિપેદાશો ખીરસરા અને રાજકોટના બજારો સુધી ઝડપથી પહોંચી શકશે. સાથે જ પડધરી તાલુકાને લોધિકા જી.આઇ.ડી.સી.જેવા ઇન્ડસ્ટ્રીયલ હબ સાથે જોડવામાં આ રસ્તો મદદરૂપ બનશે. ગામડાંઓ અને શહેર વચ્ચેનું અંતર ઘટતાં ગ્રામીણ વિસ્તારના લઘુ ઉદ્યોગો તેમજ ડેરી ઉદ્યોગને વધુ વેગ મળશે.

જસદણ અને ગઢડાને જોડતા જસદણ, ભડલી, ગઢડા રોડનું રૂ. ૯ કરોડના ખર્ચે રીસર્ફેસિંગ થતાં આગામી દિવસોમાં ધાર્મિક પ્રવાસન એવા ગઢડાના સ્વામિનારાયણ મંદિર સુધી લોકોને પહોંચવું સરળ બનશે. જસદણની કૃષિ અને હસ્તકલા ઉત્પાદનનું પરિવહન ઝડપી બનશે. તો ધોરાજીથી પાટણવાવ સુધી વરસાદી વાતાવરણમાં પણ ટકાઉ એવો અંદાજે રૂ. ૩.૨૦ કરોડના ખર્ચે સિમેન્ટ- કોંક્રિટનો રોડ બનાવી ટ્રાફિક અને ગતિશીલતામાં સુધારો કરવામાં આવશે. ગીચ બજારો અને રહેણાંક વિસ્તારોમાં તેનાથી ટ્રાફિકની સમસ્યા હલ થશે.

ખીરસરાથી લોધિકાના ૧૨ કિ.મી.થી વધુના રોડનું મુખ્યમંત્રીશ્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. અંદાજે રૂ. ૬.૬૮ કરોડના ખર્ચે નિર્મિત આ માર્ગ દ્વારા ખીરસરાના ખેડૂતો અને લોધિકા જી.આઇ.ડી.સી.ના ઉદ્યોગો વચ્ચે સીધું આદાન-પ્રદાન થઈ શકશે તેમજ ખેતપેદાશો અને લોધિકાની ઔદ્યોગિક પેદાશોનું વહન કરવું પણ સરળ બનશે.

રાજકોટ શહેરની સીમાઓ ખૂબ ઝડપથી વિસ્તરી રહી છે, ત્યારે મુખ્યમંત્રીશ્રીના હસ્તે રૂડા હેઠળના તરઘડીથી બાઘી ગામ સુધીના હયાત ગાડા માર્ગને રૂ. ૬.૧૪૦ કરોડના ખર્ચે આધુનિક બીટયુમીનસ રોડ બનાવવામાં આવશે. જેનાથી આગામી દિવસોમાં ગાડા માર્ગ પર ચોમાસા દરમિયાનમાં થતી આવાગમનની મુશ્કેલીઓનું નિરાકરણ આવશે તેમજ રાજકોટ જામનગર હાઇવેથી તરઘડી ગામ અને બાઘી ગામને જોડતો ટૂંકો રસ્તો બનવાથી તરઘડી, બાઘી, નારણકા વગેરે ગામોના આશરે આઠ થી દસ હજાર લોકોની અવરજવર સરળ બનશે.

આમ, અંદાજે ૧૧૮ કરોડથી વધુના રસ્તાના લોકાર્પણ અને ખાતમૂહુર્ત થકી રાજકોટ જિલ્લાની આર્થિક અને સામાજિક પ્રવૃત્તિઓને વધુ વેગ મળશે.

Back to top button
error: Content is protected !!