Rajkot: રાજકોટની એકાઉન્ટન્ટ જનરલ કચેરી દ્વારા ‘ઓડિટ સપ્તાહ’ની ઉજવણીનો પ્રારંભ

તા.૧૯/૧૧/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
૨૮મી નવેમ્બર સુધી ઓડિટ વોક, રંગોળી, ચિત્ર-નિબંધ સ્પર્ધા, મેડિકલ કેમ્પ યોજાશે
Rajkot: કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલના ભારતીય ઓડિટ અને એકાઉન્ટસ ડિપાર્ટમેન્ટની એકાઉન્ટન્ટ જનરલશ્રીની કચેરી-રાજકોટ દ્વારા ૧૯મી નવેમ્બરથી ‘ઓડિટ સપ્તાહ’ની ઉજવણી શરૂ કરવામાં આવી છે. જે ૨૮મી નવેમ્બર સુધી ચાલશે. આ સપ્તાહ અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે.
તા. ૧૯મી નવેમ્બરે સાંજે સ્વચ્છતા અભિયાન અંતર્ગત સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ૨૦મીએ સવારે ૧૧ થી ૧૨ ઉદઘાટન કાર્યક્રમ યોજાશે તેમજ ઓડિટ શપથ લેવાશે. બાદમાં સ્લોગન સ્પર્ધા તથા નિબંધ સ્પર્ધા યોજાશે. ૨૧મીએ બપોરે ૩થી ૫ ચિત્ર સ્પર્ધા યોજાશે તેમજ નિવૃત્ત અધિકારીઓ, સ્ટાફ સાથે સંવાદ કાર્યક્રમ યોજાશે. આ જ દિવસે સવારે ૧૦.૩૦થી સાંજે ૪.૧૫ સુધી તિજોરી કચેરીના સ્ટાફ-અધિકારીઓ માટે વર્કશોપ યોજાશે.
૨૨મીએ સવારે ૬.૩૦થી ૮.૩૦ દરમિયાન ઓડિટ વોકનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે ૨૪મીએ સવારે ૧૧ કલાકથી ક્વીઝ કોમ્પિટિશન યોજાશે. આ જ દિવસે અમદાવાદમાં તિજોરી અધિકારીઓ માટે વર્કશોપ યોજાશે. ૨૪મીએ જ બપોરે ૩.૩૦થી સ્ટ્રેસ મેનેજમેન્ટ પર કાર્યક્રમ થશે. ૨૫મીએ સવારે ૧૦.૩૦થી નજીકના જિલ્લાઓના ડી.ડી.ઓ. માટે વર્કશોપ યોજાશે. આ જ દિવસે ઓડિટ અને એકાઉન્ટ ઓફિસની વિવિધ વિંગમાં રંગોળી કરવામાં આવશે.
૨૬મીએ આંતરિક વર્કશોપનું આયોજન કરાયું છે. આ સાથે એ.જી. કચેરીની કામગીરી અંગે જાગૃતિ લાવવા વિવિધ કોલેજ અને યુનિવર્સિટીમાં કચેરીની ટીમ દ્વારા પ્રેઝેન્ટશન આપવામાં આવશે. ૨૭મીએ કાર્યસ્થળે મહિલાઓની જાતીય સતામણીના કાયદા – પોશ એક્ટ અંગે જાગૃતિ કાર્યક્રમ થશે. આ જ દિવસે બપોર પછી રમત-ગમતની વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન હાથ ધરાયું છે. ૨૮મીએ સવારે ૧૦ વાગ્યાથી મેડિકલ કેમ્પ યોજાશે. આ જ દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમ તથા સમાપન સમારોહ યોજાશે, તેમ નાયબ એકાઉન્ટ જનરલ-વહીવટ શ્રી ડેનીશ ડેનિયલની યાદીમાં જણાવાયું છે.



