તા.૨૬/૧૦/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
સરકાર, ન્યાયતંત્ર અને સામાજિક સંસ્થાઓએ સાથે મળીને સઘન પ્રયત્નો તેમજ સામાજિક જાગૃતિથી બાળકોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાશે., સિનિયર સિવિલ જજશ્રી એન.એચ. નંદાણીયા
Rajkot: ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગાંધીનગર તેમજ હાઇકોર્ટની જુવેનાઇલ જસ્ટીસ કમિટિના ઉપક્રમે રાજકોટની જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી તથા જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા જિલ્લા સ્તરે બાળકો સંદર્ભના કાયદાઓ, યોજનાઓ અને માર્ગદર્શીકા અંગેની કાર્યશાળા યોજાઈ હતી. વિવિધ વિભાગોના અધિકારીઓ સાથેની આ એક દિવસીય કાર્યશાળા સર્કિટ હાઉસના કોન્ફરન્સ હોલ ખાતે યોજાઇ હતી.
જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના સેક્રેટરી, ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટ તેમજ સિનિયર સિવિલ જજશ્રી એન.એચ. નંદાણીયાએ આ પ્રસંગ ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, પોકસો એક્ટ તેમજ અન્ય કાયદાઓ બાળકો પર થતા અપરાધ સામે રક્ષણ આપે છે. બાળકોને ન્યાય મળે તે માટે આવા કાયદાઓનુ આચરણ ખૂબ જરૂરી છે. બાળકને શોષણ વખતે ખબર પણ નથી હોતી કે આ અપરાધ છે. આ માટે દરેક શાળાઓમાં ગુડ ટચ બેડ ટચ અંગે જાગૃતિ, જાતીય શોષણ, બાળમજૂરી, બાળલગ્ન વગેરે સામે રક્ષણની સમજ આપવી જરૂરી છે.
સરકાર, ન્યાયતંત્ર અને સામાજિક સંસ્થાઓ દ્વારા આ માટે ઘણું સારૂ કાર્ય થઈ રહ્યું છે. તમામ સંલગ્ન લોકો અને સંસ્થાઓ સાથે મળીને સઘન પ્રયત્નો કરીશું તો બાળકોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાશે એ માટે આવી કાર્યશાળાઓ અને જાગૃતિ શિબિરો ચાવીરૂપ સાબિત થશે.
કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય તેમજ મહાનુભાવોના સ્વાગતથી કરવામાં આવી હતી. આ કાર્યશાળામાં જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ડો. અલ્પેશ ગોસ્વામી, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી ડો. પ્રાર્થનાબેન શેરસિયા, પ્રોબેશનરી ઓફિસર ડો. મિલનકુમાર પંડિત, યુનિસેફના શ્રી બીનલબેન પટેલ, જુવેનાઇલ જસ્ટિસ બોર્ડના આસી. પબ્લિક પ્રોસિક્યુટરશ્રી નીલેશકુમાર બગથરિયા વગેરે વક્તાઓ દ્વારા બાળ અધિકારોને લગતા કાયદા તેમજ વિવિધ કાર્યવાહી અંગેની ઊંડાણપૂર્વકની સમજ આપવામાં આવી હતી. સંકલન અર્થે અધિકારીશ્રીઓ વચ્ચે પ્રશ્નોત્તરી પણ યોજાઈ હતી.
આ પ્રસંગે જિલ્લાની ચાઈલ્ડ વેલફેર કમિટીના ચેરમેનશ્રી રક્ષાબેન બોળિયા, નાયબ પોલીસ અધિક્ષકશ્રી રાજેશ બારૈયા, ડેપ્યુટી લેબર કમિશનર શ્રી જી. એમ. ભૂડદા, આસી. લેબર કમિશનર એ. બી. ચંદારાણા, જુવેનાઇલ જસ્ટિસ બોર્ડના શ્રી છાયાબેન કવૈયા, રાજકોટ ગ્રામ્ય પોલીસના પી.એસ.આઇ.શ્રી વી.પી કનારા, ચાઈલ્ડ વેલફેર કમિટીના સભ્યો સામાજિક સંસ્થાઓના પ્રતિનિધીઓ તેમજ લગભગ ૮૦ જેટલા વિવિધ સંલગ્ન અધિકારીશ્રીઓ અને કર્મચારીઓ તાલીમમાં ઉપસ્થિત રહ્યા હતા.