Rajkot: રાજકોટ જિલ્લામાં મે માસમાં અનાજનો ૧૦૦ ટકા જથ્થો ફાળવાયો, હાલ વિતરણ પ્રગતિહેઠળ
તા.૨૩/૫/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
રાશનકાર્ડ ઈ-કેવાયસી મોબાઈલ એપથી જાતે પણ કરી શકાય છે
Rajkot: રાજકોટ જિલ્લાના શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોમાં રેશનકાર્ડ ધારકોનો અનાજનો જથ્થો બંધ કરાયા અને ઈ-કેવાયસી વિનાના રાશનકાર્ડધારકોને અનાજ ફાળવાયું નહીં હોવાના અહેવાલો સત્યથી વેગળા હોવાનું જિલ્લા પૂરવઠા અધિકારી શ્રી રાજશ્રી વંગવાણી દ્વારા જણાવાયું છે. તેમણે અખબારી યાદીમાં જણાવ્યું છે કે, રાજકોટ જિલ્લામાં મે માસમાં અનાજનો ૧૦૦ ટકા જથ્થો ફાળવાયો છે અને હાલ વિતરણ પણ ચાલુ જ છે.
યાદીમાં જણાવાયા મુજબ, ભારત સરકાર દ્વારા એપ્રિલથી રાશનના પ્રમાણિત વિતરણની સૂચના આપવામાં આવેલી છે. કુદરતી આફતો અથવા ગંભીર સમસ્યાઓના અપવાદોમાં પૂર્વ મંજૂરી વિના મેન્યુઅલ કે ઓફલાઇન વિતરણની મનાઈ ફરમાવાયેલી છે. જે રેશનકાર્ડ ધારકોનું ઈ-કેવાયસી થઈ ગયું છે તેઓને અનાજ વિતરણ ચાલુ જ છે અને ચાલુ રહેશે.
જે રેશનકાર્ડધારકોનું ઈ-કેવાયસી બાકી છે, તેઓ રાજકોટ શહેરની તમામ ઝોનલ કચેરીઓ, તાલુકા કક્ષાએ તમામ મામલતદાર કચેરીઓ, ગ્રામ પંચાયત ખાતે વી.સી.ઈ., વ્યાજબી ભાવના તમામ દુકાનદારો, નજીકની પોસ્ટ ઓફિસ દ્વારા ઈ-કેવાયસી કરાવી શકે છે. કાર્ડધારકો જાતે પણ ઘરે ‘માય રાશન મોબાઈલ એપ’થી ઈ-કેવાયસી કરાવી શકે છે. આમ કોઈપણ લાભાર્થી અનાજથી વંચિત રહેશે નહીં.
યાદીમાં જણાવાયા મુજબ, મે માસ દરમિયાન અનાજનો ૧૦૦ ટકા જથ્થો ફાળવી દેવામાં આવ્યો છે અને તેનું વિતરણ પણ ચાલુ છે. જૂન માસના વિતરણ દરમિયાન જે લાભાર્થીઓએ ઈ-કેવાયસી કરાવેલું હશે તેઓને અનાજ મળી જાય તે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે.