Gondal: જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી પ્રવિણાબેન રંગાણીના અધ્યક્ષસ્થાને ગોંડલ ખાતે ‘‘પા પા પગલી’’ પ્રોજેક્ટ અંતર્ગત રાજકોટ જિલ્લા કક્ષાનો ભૂલકા મેળો યોજાયો
તા.૧/૧૦/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
માતા યશોદા, ટી.એલ.એમ., નાટ્ય કૃતિ, પૌષ્ટિક વાનગી સ્પર્ધાને એવોર્ડ અને સર્ટીફીકેટનું વિતરણ કરાયું
કાર્યક્રમમાં વિવિધ કાર્ટૂનના સેલ્ફી પોઇન્ટે બાળકોમાં અનેરો આનંદ જગાવ્યો
Rajkot, Gondal: જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી પ્રવિણાબેન રંગાણીના અધ્યક્ષસ્થાને અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનંદુ સુરેશ ગોવિંદની વિશેષ ઉપસ્થિતિમાં રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના મહારાજા સર ભગવતસિંહજી ટાઉન હોલ ખાતે જિલ્લા કક્ષાનો ભૂલકા મેળો યોજાયો હતો. જેમાં માતા યશોદા એવોર્ડ, ’’પા પા પગલી’’ પ્રોજેક્ટ અંતર્ગત વેસ્ટમાંથી બેસ્ટ અને પોષણ ઉત્સવ હેઠળ પૌષ્ટિક વાનગી સ્પર્ધા સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ તકે પ્મુખ શ્રી પ્રવિણાબેન રંગાણીએ પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, બાળકો દેશનું ભવિષ્ય હોવાથી બાળકો સુપોષિત બને તે માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અનેકવિધ યોજનાઓ અમલી બનાવાઇ છે. બાળકોમાં શ્રેષ્ઠતમ વિચાર અને આચાર કેળવાય તથા જીવનના સંઘર્ષનો સામનો કરી શકવા બાળક સક્ષમ બને તે માટે મિલેટ્સને આહારમાં સામેલ કરવા જોઈએ. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, બાળકોના માતા પિતાએ બાળકોને મોબાઈલ ફોનનો ઉપયોગ નહિવત કરાવવો અને બાળકોના શારીરિક વિકાસ માટે યોગ, કસરત અને રમતગમત ક્ષેત્રે આગળ વધવા માટે જરૂરી વાતાવરણ પુરૂં પાડવું જોઈએ.
આ તકે મિલેટ્સ અંગે જાગૃતિ લાવવા અને પોષણ માસની ઉજવણીના ભાગરૂપે જિલ્લાના ૧૨ વિવિધ ઘટકોએ “પોષણ ઉત્સવ” અન્વયે ભાખરી, પુડલા, પિઝ્ઝા, સેવ ખમણી, રાગી શેક, ખજૂર કેન્ડી, નૂડલ્સ, નાન ખટાઈ સહિતની ૭૨ વિવિધ વાનગીઓને પ્રદર્શનમાં મૂકી હતી.
મહાનુભાવોએ દીપ પ્રાગટ્યથી કાર્યક્રમની શરૂઆત કરી હતી. ત્યાર બાદ, ત્રણથી પાંચ વર્ષના બાળકોએ કાલી ઘેલી ભાષાના ગીતો પર ઉત્સાહભેર કૃતિઓ રજૂ કરી હતી. જિલ્લાની ૧૨ વિવિધ આંગણવાડી ઘટકોની કાર્યકર અને તેડાગર બહેનોને માતા યશોદા એવોર્ડ અને સર્ટિફિકેટ, બાળકો દ્વારા રજૂ કરાયેલ શ્રેષ્ઠ પાંચ કૃતિઓને એવોર્ડ, ટીચિંગ લર્નિંગ મટીરીયલથી એટલે કે પાંચ શ્રેષ્ઠ વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓ એવોર્ડ, ટેક હોમ રાશન અને મિલેટ્સમાંથી બનાવેલ વાનગી સ્પર્ધાના સ્પર્ધકોને એવોર્ડ, શ્રેષ્ઠ ત્રણ નાટ્યકૃતિને એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા. કાર્યક્રમના અંતે મહાનુભાવોએ વિવિધ પૌષ્ટિક વાનગીઓના સ્ટોલનું અને ટી.એલ.એમ. મોડલનું નિદર્શન કર્યું હતું.
આ તકે ધારાસભ્ય શ્રી ગીતાબા જાડેજા, મહિલા અને બાલ કલ્યાણ તથા શિશુ કલ્યાણ સમિતિના ચેરમેન શ્રી કંચનબેન બગડા, અગ્રણીઓ શ્રી ભાવનાબેન રૈયાણી, શ્રી નાથીબેન સોલંકી, શ્રી ચિરાગભાઈ ગુલ, શ્રી ભરતભાઈ ઢોલરિયા, જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્રી જનકસિંહ ગોહિલ, મામલતદાર શ્રી દીપકભાઈ ભટ્ટ, તાલુકા વિકાસ અધિકારી શ્રી એમ.એમ. ઉકાવાલા સહિત બહોળી સંખ્યામાં આંગણવાડી તેડાગર અને કાર્યકર બહેનો, માતાઓ, કિશોરીઓ અને બાળકો ઉપસ્થિત રહયા હતા.