Rajkot: “વીજ બચત એ જ વીજ ઉત્પાદન” વીજ બચત માટે માર્ગ અને મકાન વિભાગની અનોખી પહેલ
તા.૨૪/૬/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
આલેખન: રિધ્ધિ ત્રિવેદી
જિલ્લામાં સરકારી-અર્ધસરકારી કચેરીઓ સહિત ૨૦૦ સ્થળોએ ત્રણ હજારથી વધુ પોસ્ટર્સ લગાવી વીજ બચત માટે સંદેશો પાઠવતા ૨૦ કર્મયોગીઓ
જરૂરિયાત ન હોય ત્યારે પંખા, લાઈટ, એ.સી., કોમ્પ્યુટર સહિતના વીજ ઉપકરણો બંધ રાખી વીજળી બચાવીએ
Rajkot: ગ્લોબલ વોર્મિંગના કારણે પૃથ્વી પરના તાપમાનમાં દિન પ્રતિદિન વધારો થઇ રહ્યો છે, જેના લીધે વીજળીની માંગ અને તેનો વપરાશ વધ્યો છે. વિશ્વભરમાં વીજળીનો બિન જરૂરી વપરાશ ઘટાડવા માટે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. જેમાં ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગના વિદ્યુત શાખા દ્વારા એક નવતર પહેલ હાથ ધરવામાં આવી છે. જે અન્વયે “વીજ બચત એ જ વીજ ઉત્પાદન” સૂત્રના માધ્યમથી લોક સંદેશો આપતા પોસ્ટર્સ તૈયાર કરવામાં આવ્યા છે.
માર્ગ અને મકાન વિભાગના વિદ્યુત પેટા શાખાના ૨૦ કર્મયોગીઓ દ્વારા વીજળી બચાવવા સંદર્ભે રાજકોટ જિલ્લાની સરકારી, અર્ધ સરકારી સંસ્થાઓ, હોસ્ટેલ, જાહેર સ્થળો, કોલેજ, હોસ્પિટલ સહિતના ૨૦૦થી વધુ સ્થળો પર ૩૦૦૦ જેટલા વીજ બચતના પોસ્ટર્સ લગાવવામાં આવ્યા છે. આ ઉમદા કામગીરીમાં માર્ગ અને મકાન વિભાગના વિદ્યુત પેટા શાખા, રાજકોટના નાયબ કાર્યપાલક ઈજનેરશ્રી મિહિર ચાવડાની અને મદદનીશ ઈજનેરશ્રી યશરાજસિંહ ગોહિલની સૂચના અનુસાર વિદ્યુત પેટા શાખા વિભાગના ઇલેક્ટ્રિક ટેકનીશીયનશ્રી કેતનભાઈ કણઝારીયા, શ્રી કપિલભાઈ ભટ્ટી, શ્રી સમીર બેલીમ સહિતના અન્ય ૧૭ કર્મીઓ જોડાયા હતા.
ઉલ્લેખનીય છે કે, રાજકોટ જિલ્લાની સ્થાનિક કચેરીઓમાં અધિકારીશ્રી અને કમર્ચારીશ્રીઓની નજરમાં આવે તેવી રીતે, દરવાજા પર, સ્વીચ બોર્ડની પાસે, કમ્પ્યુટર, એ.સી., લાઈટ, પંખાના વપરાશની જગ્યાઓ પર વીજળીની બચત કરવા માટે રંગબેરંગી વિવિધ લખાણોના પોસ્ટર્સ લગાવવામાં આવ્યા છે. પોસ્ટર્સમાં “વીજ બચત એ જ વીજ ઉત્પાદન”ના સૂત્ર સાથે જણાવવામાં આવ્યું છે કે, લાઈટ અને પંખા બંધ રાખવા, કમ્પ્યુટરનું કામ ન હોય ત્યારે તેને બંધ કરવું, કચેરી રૂમમાં કે સભાખંડમાં અધિકારીશ્રી અને કમર્ચારીશ્રીઓની હાજરી ન હોય ત્યારે એ.સી. બંધ રાખવા, વોટર કૂલર જરૂર ન હોય ત્યારે બંધ રાખવું સહિતના પોસ્ટર્સ વીજ બચત થાય તેનો સંદેશ આપે છે. આ ઉપરાંત, કર્મયોગીઓએ શક્ય હોય તો લીફ્ટનો ઉપયોગ ટાળી પગથીયાંનો ઉપયોગ કરવો જેનાથી વીજળીની બચત સાથે સ્વાસ્થ્ય પણ જળવાઈ છે.