GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: જીરૂ, વરીયાળી, ધાણા, મેથી, અજમો અને સુવાના પાકમાં જીવાત વ્યવસ્થાપન માટે જરૂરી પગલાં

તા.૨૦/૧૧/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: જીરૂ, વરીયાળી, ધાણા, મેથી, અજમો અને સુવાના પાકમાં સંકલિત રોગ – જીવાત વ્યવસ્થાપન માટે વાવણી પહેલાં અથવા વાવણી સમયે લેવાના પગલાં નીચે મુજબ છે.

જીરૂનો કાળીયો અથવા કાળી ચરમી રોગના નિયંત્રણ માટે એક જ ખેતરમાં સતત જીરૂની વાવણી ન કરતા પાક ફેરબદલી કરવી જોઈએ.

સેન્દ્રિય ખાતર તેમજ નાઇટ્રોજનયુક્ત ખાતરનો ઉપયોગ કરવો જોઈએ.

સુકારો રોગના નિયંત્રણ માટે છાણીયું ખાતર ૧૦ ટન/હે. અથવા દિવેલીનો ખોળ અથવા રાયડાનો ખોળ અથવા મરઘાંનું ખાતર ૨.૫ ટન/હે. આપવું અથવા ૫ કિલોગ્રામ ટ્રાઇકોડર્મા હાર્જીયાનમને ૩ ટન છાણિયા ખાતર સાથે મિશ્ર કરી ૧૫ દિવસ સુધી સમૃદ્ધ કરી ૧ હેક્ટર માટે વાવણી સમયે જમીનમાં આપવું જોઈએ.

રોગ-જીવાત પ્રતિકારક જાતો જેવી કે ગુજરાત જીરૂ-૪ અને ગુજરાત જીરૂ-૫, ગુજરાત વરિયાળી ૨, ગુજરાત વરિયાળી ૧૧, ગુજરાત વરિયાળી ૧૨, ગુજરાત મેથી ૨ અને જી.એમ.-૪ (સુપ્રિયા), ગુજરાત ધાણા ૨, ગુજરાત ધાણા-૪ (જી.સી.ઓ.આર. ૪:સોરઠ સુગંધ) અને ગુજરાત સુવા ૩ જેવી જાતોનું વાવેતર કરવું જોઈએ.

ભેજવાળું વાતાવરણ કાળી ચરબી માટે ખૂબ જ સાનુકૂળ હોવાથી રાઈ, ઘઉં અને રજકા વગેરે પાણીની વધુ જરૂરિયાતવાળા પાકોની બાજુમાં જીરૂનું વાવેતર કરવાનું ટાળવું અથવા યોગ્ય અંતર રાખીને વાવેતર કરવું જોઈએ.

રોત્ર નિયંત્રણ માટે વાવણી પહેલાં બીજને ૩ ગ્રામ થાયરમ અથવા ૩ ગ્રામ કાર્મેન્ડેઝીમ ફુગનાશક દવાનો એક કિલો બીયારણ પ્રમાણે પટ આપવો જોઈએ.

જીરૂના કાળી ચરમી રોગના નિયંત્રણ માટે પુંખીને વાવેતર કરવાને બદલે ૩૦ સે.મી.ના અંતરે ચાસમાં વાવણી કરવી અને પિયત બાદ આંતર ખેડ કરવી જોઈએ. પિયત માટે કયાસ ખૂબ જ નાના અને સમતલ બનાવવા જોઈએ. જેથી, એક સરખું અને હલકું પિયત આપી શકાય.

વરિયાળીમાં મૂળનો કોહવારો અથવા થડનો સડો રોગના નિયંત્રણ માટે પરૂને ફેરરોપણી કરતાં પહેલાં ૪૦ ગ્રામ ત્રાંભાયુકના દવાનું ૧૦ લિટર પાણીમાં દ્રાવણ બનાવી ધરૂને દ્રાવણમાં બોળીને વાવવા જોઇએ.

વધુમાં, દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે-તે પાક માટે તે ભલામણમાં જણાવ્યા મુજબની કાળજીઓ રાખવી જોઈએ. આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક / વિસ્તરણ અધિકારી / ખેતી અધિકારી તાલુકા અમલીકરણ અધિકારી / મદદનીશ ખેતી નિયામક / જિલ્લા ખેતીવાડી અધિકારી / નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) / નાયબ ખેતી નિયામક (તાલીમ)નો સંપર્ક કરી શકાશે, રાજકોટ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી તૃપ્તિબેન પટેલની યાદીમાં જણાવાયું છે.

(માહિતી સંદર્ભ: સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સીટી)

Back to top button
error: Content is protected !!