GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: જિલ્લા કલેકટર ડૉ. ઓમપ્રકાશ દ્વારા ગોંડલ નજીક રાજકોટ —જેતપુર નેશનલ હાઇવેના પ્રગતિ હેઠળનાં કામોનું નિરીક્ષણ કરી સમીક્ષા હાથ ધરાઈ

તા.૧૫/૭/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

વીરપુર પાસે વાહન વ્યવહાર માટે એક ઓવરબ્રિજ શરૂ કરાયો, ટૂંક સમયમાં ગોંડલ પાસેના બે ઓવરબ્રિજના કામ પૂર્ણ થઈ જશે

ટ્રાફિકના સુગમ સંચાલન માટે ટ્રાફિક માર્શલ મુકાયા, ૧૪ સ્થળોએ ક્રેન મુકાઈ

Rajkot: “રાજકોટ —જેતપુર નેશનલ હાઈવે પર વીરપુર પાસે વાહન વ્યવહાર માટે એક બ્રિજ ચાલુ કરી દેવાયો છે તથા ખૂબ જ ટૂંક સમયમાં અન્ય બે બ્રિજની કામગીરી પણ પૂર્ણ થઈ જશે.” રાજકોટ જિલ્લા ક્લેક્ટર ડૉ. ઓમપ્રકાશે આજે ગોંડલ નજીક રાજકોટ-જેતપુર નેશનલ હાઇવેના વિવિધ ઓવરબ્રિજના કામોનું રૂબરૂ નિરીક્ષણ કરતા આમ જણાવ્યું હતું.

જિલ્લા ક્લેક્ટર ડૉ. ઓમપ્રકાશ આજે સવારે ગોંડલ નજીક ગોમટા પાસે ચાલતા ઓવરબ્રિજના પ્રગતિ હેઠળના કામોના નિરીક્ષણ માટે પહોંચ્યા હતા. આ તકે તેમણે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાના મેનેજર શ્રી અશોક ચૌધરી પાસેથી વિવિધ કામોની વિગતવાર માહિતી મેળવી હતી.

તેમણે વર્તમાન કામગીરીની સમીક્ષા કરીને તેનો અહેવાલ બનાવીને, કામગીરીને સમયસર પૂર્ણ કરવા માટે ખૂટતું માનવબળ, બાંધકામ સામગ્રી તેમજ મશીનરી કામે લગાડવા સૂચના આપી હતી. આ કામગીરી ચાલુ છે ત્યાં સુધી વાહન-વ્યવહાર સરળ રહે તે માટે યોગ્ય વ્યવસ્થા જાળવવા પણ સૂચના આપી હતી.

કલેક્ટરશ્રીએ વીરપુર પાસે એક ઓવરબ્રિજ વાહન વ્યવહાર માટે ચાલુ કરી દેવાયો હોવાનું કહ્યું હતું. આ સાથે ખૂબ જ ટૂંક સમયમાં ગોંડલ પાસેના નેશનલ હાઈવે પર બે ઓવરબ્રિજની કામગીરી પૂર્ણ થઈ જનાર હોવાનું અને ખુલ્લા મુકવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું.

જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે,મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના તમામ પ્રગતિ હેઠળના રોડ રસ્તાના કામોની ગુણવત્તાનું મોનીટરીંગ કરવા, રસ્તા પર પડેલા ખાડાઓનું ત્વરિત સમારકામ થાય તે સુનિશ્ચિત કરવા અને ટ્રાફિક જામ સહિતની સમસ્યાઓના કારણે સામાન્ય માણસને અગવડ ના પડે તે માટેની વ્યવસ્થાઓ કરવા અંગે સૂચના આપી છે. જે અંતર્ગત એન.એચ.એ.આઈ.ના અધિકારીઓ, સંબંધિત એજન્સી, પ્રાંત અધિકારીશ્રી, મામલતદારશ્રી, ટ્રાફિક પોલીસના અધિકારીઓને સાથે રાખીને રાજકોટ થી જેતપુર વચ્ચેના આ ૬૭ કિલોમીટરના સિક્સ લેન હાઈ—વેના કામનું સ્થળ નિરીક્ષણ અને સમીક્ષા હાથ ધરી જરૂરી નિર્દેશો આપવામાં આવ્યા છે.

આ માર્ગ પર ટ્રાફિકના સુગમ સંચાલન માટે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા ટ્રાફિક જામ થાય છે તેવા વિવિધ ૧૪ જેટલા સ્થળો પર ક્રેન મૂકવામાં આવી છે તેમજ ૧૬ જેટલા સ્થળો પર જામ નિવારવા ટ્રાફિક માર્શલ મૂકવામાં આવ્યા છે. જેનું કંટ્રોલ રૂમમાંથી સુપરવિઝન પણ કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત ટ્રાફિક પોલીસને સાથે રાખીને ટ્રાફિકજામવાળા સ્થળો ઓળખીને તેમજ ખોટી દિશામાંથી વાહનોની અવરજવર અટકાવીને ત્યાં ટ્રાફિક સુગમ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. લોકો નેશનલ હાઈવે પરના ટ્રાફિકજામ અંગે ફરિયાદ કરી શકે તે માટે કંટ્રોલ રૂમના નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે.

આ તકે જિલ્લા કલેકટરશ્રીએ નાગરિકોને ખાડા તેમજ તૂટેલા માર્ગોની ફરિયાદ માટે ‘ગુજમાર્ગ’ એપ્લિકેશનનો ઉપયોગ કરવા અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, નાગરિકો રોડના ખાડા, તૂટેલા માર્ગો વગેરેની ફરિયાદો ફોટો સાથે આ એપ પર અપલોડ કરી શકે છે. આ ફરિયાદો તંત્ર સુધી ફરિયાદ પહોંચી જશે અને તંત્ર તેના પર તુરંત એક્શન લઈને ખાડા પૂરવા સહિતની કામગીરી કરશે, એમ તેમણે ઉમેર્યું હતું. જિલ્લા કલેક્ટરશ્રીની મુલાકાત વખતે ગોંડલ પ્રાંત અધિકારી શ્રી રાહુલ ગમારા, ટ્રાફિક પોલીસના અધિકારીઓ વગેરે સાથે જોડાયા હતા.

Back to top button
error: Content is protected !!