Rajkot: રેલવેના રાજકોટ ડિવિઝન દ્વારા “પ્લાસ્ટિકમુક્ત અભિયાન” હેઠળ પ્રભાત ફેરી યોજાઈ

તા.૨/૬/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
પ્લાસ્ટિક પ્રદુષણ અંગે જાગૃતિ ફેલાવતાં સૂત્રો લખેલા બેનરો અને પોસ્ટરો સાથે રેલીનું આયોજન
Rajkot: ભારતીય પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન દ્વારા ‘વિશ્વ પર્યાવરણ દિવસ – ૨૦૨૫’ નિમિત્તે ‘પ્લાસ્ટિક પ્રદૂષણની સમાપ્તિ’ – થીમને ધ્યાને રાખીને ગત તા. ૨૨ મેથી ૦૫ જુન દરમિયાન અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં અભિયાનનો શુભારંભ, પ્લાસ્ટિકના ઉપયોગમાં ઘટાડો લાવવા જાગૃતિ, પ્લાસ્ટિક કચરાનું આકલન અને નિકાલ, પ્રચાર સામગ્રીનું પ્રદર્શન અને રિસાઇક્લિંગ એન્ડ વેસ્ટ મેનેજમેન્ટ અંગે કાર્યશાળાઓનો સમાવેશ થાય છે. જેનો ઉદ્દેશ મુસાફરો, રેલવે કર્મચારીઓ અને સ્થાનિક સમુદાયોને પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા અને યોગ્ય કચરા નિકાલની પદ્ધતિઓ અપનાવવાના મહત્વ વિશે શિક્ષિત કરવાનો છે. તેમજ જનસમુદાયને પર્યાવરણને અનુકૂળ જીવન પદ્ધતિ અપનાવવા માટે પણ પ્રોત્સાહિત કરવાનો છે.
આ અભિયાનને આગળ વધારતા ગત તા. ૨૩ મેના રોજ પર્યાવરણ પર પ્લાસ્ટિક કચરાની હાનિકારક અસરો વિશે જનજાગૃતિ ફેલાવવાના આશયથી પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્લાસ્ટિકના ઉપયોગને મર્યાદિત કરવા, પ્લાસ્ટિકના ઉપયોગથી પર્યાવરણ અને પરિસ્થિતિ તંત્ર પર પડતા દુષ્પ્રભાવોને રેખાંકિત કરતા સ્લોગન લખેલા બેનરો અને પોસ્ટરો સાથે રેલી કાઢવામાં આવી હતી. આ રેલી ડી.આર.એમ. ઓફિસથી શરૂ થઈને રેલવે કોલોનીમાંથી પસાર થઈ હતી અને તેનું સમાપન ડી.આર.એમ. ઓફિસ ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓને પણ સામેલ કરવામાં આવ્યા હતા. જેથી, રાષ્ટ્રના ભાવિ સમાન બાળકો પણ પ્લાસ્ટિક પ્રદૂષણ અંગે સજાગ રહે.
આ પ્રભાત ફેરી રાજકોટ રેલવે ડિવિઝનના અપર ડિવિઝન રેલ પ્રબંધકશ્રી કૌશલ કુમાર ચૌબેના નેતૃત્વમાં, વરિષ્ઠ ડિવિઝન યાંત્રિક એન્જિનિયરશ્રી મેઘરાજ તાતેડ સહિત વિવિધ વિભાગોના શાખા અધિકારીઓ, અન્ય રેલવે અધિકારીઓ અને કર્મચારીઓ, સિવિલ ડિફેન્સ કર્મીઓ અને સ્કાઉટ અને ગાઈડની ઉપસ્થિતિમાં હાથ ધરવામાં આવી હતી. આમ, રેલવેના રાજકોટ ડિવિઝન દ્વારા પ્લાસ્ટિકમુક્ત અભિયાન હેઠળ પ્લાસ્ટિક કચરાના નિકાલ અને વ્યવસ્થાપન માટે સામૂહિક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.




