Rajkot: વિકાસ સપ્તાહ : પોષણ દિવસ રાજકોટ જિલ્લાની આંગણવાડી કેન્દ્રોમાં પોષણક્ષમ વાનગીઓનું નિદર્શન કરાયું
તા. 9/10/2025
વાત્સલયમ્ સમાચાર
બાળકોને સુપોષિત બનવવા અને સ્થૂળતા દૂર કરવા વિષયક માર્ગદર્શન અપાયું
Rajkot: દેશમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના સક્ષમ નેતૃત્વની યશગાથાને જનતા સુધી પહોંચાડવા ગુજરાતમાં વિકાસ સપ્તાહની ઉજવણી થઈ રહી છે. છેલ્લા ૨૪ વર્ષો દરમિયાન ગુજરાતમાં પોષણનું સ્તર સુધારવા માટે અનેક યોજનાઓ અમલી બનાવવામાં આવી છે. વિકાસ સપ્તાહના ભાગરૂપે પોષણ સંગમ દિવસ નિમિત્તે રાજકોટ જિલ્લા બાળ સંકલિત યોજના કચેરી દ્વારા ‘સહી પોષણ, દેશ રોશન’ના મંત્રને સાકાર કરવા વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરાઈ હતી.
રાજકોટ જિલ્લાના તમામ ૧૩૬૦ આંગણવાડી કેન્દ્રોમાં ટેક હોમ રાશન, શ્રીઅન્ન અને સરગવામાંથી બનતી વાનગીઓનું નિદર્શન કરાયું હતું. જેના માધ્યમથી મહિલાઓને પોષણક્ષમ આહારનું મહત્વ સમજાવાયું હતું. તેમજ પોષણક્ષમ ખાદ્ય પદાર્થોના ઉપયોગથી બાળકોમાં સ્થૂળતા દૂર કરવા વિષયક માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
આ ઉપરાંત, અતિ અને મધ્યમ કુપોષિત બાળકોના વાલીઓ સાથે આયોજિત બેઠકમાં વાલીઓને તેમના બાળકના હેલ્થ સ્ટેટ્સથી માહિતગાર કરાયા હતાં. પોષણ અંગે જાગૃતિ ફેલાવતી પત્રિકાઓ વિતરિત કરીને રેગ્યુલર ફોલોઅપથી બાળકને કુપોષણમાંથી બહાર લાવવાની સમજ અપાઈ હતી. વાલીઓને વાલી કાર્ડના ઉપયોગ વિશે માહિતી અપાઈ હતી. વાલીઓને સરળ રમત રમાડીને પોષણની સમજ અને બાળકોની કાળજી રાખવામાં સાવધાની અંગે જાણકારી અપાઈ હતી. તેમજ આંગણવાડી કેન્દ્રોના સ્ટાફ અને લાભાર્થીઓએ ભારત વિકાસ પ્રતિજ્ઞા અને પોષણ શપથ લીધા હતાં.