GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ રાજકોટમાં એશિયાના સૌથી મોટા ‘ઈન્ડિયન કેટલ શો’નો પ્રારંભ કરાવ્યો

તા.૨૦/૨/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

ભારતની ગાયોનું માત્ર દૂધ જ નહીં, ગૌમૂત્ર, ગોબર, પંચગવ્ય અમૃત સમાન: રાજ્યપાલશ્રી

ગાયોના સંવર્ધન માટે પશુસંવર્ધન ક્ષેત્રે અદ્યતન ટેક્નોલોજીનો ઉપયોગ કરવા પશુપાલકોને અપીલ કરાઈ

રાજકોટમાં આગામી બે વર્ષમાં પશુઓના ડીએનએ રિસર્ચની લેબોરેટરી સ્થાપવાની આયોજકોની જાહેરાત

Rajkot: રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં એશિયાના સૌથી મોટા ‘ઈન્ડિયન કેટલ શો’નો પ્રારંભ કરાવ્યો હતો.

આ તકે સૌને સંબોધિત કરતા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, ભારતની દેશી ગાયો માત્ર પશુ નથી, પણ આપણી સંસ્કૃતિ, આર્થિક વ્યવસ્થા, ધરતી અને પર્યાવરણને બચાવનાર એક આધાર છે. દેશી ગાયનું ગૌમૂત્ર, ગોબર, દૂધ, ઘી તેમજ પંચગવ્ય અમૃત સમાન છે.

રાજ્યપાલશ્રીએ કહ્યું કે, હિસાર એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં થયેલા રિસર્ચમાં સામે આવ્યું છે કે દેશી ગાયના એક ગ્રામ ગોબરમાં ૩૦૦ કરોડથી વધુ સૂક્ષ્મ જીવાણુ હોય છે, જે ધરતીને ફળદ્રુપ બનાવે છે. ભારતની તમામ મૂળ નસ્લની ગાયોના ગોબરમાં આ પરિણામ લગભગ સમાન જોવામાં આવ્યા છે.

દેશ-વિદેશમાં થયેલા અભ્યાસનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે, ભારતીય ‘દેશી ગાયનું A-2 દૂધ’ સ્વાસ્થ્ય માટે સર્વોત્તમ છે. ભારતની દેશી ગાયો એ દેશ માટે ભગવાનના આશીર્વાદ સમાન હોવાનું તેમણે જણાવ્યું હતું. આ સાથે તેમણે કહ્યું હતું કે, વેદોમાં કહેવામાં આવ્યું છે કે ‘ગાય એ વિશ્વની માતા છે’.

દેશી ગાયોની નસ્લના સંવર્ધન અને સંરક્ષણ માટે વિવિધ સંગઠનો દ્વારા થઈ રહેલા પ્રયાસોને તેમણે બિરદાવ્યા હતા. ગાયોના સંવર્ધન તથા સંરક્ષણ માટે રાજ્યપાલશ્રીએ કહ્યું હતું કે, વર્તમાન સમયમાં પશુ સંવર્ધન ક્ષેત્રે આવેલી ટેક્નોલોજીનો તમામ પશુપાલકોએ ઉપયોગ કરવો જોઈએ. તેમણે પશુપાલકોને ગાયોની વૃદ્ધિ માટે સેક્સડ સોર્ટેડ સીમેન તથા એમ્બ્રિયો ટેક્નોલોજીનો ઉપયોગ કરવા અપીલ કરી હતી. ગૌવંશના સંવર્ધન માટે તેમણે ઉત્તમ પશુપાલનની તંદુરસ્ત સ્પર્ધા માટે પણ પશુપાલકોને પ્રેરણા આપી હતી.

કાર્યક્રમમાં પધાર્યા બાદ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ સૌ પ્રથમ લક્ષ્મીનારાયણ યજ્ઞમાં આહુતિ આપી અને રાજ્યના કલ્યાણની કામના કરી હતી; ત્યારબાદ તેમણે ગીર ગાયનું પૂજન કર્યું હતું.

“કેટલ શો”નો પ્રારંભ કરાવ્યા બાદ રાજ્યપાલશ્રીએ IFIZCI ફેડરેશન દ્વારા આયોજિત એક્ઝિબિશન તેમજ પશુ પ્રદર્શનને નિહાળ્યું હતું.

આ અવસરે ફેડરેશનના પ્રમુખ શ્રી મદન મોહનજી દ્વારા રાજકોટમાં આગામી બે વર્ષમાં પશુઓની ડીએનએ રિસર્ચ લેબોરેટરી સ્થાપવાની જાહેરાત કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં રાજકોટના મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, મ્યુનિસિપલ કમિશનર શ્રી તુષાર સુમેરા, જિલ્લા કલેક્ટરશ્રી ડો. ઓમપ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનંદુ સુરેશ ગોવિંદ, પ્રાદેશિક નગરપાલિકાનાં કમિશનર શ્રી મહેશ જાની, આયોજક શ્રી કિશોરભાઈ ઓડેદરા, આયોજક સમિતિના સભ્યો શ્રી ભયલુ બાપુ સહિત વિવિધ સંતો, પશુપાલકો, ખેડૂતો ઉપસ્થિત રહ્યાં હતાં.

Back to top button
error: Content is protected !!