GUJARAT

Rajkot: ગુજરાતની શિક્ષણમાં ડિજિટલ ક્રાંતિ : આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બેઇઝ્ડ ‘અર્લી વૉર્નિંગ સિસ્ટમ’ રાજકોટ જિલ્લામાં સ્કૂલ ડ્રોપઆઉટની સંભાવના ધરાવતા ૩,૨૦૬ વિદ્યાર્થીઓને આઇડેન્ટિફાઇ કરાયા

તા.૨૮/૬/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

આલેખન : માર્ગી મહેતા

વાલીઓને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં આમંત્રિત કરીને બાળકોનું શિક્ષણ પૂર્ણ કરાવવાની સમજ અપાશે

Rajkot: ગુજરાત સરકાર પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણના સ્તરે સ્કૂલ ડ્રોપઆઉટ રેશિયો શૂન્ય કરવાનો લક્ષ્યાંક ધરાવે છે. આ ધ્યેય પ્રાપ્ત કરવા માટે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓમાં સ્કૂલ ડ્રોપઆઉટને અટકાવવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બેઇઝ્ડ અનોખી પહેલ કરાઈ છે, જે છે ‘અર્લી વૉર્નિંગ સિસ્ટમ’. આ સિસ્ટમ શાળા છોડીને જઇ શકે તેવા સંભવિત બાળકોની અગાઉથી જ ઓળખ કરી લે છે. જેથી, તેઓને શાળા છોડતા અટકાવી શકાય અને તેઓ પોતાનું શિક્ષણ પૂર્ણ કરે, તે સુનિશ્ચિત કરી શકાય.

ગુજરાત સરકારના ‘સર્વ શિક્ષા અભિયાન’ અંતર્ગત ‘ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ’ પોર્ટલ કાર્યરત છે. જેમાં વર્ષ ૨૦૨૪માં આર્ટિફિશિયલ ઇન્ટલિજન્સ આધારિત ‘અર્લી વોર્નિંગ સિસ્ટમ’ વિકસાવાઈ છે. રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી દીક્ષિતભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ શહેર અને ગ્રામ્ય વિસ્તાર મળીને સમગ્ર જિલ્લાની સરકારી અને ખાનગી દરેક પ્રકારની શાળાઓ અને તમામ વિદ્યાર્થીઓની પૂરેપૂરી માહિતી ‘ચાઈલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ’ પોર્ટલ પર ઉપલબ્ધ છે.
રાજકોટ ડિસ્ટ્રિકટ મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ કો-ઓર્ડીનેટરશ્રી શૈલેષભાઈ પટેલે જણાવ્યું હતું કે, રાજકોટ શહેરમાં કુલ ૯૬૪ શાળાઓમાં આશરે ૨,૮૦,૧૦૫ વિદ્યાર્થીઓ તેમજ ગ્રામ્યમાં કુલ ૧૭૫૭ શાળાઓમાં અંદાજે ૩,૪૭,૧૬૯ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યાં છે. ‘અર્લી વોર્નિંગ સિસ્ટમ’ થકી અત્યાર સુધીમાં સ્કૂલ ડ્રોપઆઉટની સંભાવના ધરાવતા લગભગ ૩,૨૦૬ વિદ્યાર્થીઓને આઇડેન્ટિફાઇ કરાયા છે.

તેમણે ઉમેર્યું હતું કે, સ્કૂલ ડ્રોપઆઉટની સંભાવના ધરાવતા વિદ્યાર્થીઓ તેમનું શાળાકીય શિક્ષણ ચાલુ રાખે, તે માટે બાળકો અને વાલીઓને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં આમંત્રિત કરાશે અને બાળકના વિકાસ અને પ્રગતિ માટે શાળાકીય શિક્ષણ પૂર્ણ કરવું કેટલું મહત્વપૂર્ણ છે, તેની સમજ અપાશે.

અર્લી વૉર્નિંગ સિસ્ટમ (E.W.S.)

સંપૂર્ણપણે વૈજ્ઞાનિક અભિગમ ધરાવતી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (A.I.) આધારિત અર્લી વૉર્નિંગ સિસ્ટમ (E.W.S.) બાલવાટિકાથી લઈને ધો. ૧૨માં ભણતા પ્રત્યેક વિદ્યાર્થીના રેકોર્ડ (ઉંમર, જાતિ વગેરે), શાળા પ્રદર્શન, હાજરી અને મૂલ્યાંકન જેવા ડેટાનો ઉપયોગ કરીને વિદ્યાર્થીના સંભવિત ડ્રોપઆઉટ થવાની અગાઉથી આગાહી કરે છે અને તેને અટકાવવા માટેના પગલાં લેવા માટે એલર્ટ આપે છે.

આ સિસ્ટમમાં એલ્ગોરિધમ થકી ડેટાની પેટર્ન પરથી સંભવિત ડ્રોપઆઉટ લેનારા બાળકની ઓળખ કરવામાં આવે છે. જેથી, ડ્રોપઆઉટનું જોખમ ધરાવતા વિદ્યાર્થીઓ પર વિશેષ ધ્યાન આપીને ડ્રોપઆઉટ થયા પહેલાં જ સમયસર પગલાં લઇ શકાય.

વિદ્યાર્થીઓના ડ્રોપઆઉટ માટેના મુખ્ય પરિબળોમાં શાળામાં તેમની સતત ગેરહાજરી, શિક્ષણમાં નબળું પ્રદર્શન, બાળકની તંદુરસ્તી, શારીરિક દિવ્યાંગતા, બાળકની વર્તણૂંક વગેરેનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત, સંભવિત ડ્રોપઆઉટ બાળકની ઓળખ કરવા માટે વિદ્યાર્થીઓની શાળા સંબંધિત માહિતી જેમ કે, વિદ્યાર્થીની શાળાનો પ્રકાર (સરકારી, સહાયિત, ખાનગી વગેરે), મલ્ટિગ્રેડ વર્ગખંડો, શાળામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધાઓ તેમજ વિદ્યાર્થીઓના પરિવાર અંગેની માહિતી જેમ કે, પરિવારની આર્થિક સ્થિતિ, પરિવારનું સ્થળાંતર, ઘરમાં શિક્ષણ અંગે વિચારો અને ધારણા, પરિવારમાં બાળકોની સંખ્યા, વસ્તી વિષયક માહિતી વગેરેનો પણ ઉપયોગ કરાય છે.

આ સિસ્ટમનો ઉદ્દેશ મુખ્ય સૂચકાંકોના આધારે શાળા છોડી દેવાનું જોખમ ધરાવતા બાળકોની ઓળખ કરવાનો છે.

આવા બાળકોની ઓળખ થઈ ગયા પછી તેમની ચોક્કસ જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે પ્રતિભાવ અને હસ્તક્ષેપથી તેમને શાળામાં ટકી રહેવા માટે સહયોગ પૂરો પાડવામાં આવશે.
આમ, ગુજરાતની શિક્ષણમાં ડિજિટલ ક્રાંતિ કહી શકાય તેવી ‘અર્લી વૉર્નિંગ સિસ્ટમ’ થકી સંભવિત ડ્રોપઆઉટ થનારા વિદ્યાર્થીઓની ઓળખ કર્યા બાદ લોકજાગૃતિ, વાલીસંપર્ક અને સામુદાયિક સહયોગ થકી બાળકોને શાળા છોડતા અટકાવાશે.

Back to top button
error: Content is protected !!