GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટ શહેર, ત્રણ તાલુકામાં ૧૬થી ૨૨ જાન્યુઆરી દરમિયાન યોજાશે દિવ્યાંગ સાધન સહાય મુલ્યાંકન કેમ્પ

તા.૯/૧/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અત્યાર સુધીમાં આઠ તાલુકાના કેમ્પમાં ૨૧૯૭ દિવ્યાંગ લાભાર્થીઓને મળ્યા વિવિધ લાભો

Rajkot: દિવ્યાંગોને તેમના વિસ્તારમાં સાધન સહાય તેમજ યોજનાકીય સહાયના લાભ મળી રહે તેવા ઉમદા ઉદેશ્યથી રાજકોટ જિલ્લા કલેક્ટર શ્રી પ્રભવ જોશીના નિર્દેશ મુજબ, જિલ્લાના દરેક તાલુકામાં દિવ્યાંગ સાધન સહાય મુલ્યાંકન કેમ્પ યોજાઈ રહ્યા છે. જે અન્વયે રાજકોટ મહાનગરમાં આગામી ૧૬થી ૧૮ જાન્યુઆરી જ્યારે ઉપલેટા, ધોરાજી, જેતપુર તાલુકામાં ૨૦થી ૨૨ જાન્યુઆરી દરમિયાન દિવ્યાંગ સાધન સહાય મુલ્યાંકન કેમ્પ યોજવામાં આવશે.

દિવ્યાંગ સાધન સહાય મુલ્યાંકન કેમ્પ અંગે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજવામાં આવી હતી. જેમાં આગામી દિવસોમાં બાકીના તાલુકાઓ તેમજ રાજકોટ મહાનગરમાં વોર્ડ પ્રમાણે કેમ્પ યોજવા કલેક્ટરશ્રીએ સૂચના આપી હતી. આ સાથે દિવ્યાંગોને સરળતાથી બધા લાભો અને સાધન સહાય મળી રહે તેમજ દિવ્યાંગતા મુલ્યાંકનની પ્રક્રિયા પણ સરળ રીતે થાય અને દિવ્યાંગોને કોઈ તકલીફ ન પડે તે જોવા ખાસ સૂચના આપી હતી.

રાજકોટ મહાનગરમાં તા. ૧૬ થી ૧૮ જાન્યુઆરી દરમિયાન, સવારે ૯થી સાંજે પાંચ સુધીમાં જૂની કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલ (સિવિલ હોસ્પિટલ) ખાતે કેમ્પ યોજાશે. જેમાં ૧૬મી જાન્યુ.એ વોર્ડ નંબર ૧થી ૭ના દિવ્યાંગજનો આ કેમ્પનો લાભ લઈ શકશે. ૧૭મી જાન્યુ.એ વોર્ડ નં.૮થી ૧૪ના દિવ્યાંગજનોએ કેમ્પમાં આવવાનું રહેશે. જ્યારે ૧૮મી જાન્યુ.એ વોર્ડ નં.૧૫થી ૨૩ના દિવ્યાંગજનો કેમ્પનો લાભ લઈ શકશે.

ઉપલેટા તાલુકાનો દિવ્યાંગ સાધન સહાય મુલ્યાંકન કેમ્પ ૨૦મી જાન્યુઆરીએ સવારે ૯ થી પાંચ સુધી સરકારી હોસ્પિટલ ખાતે યોજવામાં આવશે. જ્યારે ધોરાજી તાલુકાનો કેમ્પ ૨૧મી જાન્યુઆરીએ સરકારી હોસ્પિટલ ખાતે યોજાશે. જેતપુર તાલુકાનો કેમ્પ ૨૨મી જાન્યુઆરીએ સરકારી હોસ્પિટલ ખાતે યોજાશે.

જિલ્લા કલેક્ટર શ્રી પ્રભવ જોશીએ અગાઉના કેમ્પ અંગે જણાવ્યું હતું કે, પડધરી, વિંછીયા, લોધિકા, જસદણ, રાજકોટ ગ્રામ્ય, કોટડા સાંગાણી, ગોંડલ અને જામકંડોરણા તાલુકામાં દિવ્યાંગ સાધન સહાય મુલ્યાંકન કેમ્પ યોજાઈ ચૂક્યા છે. જેમાં ૨૧૯૭ દિવ્યાંગોનું રજિસ્ટ્રેશન થયું હતું. જેમાંથી ૧૦૭૭ દિવ્યાંગોને વિવિધ સહાયનો લાભ મળ્યો છે. આ આઠ કેમ્પમાં ૧૯૩૦ સાધન સહાય આપવામાં આવી છે. જ્યારે રૂપિયા ૧.૭૪ કરોડની રકમની સહાય અને સાધન સહાય અપાઈ છે. ૮૮૨ નવા મેડિકલ સર્ટી. આપવામાં આવ્યા છે. ૩૯૬ દિવ્યાંગ લાભાર્થીઓને સમાજ સુરક્ષા ખાતાની યોજનાના લાભ અપાયા છે. જ્યારે ૧૦૮ આભા કાર્ડ કાઢવામાં આવ્યા છે. આ કેમ્પ માટે પીજીવીસીએલ તરફથી સી.એસ.આર. હેઠળ રૂ. ૫૭ લાખ જ્યારે આઈ.ઓ.સી.એલ.માંથી સી.એસ.આર. હેઠળ રૂ. ૪૮ લાખનું ફંડ મળ્યું છે.

જીલ્લા કલેક્ટરરશ્રીના નિર્દેશ મુજબ, દિવ્યાંગ સાધન સહાય મુલ્યાંકન કેમ્પ પૂર્વે તાલુકાઓમાં-મહાનગરમાં વોર્ડ પ્રમાણે સર્વે કરીને દિવ્યાંગજનોની સંખ્યા જાણવામાં આવી હતી. બાદમાં કેમ્પ યોજવાનું શરૂ કરવામાં આવ્યું છે.

આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર શ્રી એ.કે. ગૌતમ, પ્રાંત અધિકારીઓ સર્વ શ્રી મહેક જૈન, સુશ્રી ચાંદની પરમાર, શ્રી વિમલ ચક્રવર્તી, શ્રી રાહુલ ગમારા, શ્રી નાગાજણ તરખલા, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી સુશ્રી પ્રાર્થના શેરસિયા, સી.ડી.એચ.ઓ. ડૉ. પી.કે. સિંઘ વગેરે જોડાયા હતા.

Back to top button
error: Content is protected !!