GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: ડરશો નહીં, સરકારની ગાઈડલાઈન મુજબ સમયસરની સચોટ સારવારથી ટી.બી. અચૂક મટી શકે છે : શ્રી દિવાળીબેન રૈયાણી

તા.૩૧/૧૨/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

શ્રી દિવાળીબેન રાષ્ટ્રીય ક્ષય નિયંત્રણ કાર્યક્રમ હેઠળ ટી.બી.ની વિનામૂલ્યે સારવાર મેળવીને ક્ષય રોગથી મુક્ત થયા

Rajkot: થોડા મહિના અગાઉ સતત તાવ અને ખાંસી રહેતી હતી. સ્થાનિક કક્ષાએ ખાનગી દવાખાનામાં સારવાર લીધી તો પણ તબિયત સારી થઇ ન હતી. તેથી, લોધિકા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ગત તા. ૦૧ જાન્યુઆરી, ૨૦૨૪ના રોજ આરોગ્ય તપાસ માટે ગળફાના બે નમુના લેવામાં આવ્યાં. ત્યારબાદ ટી.બી. હોવાનું નિદાન થયું. આથી, હું અને મારો પરીવાર દુ:ખી થઇ ગયા. ત્યારે મેડીકલ ઓફિસર સહીત આરોગ્ય સ્ટાફ દ્વારા કાઉન્સેલિંગ કરવામાં આવ્યું કે ટી.બી. રોગ એ માત્ર છ મહીનાની સારવારથી સંપૂર્ણ મટી શકે છે. જે જાણીને હાશકારો થયો. આ શબ્દો છે ૫૯ વર્ષીય શ્રી દિવાળીબેન રૈયાણીના.

લોધિકા ખાતે રહેતા શ્રી દિવાળીબેન રાષ્ટ્રીય ક્ષય નિયંત્રણ કાર્યક્રમ હેઠળ ટી.બી.ની વિનામૂલ્યે સારવાર મેળવીને ક્ષય રોગથી મુક્ત થયા છે. તેઓ આગળ જણાવે છે કે સરકારની આધુનિક લેબોરેટરી (C.B.N.A.A.A.T. લેબ)માં મલ્ટી ડ્રગ્સ રઝિસ્ટંસ ટી.બી. (રીઢો ટી.બી.) છે કે નહીં, તે તપાસ કરતા ડ્રગ્સ સેંસીટીવ ટી.બી. (સાદો ટીબી) હોવાનું નિદાન થયેલું. ગત તા. ૦૧ જાન્યુઆરીના રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, નગરપીપળીયા ખાતે મેડીકલ ઓફિસરે ટી.બી.ની સારવાર શરુ કરી હતી. ટી.બી.ની સાથે ડાયબીટીસનું નિદાન થતા ડાયાબીટીસની દવા પણ નિયમિત લેવા આરોગ્ય સ્ટાફે જણાવ્યું હતું. મને હાઇરીસ્ક કો-મોરબીડીટી હોવાથી સારવાર દરમિયાન જિલ્લા ક્ષય અધીકારીશ્રી ડો. ઘનશ્યામ મહેતાએ મુલાકાત લઈને ચિંતા ન કરવા સમજાવ્યુ.

તેમણે ઉમેર્યું હતું કે ટી.બી.ની સારવાર શરુ કરવામાં આવી ત્યારે મારું વજન ૪૭ કિ.ગ્રા.હતુ. ગત તા. ૧૭ જૂનના રોજ સારવાર પૂરી કરી ત્યારે ક્ષય રોગ તો દૂર થયો, સાથેસાથે મારું વજન પણ ૫૦ કિ.ગ્રા. થયું. અમારી આર્થિક સ્થિતિ અત્યંત નબળી હોવાથી સ્ટાફે દર મહીને પોષણ કીટની વ્યવસ્થા પણ કરાવી દીધી હતી. તેમજ આરોગ્ય સ્ટાફ દ્વારા નિયમિત રીતે વજન, સુગર અને સ્પુટમની લેબોરેટરી તપાસ કરાતી. સારવાર યોગ્ય રીતે ચાલે છે કે નહીં, તે માટે નગરપીપળીયા સરકારી દવાખાનાનો સ્ટાફ પણ તપાસ કરવા ઘરે આવતા. આ દરમિયાન મારો વજન ૪૭ કિલોગ્રામમાંથી ૫૦ કિલોગ્રામ થયો.

તેઓ કહે છે કે મેં મક્કમ મનોબળ થકી ક્ષય રોગને હરાવ્યો છે. ડરશો નહીં, સરકારની ગાઈડલાઈન મુજબ સમયસરની સચોટ સારવારથી ટી.બી. અચૂક મટી શકે છે. સરકાર તરફથી તમામ દવાઓ મને વિનામૂલ્યે મળતી હતી. ક્ષય રોગની સમગ્ર સારવાર દરમિયાન આરોગ્ય સ્ટાફનો પૂરતો સહયોગ મળવા બદલ હું અને મારો પરિવાર ગુજરાત સરકારના ખૂબ ખૂબ આભારી છીએ. તેમજ ક્ષય રોગના દર્દીઓ સરકારની નિક્ષય પોષણ સહાય યોજનાનો લાભ લે, તેવો મારો અનુરોધ છે.

Back to top button
error: Content is protected !!