Rajkot: રાજકોટમાં મહિલા કલ્યાણલક્ષી સરકારી યોજનાઓની જાણકારી મેળવતી સમરસ ગર્લ્સ હોસ્ટેલની છાત્રાઓ
તા.૮/૮/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત ગત તા. ૧ ઓગસ્ટથી ૭ ઓગસ્ટ દરમિયાન નારી વંદન ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે રાજકોટ જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી દ્વારા ગત તા. ૭ના રોજ નારી વંદન સપ્તાહના અંતિમ દિવસે મહિલા કલ્યાણ દિવસ ઉજવવામાં આવ્યો હતો.
જે અન્વયે સમરસ ગર્લ્સ હોસ્ટેલ ખાતે મહિલા જાગૃતિ શિબિર યોજાઈ હતી. જેમાં દહેજ પ્રતિબંધક અધિકારી સહ રક્ષણ અધિકારીશ્રી સીમાબેન શિંગાળા દ્વારા પ્રાસંગિક પ્રવચન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં છાત્રાઓને મહિલા કલ્યાણલક્ષી સરકારી યોજનાઓ અંગે જાણકારી આપવામાં આવી હતી. તેમજ સાઈબર ક્રાઈમ, રોજગાર સહિતની કચેરીઓમાંથી કાર્યક્રમમાં ઉપસ્થિત અધિકારીઓ અને કર્મચારીઓએ પોતાના વિભાગની કામગીરી વિષે માહિતી આપી હતી.
આ તકે સાઈબર ક્રાઈમ પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી જાડેજા, રોજગાર અધિકારીશ્રી દવે, મહિલા આઇ.ટી.આઇ.ના શ્રી સંજયભાઈ ચાવડા, સમાજ કલ્યાણ અધિકારીશ્રી, આસીસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટરશ્રી, શી ટીમ, ૧૮૧ અભયમ્, સખી વન સ્ટોપ સેન્ટર, ડી.એચ.ઇ.ડબલ્યુ., પી.બી.એસ.સી. સહિતની કચેરીઓના અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં, તેમ જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરીની યાદીમાં જણાવાયું છે.