GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: સ્વચ્છ ભારત મિશન અંતર્ગત જસદણ-વિંછિયા તાલુકાઓમાં સ્વચ્છતાની કામગીરી પૂર જોશમાં

તા.૧૧/૧૨/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

જસદણ-વિંછિયા તાલુકામાં પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ યુનિટની સ્થાપના થકી વૈજ્ઞાનિક રીતે ઘનકચરાનો નિકાલ કરાશે

Rajkot: રાજકોટ જિલ્લામાં જસદણ અને વિંછિયા તાલુકામાં ગ્રામ વિકાસ વિભાગના મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાએ ગ્રામ વિકાસ વિભાગ અને સ્થાનિક વહીવટી તંત્ર સાથે જુદા જુદા વિસ્તારોની મુલાકાત લઈને જરૂરી સૂચનો કર્યા હતા.

મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાના માર્ગદર્શન હેઠળ પાઇલોટ પ્રોજેક્ટ તરીકે જસદણ અને વિછિયા તાલુકામાં સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા સફાઈની કામગીરી પૂરજોશમાં હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત બંને તાલુકાઓના તમામ ગામોમાં રોડની બંને બાજુએ નાના મોટા ડમ્પ પોઈન્ટ બનાવવામાં આવ્યા છે. મુલાકાત દરમિયાન ડીઆરડીએ જસદણ ટીમ દ્વારા તાલુકાની મુખ્ય ગ્રામ પંચાયતોમાં ઘનકચરાનુ પ્રમાણ કેટલુ થાય છે, તેની વિગતવાર ગણતરી કરવામાં આવી હતી. જેથી આગામી દિવસોમાં ઘનકચરાના નિકાલનું વૈજ્ઞાનિક રીતે પ્લાનિંગ કરી શકાય. કેટલીક ગ્રામ પંચાયતોને જસદણ નગરપાલિકા સાથે જોડીને કચરાની ટ્રીટમેન્ટ અને ગ્રામીણ વિસ્તારોમાં અલગથી કચરા નિકાલનુ આયોજન કરવામાં આવી રહ્યું છે.

પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ યુનિટ સ્થાપવા માટે વિંછિયા અને જસદણ તાલુકામાં સરકારી જમીનની પસંદગી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરીને આગળની પ્રક્રિયા કરવામાં આવશે. જમીન સંપાદન કર્યા બાદ પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ યુનિટ ખાતે આસપાસનાં ગામોમાંથી આવતો પ્લાસ્ટિક કચરો એકઠો કરવામાં આવશે અને કચરાનું વર્ગીકરણ, પ્રોસેસ અને રીસાયકલ કરવાની વ્યવસ્થા મજબૂત બનશે.

જિલ્લા વહીવટી તંત્ર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તથા તાલુકા સ્તરની ટીમો દ્વારા જસદણ અને વિંછિયા તાલુકામાં સફાઈ ઝુંબેશ શરૂ કરવામાં આવી. ગામ અને તાલુકા સ્તરે સફાઈની કામગીરી સતત ચાલતી રહે તે માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા દર પંદર દિવસે સમીક્ષા કરવામાં આવશે. આ પાઇલોટ પ્રોજેક્ટ અંતર્ગત આગામી સમયમાં અન્ય જિલ્લાઓમાં પણ સફાઈ કામગીરી સઘન બનાવવા આયોજન કરવામા આવશે.

Back to top button
error: Content is protected !!