Rajkot: તરઘડીયા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન રથ પ્રસ્થાન અને ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો

તા.૨૯/૫/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન ઘરબેઠા ગંગા જેવો કાર્યક્રમ: કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ
ખેતીમાં નેનો ટેકનોલોજી અને પ્રાકૃતિક કૃષિનો મહત્તમ ઉપયોગ કરવા ખેડૂતોને અપીલ કરતા મંત્રીશ્રી
Rajkot: કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલનાં અધ્યક્ષસ્થાને રાજકોટના તરઘડીયા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન અંતર્ગત રથ પ્રસ્થાન તેમજ ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો હતો. આ તકે મંત્રીશ્રી સહિત મહાનુભાવોએ રથને પ્રસ્થાન કરાવી ખેડૂતો સાથે પ્રશ્નોત્તરી કરી લાભાર્થી ખેડૂતોને ખેત યોજનાનાં મંજુરી હૂકમ વિતરણ કર્યા હતા.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં તેમજ કેન્દ્રીય કૃષિ મંત્રીશ્રી શિવરાજ સિંહ ચૌહાણનાં સંકલનમાં શરૂ થયેલા રાષ્ટ્રવ્યાપી ‘વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન’ નાં રાજકોટ જિલ્લા કક્ષાનાં કાર્યક્રમમાં કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે ખેડૂતોને શુભેચ્છા પાઠવી હતી. કૃષિ મંત્રીશ્રીએ કહ્યું હતું કે, વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન કાર્યક્રમ “ઘર બેઠા ગંગા” જેવો કાર્યક્રમ છે. ખેડૂતોને ઘર આંગણે જ ખેતીલક્ષી માહિતી અને માર્ગદર્શન મળે, ખેડૂત અને ખેતીની વધુ પ્રગતિ થાય, ખેડૂતોના પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ થાય, ખેતીમાં યાંત્રિકીકરણ અને આધુનિક ખેતી પ્રયોગો માટે કૃષિ વૈજ્ઞાનિકો ગામડે ગામડે કૃષિ રથ લઈને ખેડૂતોને માર્ગદર્શન આપશે.
મંત્રીશ્રીએ વધુમાં કહ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે શરૂ કરેલ કૃષિ મહોત્સવ જેવા કૃષિ અભિયાનોથી ખેતી અને ખેડૂતોનો વિકાસ થયો છે.
ખેતી અને ખેડૂતોના ઉત્કર્ષ માટે સરકાર સહાયકારી યોજનાઓ ચલાવે છે. વાવણી પહેલા જ ટેકાનો ભાવ જાહેર કરી તે ભાવમાં વધારો કરવામાં આવે છે.
આ ઉપરાંત ખેતીની અવનવી પદ્ધતિ જેમાં નેનો ટેકનોલોજી અને પ્રાકૃતિક કૃષિનો મહત્તમ ઉપયોગ કરવા મંત્રીશ્રીએ ખેડૂતોને અપીલ કરી કહ્યું કે, નેનો ટેકનોલોજી સ્વદેશી અને સસ્તી પદ્ધતિ છે, રાજ્ય સરકાર સબસીડી આપે છે. નેનો યુરિયા, નેનો ડીએપીનો ખેતીમાં ઉપયોગ કરી ઉત્પાદનમાં વધારો અને ખર્ચમાં ઘટાડો કરી શકાય છે. ખેતીના યાંત્રિકીકરણ માટે સરકારે બજેટ ફાળવી ખેડૂતોની સબસીડી વધારી છે.
વિકસિત કૃષિ સંકલ્પ રથમાં આવતા કૃષિ વૈજ્ઞાનિકો અને અધિકારીઓ પાસેથી મહત્તમ ખેડૂતો ખેતીની યોજનાકીય જાણકારી તેમજ કૃષિ સંશોધન, વૈજ્ઞાનિક પદ્ધતિ, યાંત્રિકીકરણ વગેરે કૃષિ લક્ષી પ્રશ્નોત્તરી કરી જાણકારી મેળવે તેવી અપીલ મંત્રીશ્રીએ કરી હતી.
આ તકે ઉપસ્થિત રહેલા સાંસદશ્રી રામભાઈ મોકરીયાએ કહ્યું કે, ખેડૂતોની મહેનત અને સરકાર દ્વારા અપાતી સબસીડી અને પ્રોત્સાહનથી કૃષિ ક્ષેત્રે વિકાસ થઈ રહ્યો છે. દેશના ખેડૂતો ખૂબ મહેનતુ છે. ખેડૂતો વધુને વધુ આધુનિક ખેતી કરવાની સાથે પ્રાકૃતિક ખેતીનો મહત્તમ ઉપયોગ કરે અને અધિકારીઓ ખેડૂતોને યોજનાની જાણકારી આપે તેમ સાંસદશ્રીએ વધુમાં ઉમેર્યું હતું.
જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડૉ.વી.પી.ચોવટીયાએ પ્રાસંગિક ઉદબોધનમાં આ અભિયાન લક્ષી કાર્યક્રમની રૂપરેખા આપી હતી.
કુલપતિશ્રીએ ખેડૂત મિત્રોને કહ્યું હતું કે, ખરીફ પાકોમાં ખેડૂતોને જરૂરી માર્ગદર્શન આપવા, ખેતીલક્ષી સમસ્યાઓના નિરાકરણ અને ખેતીલક્ષી પ્રશ્નોત્તરી માટે ગામેગામ વિકસિત કૃષિ સંકલ્પ રથ ફરશે. જેમાં ખેડૂતોને તાલીમ આપવી, યોજનાકીય જાણકારી, ભલામણ મુજબ દવા, ખાતર અને બિયારણ નાખવું, ખાતરનો આડેધડ ઉપયોગ ટાળવો, ખોટા ખર્ચથી ખેડૂતોને કઈ રીતે બચાવી શકાય વગેરેથી ખેડૂતોને માહિતગાર કરાશે
આ તકે મહાનુભાવોએ પાક રક્ષણ હેતુ ખેતરની ફરતે તાર ફેન્સીંગ સહાય યોજનામાં પૂર્વ મંજૂરી હુકમ ત્રણ ખેડૂતોને એનાયત કરાયા હતા. મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક ડૉ.એ.એમ.પોલરાએ કપાસની સુધારેલ જાતો અને ખેતી પદ્ધતિ વિશે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. વૈજ્ઞાનિક ખેતી અપનાવી જરૂરિયાત મુજબનું ખાતર આપવું, જમીન ચકાસણી મુજબ ખાતર આપવું, ઉત્પાદનમાં ફરક આવે તે માટે જરૂરી તમામ તત્વો આપવા તથા કપાસનાં પાક વિશે ખેડૂતોને વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતુ.
મંત્રીશ્રીએ આ તકે ઉપસ્થિત ખેડૂતો સાથે પ્રશ્નોત્તરી કરી તેઓના પ્રશ્નો અને સમસ્યા જાણી તેનું નિવારણ લાવવા કટિબદ્ધતા દાખવી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પ્રવિણાબેન રંગાણી, સાંસદશ્રી રામભાઈ મોકરીયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનંદુ સુરેશ ગોવિંદ, જુનાગઢ કૃષિ યુનિ. વાઇસ ચાન્સેલરશ્રી વી.પી.ચોવટીયા, સંશોધન નિયામકશ્રી એ.જી.પાનસુરીયા, વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડો એન.બી.જાદવ, સંયુક્ત ખેતી નિયામકશ્રી એન.કે.ગાબાણી, જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી તૃપ્તિબેન પટેલ, નાયબ બાગાયત નિયામકશ્રી આર.કે. બોઘરા, પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્માશ્રી એચ.ડી. વાદી સહિત અધિકારીઓ, કર્મચારીઓ તેમજ મહાનુભાવો અને બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત વરિષ્ઠ વૈજ્ઞાનિક અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રનાં વડા ડૉ.એમ.એમ.તળપદાએ તેમજ આભારવિધિ કૃષિ વૈજ્ઞાનિકશ્રી ડો. જે.એચ. ચૌધરીએ અને કાર્યક્રમનું સંચાલન એચ.ડી.ગઢવીએ કર્યું હતું.







