Rajkot: “એમ્પાવરિંગ વિમેન, એમ્પાવરિંગ ગુજરાત” રાજકોટમાં ‘નારી શક્તિ ઉદ્યોગ સંવાદ’ સેમિનાર યોજાયો: ૨૦ પ્રતિભાશાળી મહિલા ઉદ્યોગ સાહસિકોનું સન્માન કરાયું

તા.૧૨/૧/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
સ્ટાર્ટઅપથી લઈ સંરક્ષણ સુધીના ક્ષેત્રોમાં મહિલાઓની વધતી ભાગીદારી પર તજજ્ઞો દ્વારા ગહન સંવાદ
પરંપરાગત હસ્તકલા અને આધુનિક ટેકનોલોજીના સમન્વયથી મહિલા સશક્તિકરણનો નવો પથ પ્રશસ્ત
Rajkot: રાજકોટની મારવાડી યુનિવર્સિટી ખાતે ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ’ના ભાગરૂપે ‘નારી શક્તિ ઉદ્યોગ સંવાદ: એમ્પાવરિંગ વિમેન, એમ્પાવરિંગ ગુજરાત’ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મહાનુભાવોની ઉપસ્થિતિમાં સૌરાષ્ટ્ર-કચ્છની ૨૦ પ્રતિભાશાળી મહિલા ઉદ્યોગ સાહસિકોને તેમની વિશિષ્ટ સિદ્ધિઓ બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમની શરૂઆતમાં મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી જયંતિ રવિએ સફળ મહિલાઓને અન્ય બહેનો માટે ‘મેન્ટર’ બનવા આહવાન કર્યું હતું. તેમણે જણાવ્યું કે, મહિલાઓ પોતાની સૌમ્યતા અને મક્કમતાના સમન્વયથી કોઈપણ ક્ષેત્રમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકે છે. ઉદ્યોગ અને ખાણ વિભાગના અગ્ર સચિવ શ્રીમતી મમતા વર્માએ ‘વિકસિત ભારત’ના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે આર્થિક પ્રવૃત્તિઓમાં મહિલાઓની વધુમાં વધુ ભાગીદારી પર ભાર મૂક્યો હતો અને સરકારની પ્રોત્સાહક નીતિઓની માહિતી આપી હતી.
આ સેમિનારમાં પદ્મશ્રી કલ્પના સરોજની ‘એન્ટરપ્રિન્યોરશિપ અગેન્સ્ટ ઓલ ઓડ્સ’ વિષય પરની સંઘર્ષગાથા રજૂ હતી. તેમણે શૂન્યમાંથી સર્જન કરવાની પોતાની સફર વર્ણવી મહિલાઓને પ્રતિકૂળ સંજોગોમાં પણ અડગ રહીને ઉદ્યોગ ક્ષેત્રે આગળ વધવા પ્રોત્સાહિત કર્યા હતા. તો બીજી તરફ, સામાજિક ઉદ્યોગ સાહસિક પાબીબેન રબારીએ ગ્રામીણ હસ્તકલાને ‘શાર્ક ટેન્ક’ જેવા વૈશ્વિક મંચ સુધી પહોંચાડી સ્થાનિક કલાના માધ્યમથી મહિલા ઉત્થાનનો નવો માર્ગ ચિંધ્યો હતો.
વિશેષ પેનલ ડિસ્કશન ‘બ્રેકિંગ બેરિયર્સ’માં સંરક્ષણ, લોજિસ્ટિક્સ અને ટેકનોલોજી જેવા બિન-પરંપરાગત ક્ષેત્રોમાં મહિલાઓના વધતા પ્રભાવ પર ચર્ચા કરવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય એન્જિનિયરિંગ અનુભવ ધરાવતા પ્રીતિ પટેલે રાજકોટમાં સ્થિત ‘રાસ્પિયન એન્ટરપ્રાઈઝ’ વિશે વિગતો આપતા જણાવ્યું કે, દેશદાઝની ભાવના સાથે તેમની કંપની સ્મોલ આર્મ્સ વેપન સિસ્ટમ અને ડ્રોન ટેકનોલોજી જેવા સંરક્ષણ ઉત્પાદનો પર કાર્યરત છે. ‘મેક ઇન ઇન્ડિયા’ હેઠળ મહિલાઓના સહયોગથી નિર્મિત આ અત્યાધુનિક હથિયાર પ્રણાલીઓ ટૂંક સમયમાં બજારમાં આવશે, જે રક્ષણ ક્ષેત્રે નારીશક્તિની ક્ષમતા પુરવાર કરશે.
આ સંવાદમાં શ્રી નિલજા પટેલ, શ્રી તૃપ્તિ જૈન, શ્રી શીતલ અગ્રવાલ દેસાઈ અને અન્ય તજજ્ઞોએ કોર્પોરેટ જગતમાં મહિલાઓ માટે રહેલી નવી તકો અને પડકારો વિશે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ સેમિનારમાં સૌરાષ્ટ્ર-કચ્છના મોટી સંખ્યામાં સ્થાનિક મહિલા ઉદ્યોગ સાહસિકો અને સ્ટાર્ટઅપ સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા, જેમને સરકારની પ્રોત્સાહક યોજનાઓ અને આર્થિક સહાયની નીતિઓથી માહિતગાર કરવામાં આવ્યા હતા.








