GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે રાજકોટમાં રૂ. ૫૪૫ કરોડથી વધુના વિકાસ કાર્યોના ઈ લોકાર્પણ- ઈ ખાતમુહૂર્ત સંપન્ન

તા.૨૩/૧૨/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

“જે બોલ્યા એ કર્યું, એને જમીન પર ઉતારી લોકો સુધી પહોંચાડ્યું” એવો વિશ્વાસ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ લોકોમાં કેળવ્યો છે

રાજ્ય સરકારે શહેરી વિકાસ વિભાગનું બજેટ ૪૦ ટકા વધારીને રૂ. ૩૦ હજાર કરોડ કર્યું

રાજકોટમાં પાણીની પરિસ્થિતિમાં રોજેરોજ થતો સુધારો

મુખ્યમંત્રીશ્રીના હસ્તે પી.એમ.ના આવાસના ૭૦૦થી વધુ આવાસોનો કોમ્પ્યુટરાઇઝ્ડ ડ્રો કરાયો

ડાંગર, બાજરી, જુવાર, મકાઈ, રાગીની ટેકાના ભાવે ખરીદી ખેડૂતોના જીવનમાં નવો ઉદય લાવશે: કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી

Rajkot: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આજે રાજકોટમાં રૂ.૫૨૨.૫૦ કરોડના ૪૯ કામોના ખાતમુહૂર્ત અને રૂ. ૨૨.૫૭ કરોડના ૦૬ કામોના લોકાર્પણ કરીને, નાગરિકોને રૂ. ૫૪૫ કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ આપી હતી. આ સાથે “પ્રધાનમંત્રી આવાસ યોજના” હેઠળ નિર્મિત ૭૦૦થી વધુ આવાસો કોમ્પ્યુટરાઇઝ્ડ ડ્રો કરવામાં આવ્યો હતો.

રાજકોટમાં પ્રમુખસ્વામી ઓડિટોરિયમ ખાતે આયોજિત કાર્યક્રમમાં સૌને સંબોધતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, અગાઉ માત્ર વિકાસની ચૂંટણી સમયે વાતો થતી, પરંતુ અત્યારે રોજેરોજ વિકાસ કામોના લોકાર્પણ- ખાતમુહૂર્ત થઈ રહ્યા છે. “જે બોલ્યા એ કર્યું, એને જમીન પર ઉતાર્યું અને લોકો સુધી પહોંચાડ્યું” એવો વિશ્વાસ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ લોકોમાં કેળવ્યો છે. જેના ખાતમુહૂર્ત થાય છે એના લોકાર્પણ આ જ સરકાર કરે છે એવી કાર્યપદ્ધતિ શ્રી નરેન્દ્રભાઈએ વિકસાવી છે.

રાજકોટમાં ભૂતકાળમાં પાણીના સંકટનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, અગાઉ અહીં ટ્રેનથી પાણી આવતું, પણ આજે રાજકોટમાં પાણીની વિતરણ વ્યવસ્થા અને સ્થિતિ રોજેરોજ સુધરતી જાય છે. આજે લોકાર્પિત-ખાતમુહૂર્ત થયેલા કામોમાં સૌથી વધુ કામો પાણીને લગતા હોવાનું પણ તેમણે ઉમેર્યુ હતું.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ રાજકોટના કરેલા અભૂતપૂર્વ વિકાસની ઝાંખી અંગે રેસકોર્સ ખાતેની આર્ટ ગેલેરીમાં યોજાયેલા પ્રદર્શનને નિહાળવાની તેમણે સૌને અપીલ કરી હતી. આ સાથે તેમણે કહ્યું હતું કે, વર્ષ ૨૦૦૦ પહેલા રાજકોટ કેવું હતું, આજે કેવું છે અને ભવિષ્યમાં રાજકોટના વિકાસની દિશા કેવી હશે તે આ પ્રદર્શનમાં જોવા મળે છે.

શહેરી વિકાસ વર્ષ-૨૦૨૫ અંતર્ગત રાજ્યના શહેરી વિકાસ વિભાગનું બજેટ ૪૦ ટકા વધારીને રૂ. ૩૦ હજાર કરોડ કરવામાં આવ્યું હોવાનો ઉલ્લેખ પણ તેમણે કર્યો હતો. આજે પ્રધાનમંત્રી આવાસ યોજના સહિતની આવાસ યોજનાઓમાં બનતા સુવિધાજનક સરકારી મકાનો ખાનગી બાંધકામને ટક્કર મારે તેવા હોવાનું પણ તેમણે ઉમેર્યો હતું. આત્મનિર્ભર ભારત અને વિકસિત ભારતનો સંકલ્પ સાકાર કરવા માટે સ્વદેશી અપનાવવાનો આગ્રહ પણ મુખ્યમંત્રીશ્રીએ કર્યો હતો.

આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ શહેરી વિકાસ વર્ષ-૨૦૨૫ કોફીટેબલ બુકનું વિમોચન કર્યું તેમજ QR Based સીટીઝન ફીડબેક સિસ્ટમ લોન્ચ કરી હતી.

રાજકોટના પ્રભારી અને કૃષિમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીશ્રીના હસ્તે આજે શુભારંભ થયેલા વિવિધ વિકાસ કામો દર્શાવે છે કે વિકાસની યોજનાઓ અને સુવિધાઓ હવે સંતૃપ્તિના સ્તરે (સેચ્યુરેશન લેવલ) પહોંચી ગઈ છે, જે રાજ્યના અભૂતપૂર્વ વિકાસની નિશાની છે.

શ્રી વાઘાણીએ રાજકોટને સૌરાષ્ટ્રની રાજધાની, મેન્યુફેક્ચરિંગ હબ, એન્જિનિયરિંગ હબ અને ખાસ કરીને મગફળીના કેન્દ્ર તરીકે ગણાવ્યું હતું. ખેડૂતલક્ષી નીતિઓ અંગે માહિતી આપતાં તેમણે જણાવ્યું હતું કે, સરકારે ખેડૂતો માટે કૃષિ રાહત પેકેજ તેમજ રૂ. ૧૫,૦૦૦ કરોડની ખરીદી જાહેર કરી હતી. ખાસ કરીને રાજકોટ જિલ્લામાં ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં ૨૩,૩૪૩ લાભાર્થીઓ પાસેથી ૫,૪૫૯ ટન મગફળીની ખરીદી થઈ ચૂકી છે અને ખેડૂતોના ખાતામાં ૫૦ ટકા જેટલાં રૂપિયા જમા કરવામાં આવ્યા છે. ડાંગર, બાજરી, જુવાર, મકાઈ, રાગી માટે પણ રૂ. ૧૫૦૦ પ્રતિ હેક્ટરની ખરીદીની શરૂઆત થવાની છે, જે ખેડૂતોના જીવનમાં નવો ઉદય લાવશે. તેમણે સૌરાષ્ટ્ર માટે નરેન્દ્રભાઈ મોદી દ્વારા જાહેર કરાયેલી સૌની યોજનાનું મહત્ત્વ જણાવતાં મેરી હતો કે આ યોજનાના કારણે સૌરાષ્ટ્રની સૂકી ધરા પર નર્મદાના પાણી પહોંચ્યા છે અને પાણીની સમસ્યાઓ દૂર થઈ છે.

આ અવસરે રાજકોટ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયાએ શહેરમાં થયેલા અભૂતપૂર્વ વિકાસકાર્યોની ઝાંખી આપી હતી. આ સાથે કહ્યું હતું કે, વિવિધ વિકાસકાર્યોની શહેરીજનોના “ઈઝ ઓફ લિવિંગ”માં વધારો થયો છે.

મ્યુનિસિપલ કમિશનરશ્રી તુષાર સુમેરાએ મુખ્યમંત્રીશ્રીના હસ્તે રાજકોટમાં લોકાર્પણ-ખાતમુહૂર્ત થઈ રહેલા વિકાસકાર્યો તેમજ કાર્યક્રમની રૂપરેખા આપી હતી. જ્યારે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરે સ્વાગત પ્રવચન કર્યું હતું.

આ કાર્યક્રમમાં સાંસદ શ્રી રામભાઈ મોકરીયા, ધારાસભ્યો સર્વ શ્રી ઉદયભાઈ કાનગડ, ડૉ.દર્શિતાબેન શાહ, શ્રી રમેશભાઈ ટીલાળા, શ્રીમતી ભાનુબેન બાબરીયા, ડેપ્યુટી મેયર શ્રી નરેન્દ્રસિંહ જાડેજા, શાસકપક્ષ નેતા શ્રીમતી લીલુબેન જાદવ, શાસકપક્ષ દંડક શ્રી મનીષભાઈ રાડીયા, જિલ્લા ક્લેક્ટરશ્રી ડૉ. ઓમ પ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનંદુ સુરેશ ગોવિંદ, અગ્રણીઓ સર્વ શ્રી ડૉ. માધવ દવે, ડૉ.ભરતભાઈ બોઘરા, શ્રી અશ્વિનભાઈ મોલિયા, શ્રી વિરેન્દ્રસિંહ ઝાલા તેમજ નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમ પૂર્વે મુખ્યમંત્રીશ્રીએ ડૉ. શ્યામાપ્રસાદ આર્ટ ગેલેરી ખાતે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આયોજિત “રાજકોટની શહેરી વિકાસ યાત્રા-૨૦ વર્ષની યશોગાથા” પ્રદર્શનનો શુભારંભ કરાવ્યો હતો. ઉપરાંત ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના કાર્યકમમાં વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!