GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટમાં ફેડરેશન ઓફ હાઉસિંગ બોર્ડ એસોસીએશન દ્વારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનું અદકેરું સન્માન કરાયું

તા.૨૮/૩/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

વિશ્વમાં ચાલી રહેલા યુદ્ધ અને અશાંતિની દેશવાસીઓના ચહેરા પર અસર દેખાતી ન હોય, તો તેનું એક માત્ર કારણ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું સક્ષમ નેતૃત્વ છે

સરકાર કોઈપણ મુશ્કેલીમાં હંમેશા જનતાની સાથે છે

સરકારની પ્રત્યેક યોજનાના કેન્દ્રસ્થાને છેવાડાના માનવીનું હિત રહેલું છે

Rajkot: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આજે રાજકોટ મુલાકાતના પ્રારંભે ફેડરેશન ઓફ હાઉસિંગ બોર્ડ એસોસીએશન દ્વારા મુખ્યમંત્રીશ્રીનું સન્માન કરવા અર્થે ‘દાદાનો હેતનો હોંકારો’ સમારોહ યોજાયો હતો.

આ તકે સંબોધન કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વિશ્વમાં ચાલી રહેલા યુદ્ધ અને અશાંતિની દેશવાસીઓના ચહેરા પર અસર દેખાતી ન હોય, તો તેનું એક માત્ર કારણ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું સક્ષમ નેતૃત્વ છે. આપણને સૌને વિશ્વાસ છે કે, આપણી પાસે એવું સબળ વ્યક્તિત્વ છે, જેથી કોઈ મુશ્કેલી આપણું અહિત કરી શકશે નહીં. આપણા વડાપ્રધાનશ્રીના હૃદયમાં હંમેશા જનકલ્યાણ વસેલું છે અને રાજ્ય સરકાર પણ એ જ મંત્રને વરેલી છે કે, કપરા સમયમાં સામાન્ય માણસની પડખે ઊભા રહેવું. સરકારની પ્રત્યેક યોજનાના કેન્દ્રસ્થાને છેવાડાનો માનવી રહ્યો છે. જેથી, સમાજની દરેક વ્યક્તિ વિકાસના મુખ્ય પ્રવાહમાં જોડાઈ શકે. કોઈપણ નાગરિક પોતાની રજૂઆત સીધી જ મુખ્યમંત્રી કાર્યાલય સુધી પહોંચાડી શકે છે. મુખ્યમંત્રીશ્રીએ આ તકે નાગરિકોને સરકારી યોજનાઓનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, વડાપ્રધાનશ્રીનો ‘સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ’ કાર્યમંત્ર છે. આપણે સૌએ સાથે મળીને પ્રશ્નોના ઉકેલ લાવવા જોઈએ. સરકાર કોઈપણ મુશ્કેલીમાં હંમેશા જનતાની સાથે છે. એસોસિએશન દ્વારા કરાયેલ ઉષ્માભર્યા બહુમાનનો સ્વીકાર કરતા મુખ્યમંત્રીશ્રીએ નમ્રપણે જણાવ્યું કે જનતાની સેવા કરવી એ અમારી ફરજ છે. વડાપ્રધાનશ્રીના ‘વિકસિત ભારત’ના સંકલ્પને પૂર્ણ કરવા માટે વિકસિત ગુજરાત’ના પંથે સાથે મળી આગળ વધવા મુખ્યમંત્રીશ્રીએ ઉપસ્થિતોને પ્રેરિત કર્યા હતા.

કાર્યક્રમમાં પ્રાસંગિક ઉદબોધન કરતા અગ્રણીશ્રી રાજુભાઈ ધ્રુવે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીશ્રીનો સરળ અને સહજ સ્વભાવ તથા સૌને સાથે લઈને ચાલવાની નીતિ તેમના લાગણીશીલ સ્વભાવની ઝાંખી આપે છે. અનેક પરિવારોના હિતને ધ્યાનમાં રાખીને હાઉસિંગ બોર્ડના પ્રશ્નનું સકારાત્મક સમાધાન લાવવા મુખ્યમંત્રીશ્રીએ તાત્કાલિક નિર્ણયો લીધા જેના પરિણામે આજે આ પરિવારો પોતાના આવાસમાં શાંતિ અને સલામતીનો અનુભવ કરી રહ્યા છે તેમ જણાવી તેમણે મુખ્યમંત્રીશ્રીનો વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો.

આ કાર્યક્રમમાં હાઉસિંગ બોર્ડના શ્રી અશોકભાઈ ગઢવીએ શાબ્દિક સ્વાગત કર્યું હતું. કાયક્રમમાં ઉપસ્થિત તમામ લોકોએ મુખ્યમંત્રીશ્રીને તાળીઓના નાદ સાથે વધાવી તેઓનું અભિવાદન કર્યું હતું. તેમજ કાર્યક્રમની શરૂઆતમાં આવાસધારકોએ સાફો, શાલ, ફૂલહાર અને સન્માનપત્ર થકી મુખ્યમંત્રીશ્રીનું અદકેરું બહુમાન કર્યું હતું. આ તકે રાજકોટ જિલ્લા પ્રભારી મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, આનંદનગર હાઉસિંગ બોર્ડના ક્વાટર્સમાં લાઈટ અને નળ જોડાણના પ્રશ્નો બાબતે મુખ્યમંત્રીશ્રીએ સંવેદનશીલ અભિગમ દાખવ્યો હતો. રાજ્ય સરકારના સઘન પ્રયત્નોથી આ સમસ્યાનું કાયમી સમાધાન થયેલું હોવાથી મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કરવા માટે અટલબિહારી વાજપેયી ઓડિટોરિયમ ખાતે ફેડરેશન ઓફ હાઉસિંગ બોર્ડ એસોસીએશન દ્વારા આજે આ કાર્યક્રમ યોજાયો હતો.

આ તકે ધારાસભ્ય સર્વે શ્રી ભાનુબેન બાબરીયા, ડૉ. દર્શિતાબેન શાહ, શ્રી ઉદયભાઈ કાનગડ, શ્રી દુર્લભજીભાઈ દેથરીયા તેમજ શ્રી માધવભાઈ દવે, શ્રી ભરતભાઈ શ્રીમાંકર, શ્રી જીતુભાઈ ધોળકીયા, શ્રી અશ્વિનભાઈ મોલીયા સહિતના અગ્રણીઓ, હાઉસિંગ બોર્ડ એસોસીએશનના સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં.

Back to top button
error: Content is protected !!