Rajkot: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાજકોટમાં વિચરતી-વિમુક્ત જાતિના ૫૪૫ લાભાર્થીઓને જમીનના પ્લોટની સનદ અપાઈ
તા.૨૬/૩/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
-: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ :-
વિચરતી-વિમુક્ત જાતિના તથા આવાસ વિહોણા લોકોને પ્લોટ, મકાન અને તમામ સુવિધા ઉપલબ્ધ કરાવવા સરકારે અભિયાન શરૂ કર્યું છે
જેમને કોઈ પૂછતું નથી એમને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પૂજે છે
રાજ્યમાં મકાન વિહોણું કોઈ રહેવું ના જોઈએ એવો રાજ્ય સરકારનો મક્કમ નિર્ધાર
આવાસ યોજનાની સહાયમાં રૂ. ૫૦ હજારનો વધારો, મકાન બનાવવા હવે રૂ.૧.૭૦ લાખ મળશે
સરકારની બધી યોજનાઓમાં છેવાડાનો માણસ કેન્દ્રમાં છે
વૃક્ષારોપણ, જળસંચય અને સ્વચ્છતા અભિયાનમાં સક્રિય રીતે સહભાગી થઈ દેશની વિકાસયાત્રામાં સરકારને સહયોગ આપવા અપીલ કરી
પંડિત દીનદયાલ આવાસ યોજના હેઠળ લાભાર્થીઓને હુકમ વિતરણ તથા યુવાનોને રોજગારીના નિમણૂક પત્ર એનાયત કરાયા
Rajkot: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના વરદહસ્તે આજે રાજકોટમાં વિચરતી-વિમુક્ત જાતિના તથા ગામતળના પ્લોટના ૫૪૫ જેટલા લાભાર્થીઓને રહેણાંક હેતુ માટે જમીનની સનદ આપવામાં આવી હતી. આ સાથે ‘પંડિત દીનદયાળ આવાસ યોજના’ના લાભાર્થીઓને હુકમો તેમજ નેશનલ લાઈવલીહુડ મિશન હેઠળ તાલીમ પછી રોજગારી મેળવનારા યુવાનોને નિમણૂક પત્ર પણ એનાયત કરવામાં આવ્યા હતા.
રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હેમુગઢવી હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સંબોધનમાં જણાવ્યું હતું કે, સરનામા વિનાના માનવીઓને કાયમી સરનામું આપવાનો આ અવસર છે. જેમને કોઈ પૂછતું નથી એમને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પૂજે છે અને તેમના સંકલ્પ મુજબ, રાજ્ય સરકારે વિચરતી-વિમુક્ત જાતિના આવાસ વિહોણા લોકોને પ્લોટ, મકાન અને તમામ સુવિધા આપવા અભિયાન શરૂ કર્યું છે. સરકારની બધી યોજનાઓના કેન્દ્રમાં છેવાડાનો માણસ છે.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, દરેકના માથે છત હોય તેવા નિર્ધાર સાથે શરૂ કરાયેલા અભિયાન અંતર્ગત આજે રાજકોટ જિલ્લાના છ તાલુકાના ૫૦૦થી વધુ પરિવારોને જમીનની નિઃશુલ્ક સનદ અપાઈ રહી છે. જેનાથી આ પરિવારના આશરે ૨૧૦૦ જેટલા લોકોને પ્લોટ મળતા તેઓ પોતાનું મકાન બનાવી શકશે. મકાન વિનાનું કોઈ રહેવું ના જોઈએ, એવો રાજ્ય સરકારનો નિર્ધાર છે.
શિક્ષણને જ તમામ પ્રશ્નોનું સમાધાન ગણાવતા મુખ્યમંત્રીશ્રીએ ઉપસ્થિત સૌને ભારપૂર્વક આગ્રહ કરતા જણાવ્યું કે, હવે તમને પ્લોટ અને મકાન માટે સહાય મળી રહી છે ત્યારે તમારા દીકરા-દીકરીઓને અચૂક ભણાવજો.
બજેટમાં આવાસ સહાયમાં વધારાની કરવામાં આવેલી જોગવાઈનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, આવાસ યોજના હેઠળ મકાન બનાવવા સરકાર અગાઉ રૂપિયા ૧.૨૦ લાખ આપતી હતી, પરંતુ રાજ્ય સરકારે તેમાં રૂ. ૫૦ હજારનો વધારો કર્યો છે. ઉપરાંત શૌચાલય તેમજ અન્ય યોજનાઓ હેઠળ વધુ રૂપિયા ૪૨ હજાર મળીને કુલ મળીને આશરે સવા બે લાખ રૂપિયા મકાન બનાવવા માટે મળશે. જેનાથી લાભાર્થી સુવિધાયુક્ત મકાન બનાવી શકશે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સંકલ્પનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, હવે તમે તમારી જમીન પર પાક્કું મકાન બનાવવા જઈ રહ્યા છો ત્યારે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘એક પેડ મા કે નામ’ અભિયાન હેઠળ તમારી માતાના નામે એક વૃક્ષ જરૂરથી વાવીને તેને ઉછેરજો. આ સાથે વડાપ્રધાનશ્રીએ શરૂ કરાવેલા ‘કેચ ધ રેઇન’ અભિયાન હેઠળ વરસાદી પાણી જમીનમાં ઉતારવા માટે પણ અપીલ કરી હતી. ‘સ્વચ્છ ભારત’ અભિયાન હેઠળ ગંદકી બિલકુલ ના થાય અને સ્વચ્છતા જળવાઈ રહે તે માટે પણ અપીલ કરી હતી.
આ તકે જિલ્લા પંચાયતનાં પ્રમુખ શ્રીમતી પ્રવિણાબેન રંગાણીએ કહ્યું હતું કે ગુજરાત સરકાર વિચરતી-વિમુક્ત જાતિઓની સ્થિતિ સમજીને તેમના માટે અલાયદું આયોજન અને કલ્યાણકારી યોજનાઓ અમલી થાય તેવા પ્રયાસો સતત કરી રહી છે. વિચરતી-વિમુક્ત જાતિના બાળકોના શૈક્ષણિક ઉત્થાન માટે શૈક્ષણિક લોન યોજના (ન્યુ આકાંક્ષા યોજના) અને આર્થિક ઉત્કર્ષ અર્થે માઇક્રો ફાઇનાન્સ અને મુદતી લોન તથા ખાસ મહિલાઓ માટે ન્યુ સ્વર્ણિમ યોજના, મહિલા સમૃદ્ધિ યોજના અમલી છે. વિચરતી-વિમુકત જાતીના દીકરા-દીકરીઓને શિક્ષણ સહાય માટે રાજકોટ જિલ્લા પંચાયતના વર્ષ ૨૦૨૫-‘૨૬ના બજેટમાં પણ રૂ. ૨૦ લાખની જોગવાઇ કરવામાં આવી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રાજકોટમાં મકાન વિહોણા લાભાર્થીઓને મકાન આપવામાં આવ્યા છે. વર્ષ ૨૦૧૬-૧૭થી લઈને વર્ષ ૨૦૨૪-૨૫ સુધીમાં ૧૮૦૭ આવાસો પૂર્ણ કરી દેવામાં આવ્યા છે.
જિલ્લા કલેકટર શ્રી પ્રભવ જોશીએ કાર્યક્રમની પૂર્વભૂમિકા સાથે સ્વાગત પ્રવચન કરતા કહ્યું હતું કે, આજે વિચરતા વિમુક્ત સમુદાયના જિલ્લાના ૫૪૫ લાભાર્થીઓને જમીનની સનદનું વિતરણ કરાઈ રહ્યું છે. પંડિત દીનદયાલ આવાસ યોજના’ હેઠળ રાજકોટ જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષમાં વિકસતી જાતિના ૧૬૩૧ લાભાર્થીઓને ત્રણ હપ્તામાં કુલ રૂપિયા ૧૧૦૦.૪૭ લાખની સહાય ચૂકવવામાં આવી છે. જિલ્લાના ૧૦૮ ગામોના અંત્યોદય પરિવારના દીકરા-દીકરીઓને રોજગારી મળી શકે તેવા હેતુથી સ્વાવલંબનના પ્રોજેકટ હેઠળ પ્રથમ તબકકામાં ૩૦ બહેનોને નર્સિંગની તાલીમ આપી ૧૦૦ ટકા નોકરી આપવામાં આવી. બીજા તબકકામાં ૬૦ ભાઇઓને એરકન્ડીશનર, રેફ્રીજરેટર, સોલારના રીપેરીંગ કામની તાલીમ તથા રોજગારી આપવામાં આવી છે. આ યુવાનોને આજે નિમણૂક પત્ર એનાયત કરાઈ રહ્યા છે.
આ અવસરે વણઝારા સમાજ, દેવીપૂજક સમાજ, કાંગસિયા સમાજ, બજાણિયા સમુદાય તેમજ નાથબાવા સમાજના અગ્રણીઓ દ્વારા મુખ્યમંત્રીશ્રીનું સન્માન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ આ સમાજના પ્રતિનિધિઓને બિરદાવ્યા હતા. આ કાર્યક્રમમાં તુરી બારોટ સમાજના કલાકાર દ્વારા “મનુષ્ય તુ બડા મહાન હૈ” કૃતિ રજુ કરવામાં આવી હતી.
મુખ્યમંત્રીશ્રી સહિતના ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ઘરથાળની પ્લોટના સાત લાભાર્થીઓને સનદ, પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાના ત્રણ લાભાર્થીઓને, નેશનલ લાઈવલીહૂડ મિશનના નર્સિંગના બે તથા એ.સી./ફ્રીજ રિપેરીંગના લાભાર્થીઓને પ્રતીકરૂપે નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમની આભારવિધિ રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનંદુ સુરેશ ગોવિંદે કરી હતી.
આ કાર્યક્રમમાં રાજકોટનાં મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, ધારાસભ્યો સર્વ શ્રી ઉદયભાઈ કાનગડ, ડૉ. દર્શિતાબહેન શાહ, શ્રી દુર્લભજીભાઈ દેથરિયા,
અગ્રણી ડૉ. ભરતભાઈ બોઘરા તથા શ્રી માધવ દવે તેમજ રાજકોટ મ્યુનિસિપલ કમિશનર શ્રી તુષાર સુમેરા, નગરપાલિકાઓના પ્રાદેશિક કમિશનર શ્રી મહેશ જાની સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.