Rajkot: વિકાસ સપ્તાહ : ખાસ લેખ : શ્રેણી – ૪ : રોજગાર દિવસ રોજગાર ક્ષેત્રે ગુજરાતના વિકાસમાં રાજકોટ જિલ્લાનો અમૂલ્ય ફાળો
તા. 8/10/2025
વાત્સલયમ્ સમાચાર
માર્ગી મહેતા
વર્ષ ૨૦૨૪-‘૨૫માં ૩૬ ભરતી મેળામાં ૨૮૫ ખાનગી નોકરીદાતાઓએ ઉમેદવારોની પ્રાથમિક પસંદગીની પ્રક્રિયા હાથ ધરી
અનુબંધમ્ પોર્ટલમાં ૨૬,૩૫૭ રોજગારવાંચ્છુ ઉમેદવારો તથા ૩૧૦૪ ખાનગી નોકરીદાતાઓએ રજિસ્ટ્રેશન કર્યું
આઈ.ટી.આઈ.ના ૭૦૭ તાલીમાર્થીઓને પ્રોવિઝનલ ઓફર લેટર મળ્યાં : યુવાનોને અદ્યતન ટેક્નોલોજીથી અવગત કરવા ૦૬ ઇન્ડસ્ટ્રીઝ સાથે એમ.ઓ.યુ. કરાયા
Rajkot: તા. ૦૭ ઓક્ટોબરે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા તેને ૨૪ વર્ષ પૂર્ણ થયા છે. જેની સંકલ્પ સિદ્ધિની ગાથા જન-જનમાં ઉજાગર કરવા માટે હાલમાં સમગ્ર રાજ્યમાં વિકાસ સપ્તાહની ઉજવણી થઈ રહી છે. પ્રધાનમંત્રીશ્રીના સક્ષમ નેતૃત્વ હેઠળ છેલ્લા ૨૪ વર્ષમાં ગુજરાતના યુવાનો કૌશલ્ય વિકાસ થકી રોજગારની વિપુલ તકો મેળવી સશક્ત બન્યા છે. ત્યારે રોજગાર ક્ષેત્રે ગુજરાતના વિકાસમાં રાજકોટ જિલ્લાનો પણ અમૂલ્ય ફાળો રહેલો છે.
રાજકોટ જિલ્લો એ ઓટોમોબાઇલ અને મિકેનીકલ સેકટરનું હબ છે. રાજકોટ જિલ્લામાં ૧૪ સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ, ૦૩ ગ્રાન્ટ ઇન એઇડ સંસ્થાઓ અને ૦૧ સેલ્ફ ફાઈનાન્સ સંસ્થા છે. જેમાં વિવિધ સેક્ટરના આશરે ૪૮ પ્રકારના કોર્ષ ચાલે છે. રાજકોટ મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી ઉમેદવારોને રોજગારી મળે, તેવા સઘન પ્રયત્નો કરે છે. જેના માટે વખતોવખત ભરતી મેળાનું આયોજન કરવામાં આવે છે. જે અન્વયે વર્ષ ૨૦૨૪-‘૨૫માં કુલ ૩૬ ભરતી મેળા યોજાયા છે. જેમાં કુલ ૨૮૫ ખાનગી ક્ષેત્રના નોકરીદાતાઓએ ઉમેદવારોની પ્રાથમિક પસંદગીની પ્રક્રિયા હાથ ધરી હતી.
આ ઉપરાંત, અનુબંધમ્ વેબ પોર્ટલમાં રાજકોટ જિલ્લાના ૨૬,૩૫૭ રોજગારવાંચ્છુ ઉમેદવારો તથા ૩૧૦૪ ખાનગી નોકરીદાતાઓએ રજિસ્ટ્રેશન કર્યું છે. ઉમેદવારોને અનુબંધમ પોર્ટલ, એમ્પ્લોયમેન્ટ કાર્ડ અને રોજગાર કચેરીની કામગીરી વિશે માહિતગાર કરવા માટે વર્ષ ૨૦૨૪માં શાળાઓ અને કોલેજોમાં આયોજિત કુલ ૭૫ સેમિનારમાં કુલ ૮૯૩૪ ઉમેદવારો સહભાગી થયા હતાં. તેમજ ઉમેદવારોને રોજગારલક્ષી માર્ગદર્શન મળી રહે, તે આશયથી રાજકોટ ખાતે વર્ષ ૨૦૨૪માં કુલ ૧૦૬ સેમિનારમાં ૧૩,૪૫૨ ઉમેદવારોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
રાજકોટ આઈ.ટી.આઈ. દ્વારા વર્ષ ૨૦૨૫માં તાલીમ મેળવી પાસ થનાર તાલીમાર્થીઓ પૈકી ૭૦૭ તાલીમાર્થીઓએ પ્રોવિઝનલ ઓફર લેટર મેળવેલાં છે. જેથી, તેઓને તાલીમ બાદ નોકરી માટે ક્યાંય દોડાદોડી કરવી ન પડે અને તેમનામાં નોકરી મળી ગઈ હોવાનો આત્મવિશ્વાસ ઉત્પન્ન થાય. તેમજ આઈ.ટી. આઈ.માંથી વિવિધ ટ્રેડમાં કૌશલ્ય તાલીમ લઇ પાસ થતા તાલીમાર્થીઓ માટે લેટેસ્ટ ટેકનોલોજીનું જ્ઞાન પણ જરૂરી છે. તેઓ જ્યારે નોકરી માટે ઇન્ડસ્ટ્રીઝમાં જોડાય ત્યારે તેઓ અદ્યતન ટેકનોલોજીથી અવગત થાય, તે હેતુસર વિકાસ સપ્તાહ અંતર્ગત રાજકોટ આઈ.ટી.આઈ. દ્વારા ૦૬ ઇન્ડસ્ટ્રીઝ સાથે એમ.ઓ.યુ. કરવામાં આવ્યા છે.
વધુમાં, વિકાસ સપ્તાહ અન્વયે મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી, રાજકોટ દ્વારા આયોજિત યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારંભમાં મોટી સંખ્યામાં ઉમેદવારોને રોજગાર પત્ર એનાયત કરવામાં આવ્યા હતાં. આમ, રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓના શિક્ષણથી લઈને રોજગાર સુધીની દરકાર લેવામાં આવી રહી છે.
સ્વામી વિવેકાનંદ નિવાસી તાલીમ વર્ગ યોજના
મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી, રાજકોટ અંતર્ગત સ્વામી વિવેકાનંદ નિવાસી તાલીમ વર્ગ યોજના અમલી છે. જે અન્વયે દર વર્ષે યોગ્ય લાયકાત, વજન, ઉંચાઇ ધરાવતા ૧૭ વર્ષથી ૨૩ વર્ષ સુધીના પુરુષ ઉમેદવારો કે જેઓ સંરક્ષણ દળોમાં જોડાવવા ઈચ્છુક હોય, તેમના માટે શારીરિક અને લેખિત પરીક્ષાની ભરતી પૂર્વે તૈયારીઓ વિનામૂલ્યે કરાવવામાં આવે છે. જેમાં ઉમેદવારોને ૩૦ દિવસની નિવાસી તાલીમ સાથે ભોજન અને એક દિવસના રૂ. ૧૦૦ સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે.