GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાજકોટમાં ૧૦૧૦ આવાસો સહિત રૂ. ૭૫૧ કરોડના વિકાસ કામોનાં લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાયાં

તા.૨૮/૩/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

ભવિષ્યના રાજકોટ માટે રૂ. ૫૪૩ કરોડના ૪૦ નવા પ્રોજેક્ટ્સનો પાયો નખાયો

માર્ગ, ડ્રેનેજ અને રોશનીના કામોથી શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મળશે નવી ગતિ

: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ :-

“ઈઝ ઓફ લિવિંગ”ની નેમ સાથે આગળ વધતા રાજકોટને રૂ.૭૫૧.૨૦ કરોડના વિકાસ કાર્યોની ભેટ મળી

આયોજનબદ્ધ વિકાસકાર્યોને રાજ્ય સરકાર દ્વારા તત્કાલ મંજૂરી અપાય છે

વિકાસ કાર્યો માટે ગુજરાતનું નાણાકીય પ્રબંધન સમગ્ર દેશમાં પ્રથમ

-: પ્રભારી મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી :-

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા છેલ્લા ૧૫ દિવસમાં રૂ. ૧૧૦૦ કરોડનાં કામોના લોકાર્પણ-ખાતમુહૂર્તનો રેકોર્ડ

સમાન નાગરિક સંહિતા બિલ લાવનારું ગુજરાત દેશમાં બીજું રાજ્ય

શહેરી વિકાસ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા

લોકોની સુખાકારી માટે રાજ્ય સરકાર સતત તત્પર

Rajkot: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આજે રાજકોટમાં મહાનગરપાલિકાનાં રૂ. ૭૫૧.૨૦ કરોડના ૪૫ જેટલા વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યા હતા. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રૂ. ૧૧૯.૦૫ કરોડના ખર્ચે નવનિર્મિત EWS-II પ્રકારના આવાસોનું લોકાર્પણ કરીને, મુખ્યમંત્રીશ્રી દ્વારા ૧૦૧૦ પરિવારોને આધુનિક સુવિધાસભર “ઘરના ઘર”ની ભેટ અપાઈ છે. આ સાથે રૂ. ૯.૭૮ કરોડના ખર્ચે નિર્મિત પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી અને નવા વ્હીકલ ટેસ્ટ ટ્રેકનું પણ લોકાર્પણ કરાયું હતું.

રાજકોટમાં પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, “ઈઝ ઓફ લિવિંગ” અને “અર્ન વેલ, લિવ વેલ”ની નેમ સાથે આગળ વધતા રાજકોટને આજે રૂ. ૭૫૧.૨૦ કરોડના વિકાસ કામોની ભેટ મળી છે. ગુજરાત રાજ્યનું વિકાસ મોડેલ અને વિકાસ કાર્યો માટે ગુજરાતનું નાણાકીય પ્રબંધન દેશમાં પ્રથમ ક્રમે છે.

નાગરિકોની સુખાકારી માટે જરૂરી એક પણ વિકાસ કાર્ય બાકી નહીં રાખવામાં આવે તેવી ખાતરી આપતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, ગુજરાત સરકાર આયોજનબદ્ધ વિકાસ કાર્યોને ક્યારેય નામંજૂર નથી કરતી. આવા કાર્યોના આયોજનો તત્કાલ મંજૂર કરી દેવામાં આવે છે. આ તકે તેમણે થઈ રહેલા વિકાસ કાર્યોમાં ગુણવત્તા જાળવવા પર ભાર મૂક્યો હતો.

દેશને ૨૦૪૭ સુધીમાં વિકસિત બનાવવાનો સંકલ્પ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપ્યો છે ત્યારે ‘વિકસિત ભારત’ માટે દેશના સામાન્ય માણસને મુખ્ય ધારામાં લાવવો જરૂરી છે અને તેના માટે જ રાજ્યમાં ‘વાઈબ્રન્ટ ગુજરાત સમિટ’ને રિજનલ સ્તરે લઈ જવામાં આવી હોવાનું મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સરકારના વડા તરીકે શાસનકાળના ૮૯૩૧ દિવસ પૂર્ણ કર્યા છે, તેનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, શ્રી નરેન્દ્રભાઈની જનપ્રતિનિધિ તરીકેની યાત્રાની શરૂઆત રાજકોટથી થઈ હતી અને રાજકોટથી શરૂ થયેલો આ રેકોર્ડ આજે સતત આગળ વધી રહ્યો છે.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, સામાન્ય માનવીના કલ્યાણના મંત્ર સાથે કામ કરતા શ્રી નરેન્દ્રભાઈ મોદી ગરીબોના જીવનમાં વાસ્તવિક પરિવર્તન લાવ્યા છે. આજે પેટ્રોલમાં એક્સાઈઝ ડ્યૂટી રૂ. ૧૩થી ઘટાડીને રૂ. ૩ અને ડીઝલમાં એક્સાઇઝ શૂન્ય કરી નાખવામાં આવી છે. વિશ્વમાં જ્યારે પણ સંકટ ઊભું થયું, ત્યારે શ્રી નરેન્દ્રભાઈએ હિંમતપૂર્વક નિર્ણયો લીધા છે.

મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું વિઝન છે કે દેશના દરેક ગરીબ અને મધ્યમ વર્ગના પરિવાર પાસે પોતાનું ‘ઘરનું ઘર’ હોય. આ સપનાને સાકાર કરવા ગુજરાત સરકાર મક્કમતાથી આગળ વધી રહી છે. આજે રાજકોટમાં આવાસ યોજનાના માધ્યમથી એક હજારથી વધુ પરિવારોને તેમના સપનાનું ઘર મળી રહ્યું છે.

આ અવસરે રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ આજના કાર્યક્રમને જનસુખાકારી માટેનો ઐતિહાસિક અવસર ગણાવતા જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા છેલ્લા ૧૫ દિવસમાં જ રૂ. ૧૧૦૦ કરોડથી વધુના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે, જે એક રેકોર્ડ છે. હાલમાં જ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ દ્વારા રજૂ થયેલા અને વિધાનસભામાં પસાર થયેલા સમાન નાગરિક સંહિતા બિલ અંગે તેમણે કહ્યું હતું કે, યુ.સી.સી. બિલ એ મુખ્યમંત્રીશ્રીનું ‘દિલ’ છે. સમગ્ર દેશમાં આ બિલ લાવનારું ગુજરાત બીજું રાજ્ય છે. આ સાથે જનતાના હિત માટે જરૂરી હશે તેવા તમામ નિર્ણયો ગુજરાત સરકાર કરતી જ રહેશે, તેવી ખાતરી તેમણે આપી હતી.

તેમણે ઉમેર્યું હતું કે, સૌરાષ્ટ્રથી વિકાસની ધારા ગુજરાતભરમાં વહી રહી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં વણથંભી વિકાસ યાત્રાના પરિણામે આવેલું પરિવર્તન દેખાઈ રહ્યું છે. રાજકોટ મહાનગરપાલિકાના અવિરત પ્રયત્નોને પરિણામે આજે રાજકોટના દરેક ખૂણાનો વિકાસ થયો છે.

જ્યારે શહેરી વિકાસ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબહેન વાઘેલાએ કાર્યક્રમમાં સંબોધન કરતા જણાવ્યું હતું કે, આજે રાજકોટમાં શહેરી વિકાસ વિભાગના રૂ. ૫૪૩ કરોડના વિકાસ કાર્યોના લોકાર્પણ તથા રૂ. ૨૦૭ કરોડના વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત થયા છે. આ બદલ તેમણે નાગરિકોને અભિનંદન પાઠવ્યા હતા.

તેમણે કહ્યું હતું કે, ઉત્સવપ્રિય અને રંગીલું રાજકોટ હવે વિકાસ કાર્યોમાં પણ અગ્રેસર થઈ રહ્યું છે. ડ્રેનેજ, પાણી, રોડ-રસ્તાના વિકાસ કાર્યોથી આગળ વધીને રાજ્ય સરકારે ગરીબોની વેદના જાણીને આવાસોને પ્રાથમિકતા આપી છે. લોકોની સુખાકારી માટે રાજ્ય સરકાર સતત તત્પર હોવાનો અને આગામી દિવસોમાં રાજકોટ વિકાસમાં મોડેલ સિટી બનશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

આ અવસરે સાંસદ શ્રી પરશોત્તમભાઈ રૂપાલાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાતનો સર્વાંગી વિકાસ થયો છે. આપણા દીર્ઘદ્રષ્ટા પ્રધાનમંત્રીશ્રી અને તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વાઈબ્રન્ટ ગુજરાત સમિટનો ઐતિહાસિક પ્રારંભ થયો હતો. તેને આગળ વધારતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશા નિર્દેશ હેઠળ આ વાઇબ્રન્ટ સમિટ પ્રાદેશિક સ્તરે પહોંચી છે. રાજકોટમાં વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું ભવ્ય આયોજન થયું અને સફળતા મળી તે ગૌરવની વાત છે.

સ્વાગત પ્રવચન કરતા રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર શ્રી તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરમાં છેલ્લા એક જ માસમાં રૂ. ૧૧૦૦ કરોડના વિકાસ કામોના લોકાર્પણ – ખાતમુહૂર્ત થયા છે. નળ, રસ્તા, ગટર અને ઘર એમ ચારેય ક્ષેત્રમાં સેચ્યુરેશનનો પાયો નખાયો છે. આજના પ્રસંગે રૂ. ૧૬૧ કરોડના રોડના કામો તેમજ સૌરાષ્ટ્રના સૌથી મોટા વોટર ફિલ્ટર પ્લાન્ટનો પણ શિલાન્યાસ કરાયો છે.

 

કાર્યક્રમના અંતે નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી મહેશ જાની દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી.

આ પ્રસંગે સાંસદો સર્વ શ્રી રામભાઈ મોકરીયા, શ્રી કેસરીદેવસિંહ ઝાલા, ધારાસભ્યો સર્વશ્રી શ્રીમતી ભાનુબહેન બાબરીયા, શ્રી ઉદયભાઈ કાનગડ, શ્રી દર્શિતાબહેન શાહ, અગ્રણી શ્રી માધવ દવે, જિલ્લા ક્લેક્ટરશ્રી ડૉ. ઓમ પ્રકાશ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

 

(BOX) લોકાર્પિત થયેલા રૂ. ૨૦૭ કરોડના પ્રોજેક્ટ્સ

રાજકોટના રેલનગર વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રૂ. ૧૧૯.૦૫ કરોડના ખર્ચે નવનિર્મિત EWS-II પ્રકારના ૧૦૧૦ આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ આવાસ યોજના માત્ર રહેઠાણ જ નહીં, પરંતુ આધુનિક જીવનશૈલીની તમામ સુવિધાઓથી સજ્જ છે. જેમાં ગ્રીન એનર્જી, કોમન લાઈટીંગ માટે રૂફટોપ સોલાર સિસ્ટમ, ઓટો ડોર લિફ્ટ, ફૂલપ્રૂફ ફાયર સિસ્ટમ, અને સીસીટીવી સિક્યોરીટી રૂમ, બાળકો માટે રમત-ગમતના સાધનો સાથેનો ચિલ્ડ્રન પ્લે એરિયા અને આંગણવાડી તેમજ આંતરમાળખાકીય સુવિધાઓમાં ૪૦ ચો.મી. કાર્પેટ એરિયા ધરાવતા આ મકાનોમાં વિટ્રીફાઈડ ટાઈલ્સ, પૂરતું પાર્કિંગ અને રેઈન વોટર હાર્વેસ્ટિંગ જેવી વ્યવસ્થાઓ કરવામાં આવી છે.

રાજકોટની જળ વ્યવસ્થાપન અને ડ્રેનેજ સિસ્ટમને વધુ સુદ્રઢ બનાવવા રૂ. ૨૦૭.૩૧ કરોડના મહત્વપૂર્ણ પ્રકલ્પો જનતા માટે ખુલ્લા મુકાયા છે: જેમાં (૧) રૈયાધારમાં રૂ. ૩૩.૩૦ કરોડના ખર્ચે નિર્મિત ૨૩ MLD ક્ષમતાનો નવો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (૨) ઘંટેશ્વરમાં રૂ.૩૦.૮૫ કરોડના ખર્ચે નિર્મિત ૧૫ MLD ક્ષમતાના નવા પ્લાન્ટ નવા વિકસતા વિસ્તારો માટે આશીર્વાદરૂપ બનશે.

ઘંટેશ્વર ખાતે રૂ. ૧૫.૮૧ કરોડના ખર્ચે બે પમ્પિંગ સ્ટેશન અને રાઈઝિંગ મેઈન પાઈપલાઈન તથા રેલનગર હેડવર્કસમાં ૧૩૯ લાખ લીટરની વિશાળ ક્ષમતા ધરાવતા ગ્રાઉન્ડ સર્વિસ રિઝર્વોઇર પાણીના સંગ્રહ અને વિતરણમાં મોટી રાહત આપશે.

 

(BOX) ખાતમુહૂર્ત થયેલા ૫૪૩ કરોડના વિકાસ પ્રકલ્પો

રાજકોટમાં રૂ. ૫૪૩.૮૯ કરોડના ૪૦ નવા પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરવામાં આવ્યો.

બાંધકામ વિભાગ: રૂ. ૩૬૮ કરોડના ખર્ચે નવા માર્ગો અને જાહેર ઈમારતોનું નિર્માણ.

વોટર વર્કસ: રૂ. ૧૭૩ કરોડના ખર્ચે નવા વિસ્તારોમાં પાણી પહોંચાડવાનું આયોજન.

ડ્રેનેજ અને રોશની: ગટર વ્યવસ્થા અને સ્ટ્રીટ લાઈટના આધુનિકીકરણ માટેના વિવિધ કામો.

Back to top button
error: Content is protected !!