Rajkot: રાજકોટ શહેરમાં હથિયારબંધી

તા.૩૦/૪/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજકોટ શહેરમાં ધાર્મિક શોભાયાત્રા, વિવિધ તહેવારોની ઉજવણી તેમજ રાજકીય પક્ષો અને સંગઠનો દ્વારા રેલી, ધરણા જેવા કાર્યક્રમો યોજાતા હોય છે. જેને ધ્યાને લઈને કાયદો વ્યવસ્થા, જાહેર શાંતિ અને સલામતી જળવાઈ રહે અને અનિચ્છનીય બનાવો ન બને, તે માટે શહેર પોલીસ કમિશ્નરશ્રી બ્રજેશકુમાર ઝા દ્વારા પ્રતિબંધાત્મક આદેશો જાહેર કરાયા છે.
જે મુજબ રાજકોટ શહેર પોલીસ કમિશ્નરની હકુમત હેઠળના વિસ્તારમાં શસ્ત્રો, તલવાર, ભાલા, ખંજર, છરી, ચપ્પા સહિત શારીરિક ઈજા કરી શકાય તેવા હથિયારો તેમજ સ્ફોટક પદાર્થ સાથે રાખીને ફરવા પર પ્રતિબંધ ફરમાવાયો છે. પરવાનાવાળા હથિયારો લઇ જવા, હવામાં ફાયર કરવા, મેળા, ધાર્મિક સરઘસ કે સમુદાયમાં લઇ જવા મનાઈ છે. પથ્થરો અને શસ્ત્રો ફેંકવાના સાધનો એકઠા કરવા તથા સરઘસ સાથે સળગતી મશાલો રાખવા તેમજ પુતળા બાળવા-લટકાવવા-ફાંસી આપવા તેમજ બુમ પાડવા, ગીતો ગાવા તથા વાદ્ય વગાડવાની મનાઈ કરાઈ છે. પ્રાઇવેટ સિક્યુરીટી એજન્સીના સંચાલક અને કર્મચારીએ ફરજ સિવાયના સમયે જાહેર જગ્યાએ લાયસન્સવાળા હથિયારો લઇ જવા પ્રતિબંધ છે. જીગઝેક પ્રકારના ચાઇનીઝ બનાવટના ચપ્પુઓ સાથે રાખવા અને વેચાણ કરવાની મનાઈ છે. ઉપરાંત, સુરૂચિનો ભંગ થતો હોય અથવા રાજય ઉથલી પડવાનો સંભવ હોય તેવા છટાદાર ભાષણ આપવા, નકલ કરવા તથા ચિત્રો, નિશાનીઓ, જાહેરખબરો તૈયાર કરવા અને તેનો ફેલાવો કરવા પર પ્રતિબંધ મુકાયો છે.
ઉલ્લેખનીય છે કે સરકારી કર્મચારી કે જેને ઉચ્ચ અધિકારીએ કોઈપણ હથિયાર લઈ જવાનું ફરમાવ્યું હોય, વૃદ્ધો તથા અશકતો કે જેઓને લાકડીના ટેકે ચાલવાનું હોય તેમજ સક્ષમ સત્તાધિકારી તરફથી જેને પરવાનગી આપવામાં આવેલી હોય તેવી વ્યકિતઓને આ હુકમો લાગુ પડશે નહીં. તા. ૦૧/૦૫/૨૦૨૫થી તા. ૩૦/૦૬/૨૦૨૫ સુધી અમલમાં રહેનાર આ આદેશોનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.


