Rajkot: નાયબ સચિવ શ્રી દિલીપભાઈ ગામીતના અધ્યક્ષસ્થાને કનેસરા ખાતે યોજાયો શાળા પ્રવેશોત્સવ
તા.૩૦/૬/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
મહાનુભાવોના હસ્તે ૫૦ બાળકોને કરાવાયો શાળા પ્રવેશ
Rajkot: રાજ્ય સરકાર દ્વારા કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા તેમજ બાળકો ઉત્સાહભેર શાળા પ્રવેશ કરે તે માટે તા.૨૬ થી ૨૮ જૂન દરમિયાન રાજકોટ જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૫ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શ્રી કનેસરા પ્રાથમિક શાળા ખાતે જી.એસ.એસ.બી.ના નાયબ સચિવ શ્રી દિલીપભાઈ ગામીતના અધ્યક્ષ સ્થાને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
કાર્યક્રમમાં અધિકારીશ્રીએ કહ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમના મુખ્યમંત્રી કાળમાં આ મહોત્સવનો પ્રારંભ કર્યો હતો જેનાથી અનેક બાળકો ઉલ્લાસભેર શિક્ષણ લેતા થયા છે. શાળાના વિકાસ માટે શાળાની સમગ્ર ટીમ તેમજ ગ્રામજનોનો સહકાર અભિનંદનને પાત્ર છે તેમ ઉમેરી કહ્યું હતું કે, બાળકોના વિકાસમાં શિક્ષણ એ મહત્વનો પાયો છે ત્યારે ખાનગી શાળાઓ છોડી ગ્રામજનો તાલીમ પામેલા આ શિક્ષકો પાસે ભૂલકાંઓને અભ્યાસ અર્થે મોકલી રહ્યા છે તે અન્ય માટે પ્રેરણારૂપ છે.
અધ્યક્ષશ્રી તથા અન્ય મહાનુભાવો દ્વારા ૫૦ બાળકોને આંગણવાડી, બાલવાટિકા અને ધો.૧માં શાળાઓ ખાતે કીટ, સ્કૂલ બેગ સહિતની શૈક્ષણિક વસ્તુઓ એનાયત કરી પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. સાથે જ્ઞાનસેતુ, જ્ઞાન સાધના અને એન.એમ.એમ.એસ. યોજનાઓમાં મેરીટમાં સ્થાન મેળવનાર, એક થી આઠ ધોરણમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરેલા, વિદ્યાર્થીઓને શિલ્ડ અને સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. શાળાના બાળકો દ્વારા જંકફૂડ જેવા વિષય પર વક્તવ્ય આપવામાં આવ્યું હતું. મહાનુભાવશ્રીઓના હસ્તે દાતાશ્રીઓને સન્માનિત કરાયા હતા. અધિકારીશ્રીના હસ્તે શાળા ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે રાજકોટ જી.એસ.ટી. કચેરીના નાયબ કર કમિશનર શ્રી આઈ. આર. પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનંદુ સુરેશ ગોવિંદ, બી.આર.સી., સી.આર.સી. તથા શાળાના એસ.એમ.સીના તમામ અધ્યક્ષો અને સભ્યો, શાળાના બાળકો તથા વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.