Rajkot: રાજકોટ જિલ્લા આરોગ્ય શાખા દ્વારા ‘વિશ્વ સ્તનપાન સપ્તાહ’ ઉજવાશે

તા.૨/૮/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: વર્લ્ડ એલાયન્સીસ ફોર બ્રેસ્ટ ફીડિંગ એક્શન કે જે WABA તરીકે ઓળખાય છે. તેના દ્વારા દર વર્ષે ઓગસ્ટ મહિનાના પ્રથમ અઠવાડીયામાં એટલે કે તા. ૦૧ ઓગસ્ટથી તા. ૦૭ ઓગસ્ટ દરમિયાન ‘વિશ્વ સ્તનપાન સપ્તાહ’ની ઉજવણી કરાર છે. વર્ષ ૨૦૨૫-‘૨૬ની થીમ ‘Invest in breastfeeding, Invest in the future’ છે. જેના અનુસંધાને રાજકોટ જિલ્લા પંચાયતની આરોગ્ય અને પરિવાર કલ્યાણ શાખા દ્વારા તમામ ૧૨ સામુહિક આરોગ્ય કેન્દ્રો, પ૪ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, ૦૯ અર્બન હેલ્થ સેન્ટરો, ૩૪૪ સબસેન્ટરો અને પ૯૮ સેજાના ગામોમાં ‘વિશ્વ સ્તનપાન સપ્તાહ’ની ઉજવણી કરાશે. જે દરમિયાન સ્તનપાન અંગે જાગૃતિ ફેલાવતી પત્રિકાઓનું વિતરણ અને પોસ્ટરો, બેનરો ડિસ્પ્લે કરાશે. આઈ.સી.ડી.એસ.ના સહયોગથી તાલુકાના અર્બન હેલ્થ સેન્ટર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સબસેન્ટર કક્ષાએ રેલી, રોલ પ્લે, કાઉન્સેલિંગ સેશન, શોર્ટ ફિલ્મ, નિદર્શન, કેમ્પ અને વર્કશોપ યોજાશે. તેમજ સપ્તધારાના તાલીમાર્થીઓ દ્વારા સ્તનપાન જનજાગૃતિની વિવિધ પ્રવૃત્તિઓ કરાશે, તેમ આરોગ્ય અને પરિવાર કલ્યાણ શાખાની યાદીમાં જણાવાયું છે.


