Rajkot: ડો. શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી : રાજકોટ માટે નવલું નજરાણું: જાણીએ.. વરિષ્ઠ કલાકરોના પ્રતિભાવો
તા.૧૦/૬/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
આલેખન : માર્ગી મહેતા
Rajkot:ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રાજકોટમાં રૂ. ૫.૯૦ કરોડના ખર્ચે નવનિર્મિત ડો. શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરીનું લોકાર્પણ કરાયું હતું. ત્યારે રાજકોટ માટે નવલા નજરાણા સમાન રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત ડો. શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી અંગે વરિષ્ઠ કલાકારોના પ્રતિભાવો જાણીએ.
રાજકોટમાં આર્ટ ગેલેરીનું નવીનીકરણ થવું, એ એક સુખદ ઘટના છે : શ્રી કિશોરભાઈ ત્રિવેદી
સ્થાપત્યકારશ્રી કિશોરભાઈ ત્રિવેદી જણાવે છે કે, રાજકોટ ફક્ત ઔદ્યોગિક કે વ્યાપારિક શહેર નથી, પરંતુ સાંસ્કૃતિક નગરી પણ છે. દરેક પ્રકારના આર્ટ અને કલ્ચરમાં આ શહેરના લોકો રસ ધરાવે છે. આશરે વર્ષ ૧૯૯૦માં તત્કાલીન કમિશ્નરને રેસકોર્ષનું ડેવલપમેન્ટ કરવાની ઈચ્છા હતી. ત્યારે મેં આર્ટ ગેલેરી બનાવવાનો વિચાર આપ્યો. જેને પરિણામે અહીં આર્ટ ગેલેરીનું નિર્માણ થયું. ત્યારબાદ કલાકારોની અપેક્ષાને ધ્યાને રાખીને હવે અદ્યતન સુવિધાસભર વિશાળ આર્ટ ગેલેરી બની છે. જેથી, સોલો એક્ઝિબિશન, ગ્રુપ શો, વર્કશોપ કે સેમિનાર થઈ શકશે. આમ, રાજકોટમાં આર્ટ ગેલેરીનું નવીનીકરણ થવું, એ એક સુખદ ઘટના છે.
સૌરાષ્ટ્રના છેવાડાના કલાકારની બેનમૂન કલાને ઉજાગર કરી શકે એવી ગેલેરીનું નિર્માણ થવું, તે ગૌરવની વાત છે : શ્રી ઉમેશભાઈ ક્યાડા
રાજકોટ આર્ટ સોસાયટીના પ્રમુખશ્રી ઉમેશભાઈ ક્યાડા કહે છે કે, રાજકોટને આધુનિક આર્ટ ગેલેરીની ભેટ મળી છે, જેના માટે માત્ર રાજકોટ નહીં પણ સૌરાષ્ટ્ર અને ગુજરાતના કલાકારોમાં આનંદની લાગણી પ્રવર્તી છે. સૌરાષ્ટ્રના છેવાડાના કલાકારની બેનમૂન કલાને ઉજાગર કરી શકે એવી ગેલેરીનું નિર્માણ થવું, તે ગૌરવની વાત છે. કલાકારો પણ પ્રદર્શન કરવા માટે આતુર છે. ત્યારે નવી આર્ટ ગેલેરીમાં સહયોગ આપવા બદલ એન્જીનીયરો અને અધિકારીઓનો આભાર.
આ આર્ટ ગેલેરીના કારણે શહેરને ‘કલાપ્રેમી રાજકોટની ઓળખ’ મળશે : શ્રી મિતાબેન ભટ્ટ
ફાઈન આર્ટ અને ઇન્ટીરીયર ડીઝાઇન એક્સપર્ટશ્રી મિતાબેન ભટ્ટે જણાવ્યું કે, કલાપ્રેમીઓ માટે કલા એ મનની જરૂરિયાત છે. વિવિધ જનસુખાકારીના પ્રકલ્પોની સાથે આ આર્ટ ગેલેરી થકી સૌરાષ્ટ્રના કલાકારોને પોતાની કળા પ્રદર્શિત કરવાનું અને રાજકોટના લોકોને કળાને જાણવા તથા માણવાનું ઉત્તમ મધ્યમ મળી રહેશે. તેમજ રાજકોટના સાંસ્કૃતિક વિકાસમાં મદદ મળશે. આ આર્ટ ગેલેરીના કારણે શહેરને ‘કલાપ્રેમી રાજકોટની ઓળખ’ પણ મળશે.
રાજકોટ કોર્પોરેશન અને રાજ્ય સરકારના સક્રિય સહકારથી શ્રેષ્ઠ ગેલેરીનું નિર્માણ થયું છે : શ્રી વિરેશભાઈ દેસાઈ
ફાઈન આર્ટમાં ગોલ્ડ મેડાલિસ્ટશ્રી વિરેશભાઈ દેસાઈએ કહ્યું હતું કે, આર્ટ ગેલેરી નવી બનાવવાની કલાકારોની માંગણી પૂર્ણ થઇ છે. આ આર્ટ ગેલેરી સૌરાષ્ટ્રનું સૌથી મોટું આર્ટ સેન્ટર છે. રાજકોટ કોર્પોરેશન અને રાજ્ય સરકારના સક્રિય સહકારથી શ્રેષ્ઠ ગેલેરીનું નિર્માણ થયું છે, જેના માટે આભારી છું.