
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લા ભાજપ પાર્ટી દ્વારા આજે આહવા સ્વરાજ આશ્રમ ખાતે 25 જૂન, 1975નાં રોજ દેશમાં લાદવામાં આવેલી કટોકટીને “સંવિધાન હત્યા દિન” અને “કાળા દિવસ” તરીકે ઉજવવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં ભાજપના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.અહી ભાજપાનાં અગ્રણી નેતા અશોકભાઈ ધોરાજીયાએ 25 જૂન, 1975નાં દિવસને ભારતના ઇતિહાસનાં પાને કલંકિત કાળો દિવસ ગણાવ્યો હતો.વધુમાં ગુજરાત પ્રદેશ ભાજપનાં અગ્રણી અશોકભાઈ ધોરાજીયાએ જણાવ્યુ હતુ કે તે સમયના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ ચૂંટણી જીતવા માટે ગેરવર્તન કર્યું હતુ.જેને હાઈકોર્ટમાં પડકારવામાં આવતા કોર્ટે તેમને દોષિત ઠેરવી છ વર્ષ માટે ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂક્યો હતો.નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે સત્તા ગુમાવવાની ભીતિથી કોંગ્રેસ અને ઇન્દિરા ગાંધીએ સત્તાનો દુરુપયોગ કરીને રાતોરાત દેશમાં કટોકટી દાખલ કરી હતી.નિર્દોષ લોકોને પકડીને જેલમાં પૂરવામાં આવ્યા હતા, અને પત્રકારો છાપા ન છાપી શકે તે માટે વીજળી પણ કાપી નાખીને લોકશાહીનું ગળું દબાવવામાં આવ્યું હતુ.અહી અન્ય ભાજપાનાં અગ્રણી વક્તાઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે કોંગ્રેસ અને નેહરુ-ગાંધી પરિવાર સત્તાથી દૂર રહી શકતુ નહોતું તેવી તેમની માનસિકતા સ્પષ્ટ દેખાઈ રહી હતી, અને દેશની જનતા આ કૃત્ય ક્યારેય ભૂલી શકે તેમ નથી.
આ કાર્યક્રમમાં ડાંગ જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખ કિશોરભાઈ ગાવિત, જિલ્લા મહામંત્રીઓમાં હરિરામ સાંવત,રાજેશભાઈ ગામીત ,દિનેશભાઈ ભોયે,આહવા,સુબિર, વઘઇ મંડળનાં હોદ્દેદારો અને ગામે ગામથી આવેલા કાર્યકર્તાઓએ ઉપસ્થિત રહી કટોકટી કાળનાં કાળા દિવસને યાદ કર્યો હતો..







