GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: ખેડૂત મિત્રોએ મગફળીના પાકમાં આફલાટોક્સીનનો ઉપદ્રવ અટકાવવા ધ્યાન રાખવાની બાબતો

તા.૬/૧૧/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: હાલ ચાલી રહેલી મિશ્ર ઋતુમાં મગફળીના પાકમાં આફલાટોક્સીનનો ઉપદ્રવ અટકાવવા ઉતારા અને ઉતારા પછીની ધ્યાનમાં રાખવાની બાબતો અંગે જિલ્લા પંચાયત ખેતીવાડી શાખા દ્વારા જરૂરી સૂચનો કરવામાં આવ્યા છે. જેમાં દાતા વડે ડોડવાને નુકસાન ન થાય, ડોડવા સાથેના આખા છોડને વ્યવસ્થિત તડકે સુકવવા, જ્યાં સુધી છોડ, પાંદડા, સુયા બટકણા થાય ત્યાં સુધી સુકવવા. અપૂર્ણ વિકસિત ડોડવાને તોડી અલગ રાખવા તેને સારા વિકસિત ડોડવા સાથે ન ભેળવવા. જો ઓપનેરનો ઉપયોગ કરતા હોય તો યોગ્ય કાણાવાળી જાળી રાખવી, યાંત્રિક નુકસાન વાળા અને જીવાતવાળા ડોડવા અલગ રાખવા. ૮% ભેજ રહે ત્યાં સુધી મગફળીને સુકવવી. મગફળીને સારી, ચોખ્ખી, પૂરતા હવા-ઉજાસવાળી જગ્યામાં પ્લાસ્ટિક અથવા કંતાનની બેગમાં સંગ્રહ કરવો.

ઘણી વખત એસ્પરજિલસ ફ્લેવસનો ચેપ કીટકો દ્વારા પણ લાગે છે. આવા સમયે કીટકનાશક દવાનો છંટકાવ કરી તેનો ફેલાવો અટકાવી શકાય. ઉતારા પછી તરત જ પ્રોપીયોનીક એસીડ ૫% અથવા સોર્બીક એસીડ (૦.૧%), ક્લોરોથેલોનીલ (૦.૧૫%) અથવા ૧% સોડીયમ બાયસલ્ફાઈડ (૦.૭૫% સોડીયમ હાઇડ્રોક્સાઈડ)નો છંટકાવ ડોડવા પર કરી ફૂગના ઉપદ્રવથી બચાવી શકાય. વધુમાં દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે તે પાક માટે તે ભલામણમાં જણાવ્યા મુજબની કાળજીઓ રાખવા અને અનુસરવા જણાવવામાં આવે છે.

વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક/ વિસ્તરણ અધિકારી/ ખેતી અધિકારી/ તાલુકા અમલીકરણ અધિકારી/ મદદનીશ ખેતી નિયામક/ જિલ્લા ખેતીવાડી અધિકારી/નાયબ ખેતી નિયામક(વિસ્તરણ)/ નાયબ ખેતી નિયામક(તાલીમ) નો સંપર્ક કરવો. તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી જિલ્લા પંચાયત રાજકોટની યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!