GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: ગાય ભારતની ધાર્મિક, આધ્યાત્મિક, સાંસ્કૃતિક ધરોહર છે, તેના સંવર્ધન માટે રાજ્ય સરકાર કટિબદ્ધ: પશુપાલન મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણી

તા.૨૧/૨/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

રાજકોટ ખાતે આયોજિત ‘ઇન્ડિયન કેટલ શો’ માં મંત્રીશ્રીએ ગૌ પૂજન, પ્રદર્શન મુલાકાત, ખેડૂતો-પશુપાલકો સાથે વાર્તાલાપ કરી ગાયોનો રીંગ સ્પર્ધા નિહાળી

Rajkot: રાજકોટના રેસકોર્સ ખાતે આયોજિત ત્રિ-દિવસીય ‘ઇન્ડિયન કેટલ શો’ ની આજરોજ બીજા દિવસે પશુપાલન મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીએ મુલાકાત લીધી હતી. મંત્રીશ્રીએ કેટલ શો ના આયોજન બદલ IFIZCI સંસ્થાને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, ‘ઇન્ડિયન કેટલ શો’ નો ગઈકાલે પ્રાકૃતિક ખેતીના ભગીરથી અને ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી ના હસ્તે પ્રારંભ કરાયો છે. રાજ્યમાં વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી સાથે જોડાય તે માટે રાજ્યપાલશ્રી દેવવ્રતજી સક્રિય અભિયાન ચલાવી રહ્યા છે. પ્રાકૃતિક ખેતીમાં ગાયનું છાણ અને મૂત્ર અતિ આવશ્યક છે, ત્યારે સૌ ખેડૂત મિત્રએ ગાયનું મહત્વ સમજી પશુપાલન તરફ વધુને વધુ જોડાવા મંત્રીશ્રીએ અપીલ કરી હતી.

મંત્રી શ્રી વાઘાણીએ ગાયને દેશની ધાર્મિક, આધ્યાત્મિક, સાંસ્કૃતિક ધરોહર ગણાવી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારત અને સ્વદેશી અભિયાનને સાર્થક કરવામાં ગાયના ઉત્પાદનને અહેમિયત આપી કિશાન અને પશુ પાલકોને ગાયોના માધ્યમથી જોડાવા હાકલ કરી હતી.

 

ગાયોના જતન અને સંવર્ધન માટે ગૌશાળાઓ, સામાજિક સંસ્થાઓની સાથોસાથ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં રાજ્ય સરકાર દ્વારા તમામ સહયોગ આપવાની મંત્રીશ્રીએ જીતુભાઈએ કટિબદ્ધતા દર્શાવી હતી.

આ તકે તેમણે આપણી ગીર ગાયને બ્રાઝીલ સહીત વિશ્વભરમાં પ્રસિદ્ધિ અપાવવા બદલ ભાવનગરના રાજવી શ્રી કૃષ્ણકુમારસિંહજી ને ખાસ યાદ કર્યા હતાં. વધુમાં ગુજરાત સહીત અન્ય રાજ્યમાંથી પ્રદર્શન અર્થે આવેલા ખેડૂત, માલધારીઓનો દેશી ગાયના જતન અને સંવર્ધનમાં સહયોગી બનવા બદલ મંત્રીશ્રીએ ખાસ આભાર માન્યો હતો.

મંત્રી શ્રી વાઘાણીએ કેટલ શો ના પ્રારંભે ભાવપૂર્વક ગૌ પૂજન કર્યું હતું. ત્યારબાદ મંત્રીશ્રીએ પ્રદર્શનની મુલાકાત લઇ વેપારી- ઉત્પાદકો અને પ્રદર્શનમાં દેશી ગાયો સાથે પધારેલા ખેડૂતો અને પશુપાલકો સાથે રસપ્રદ વાર્તાલાપ કર્યો હતો. શ્રી જીતુભાઈએ કાર્યક્રમમાં કાંકરેજ તેમજ ગીર ગાય રીંગ સ્પર્ધા નિહાળી હતી.

આ પ્રસંગે આયોજક શ્રી કિશોરભાઈ ઓડેદરા, આયોજક સમિતિના સભ્યો શ્રી ભયલુ બાપુ સદભાવના વૃદ્ધાશ્રમના શ્રી વિજયભાઈ ડોબરીયા, પશુપાલન અધિકારીશ્રી ડો. ભરતસિંહ ગોહિલ તથા દેશ વિદેશથી આવેલા મહેમાનો સહિત સંતો, પશુપાલકો, ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

કેટલ શો માં ગીર ગાય અને કાંકરેજની ૨૦૦ થી વધુ ગાય, વિન્ટેજ કાર અને ટ્રેક્ટરનું પ્રદર્શન

રાજકોટ ખાતે આયોજિત કેટલ શો માં ગુજરાત ઉપરાંત રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રમાંથી પશુપાલકો ઉત્સાહભેર જોડાયા છે. અહી ૧૦૦ ગીર ગાય, ૧૦૦ કાંકરેજ ગાય સહીત ૨૦૦ થી વધુ ગાયો પ્રદર્શનમાં ભાગ લઇ રહી છે. રોજબરોજ વિવિધ સ્પર્ધાના આયોજન કરવામાં આવ્યા છે. ગાયના જતન અને સંવર્ધન માટે આયોજિત પ્રદર્શનમાં ગાયના દૂધ, મળ, મુત્રમાંથી તૈયાર કરાયેલ ઉત્પાદનનું પ્રદર્શન, વેચાણ, કેટલ ફૂડ સામગ્રી, કૃત્રિમ બીજ માટે માર્ગદર્શક સહિતના અનેકવિધ સ્ટોલ ઉપલબ્ધ છે. પ્રદર્શનમાં વિવિધ સ્ટેટમાંથી લાવવામાં આવેલી વિન્ટેજ કારનું પ્રદર્શન લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. સાથોસાથ અનેક ખૂબી ધરાવતા વિન્ટેજ ટ્રેક્ટર પણ જોવા મળશે.

Back to top button
error: Content is protected !!