Rajkot: ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’ના સંકલ્પને સાકાર કરતી ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ: સૌરાષ્ટ્ર-કચ્છ’નો રાજકોટથી ભવ્ય પ્રારંભ

તા.૧૧/૧/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે પાંચ દિવસીય બિઝનેસ એક્ઝિબિશનનું ઉદ્ઘાટન
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, મુખ્ય સચિવશ્રી એમ.કે. દાસની પ્રેરક ઉપસ્થિતિમાં સૌરાષ્ટ્ર-કચ્છની ઔદ્યોગિક ક્ષમતા અને કલા-કૌશલ્યનું પ્રદર્શન નિહાળ્યું
૧૮,૦૦૦ ચોરસ મીટરમાં ફેલાયેલા એક્ઝિબિશનમાં ‘એન્ટરપ્રાઈઝ એક્સેલન્સ’થી લઈને ‘હર ઘર સ્વદેશી’ની ઝાંખી
Rajkot: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે રાજકોટની મારવાડી યુનિવર્સિટી ખાતેથી ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’ના સંકલ્પને સાકાર કરતી ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ: સૌરાષ્ટ્ર-કચ્છ’ અને પાંચ દિવસીય બિઝનેસ એક્ઝિબિશનનો ગરિમાપૂર્ણ શુભારંભ કરાવ્યો હતો. ‘ક્ષેત્રીય આકાંક્ષાઓ સાથે વૈશ્વિક મહત્વકાંક્ષા’ના મંત્રને ચરિતાર્થ કરતા આ આયોજનમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી અને મુખ્ય સચિવ શ્રી એમ.કે. દાસ સહિતના મહાનુભાવો પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.
ઉદ્ઘાટન બાદ વડાપ્રધાનશ્રીએ ૧૮,૦૦૦ ચોરસ મીટરમાં ફેલાયેલા વિશાળ પ્રદર્શનની મુલાકાત લીધી હતી. તેમણે ‘એન્ટરપ્રાઈઝ એક્સેલન્સ પેવેલિયન’ માં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ, એસ્સાર, ન્યારા એનર્જી અને જ્યોતી સી.એન.સી. જેવા અગ્રણી એકમો દ્વારા દેશના આર્થિક વિકાસમાં અપાઈ રહેલા યોગદાનનું નિરીક્ષણ કર્યું હતું. આ તકે વડાપ્રધાનશ્રીએ ગુજરાતની વધતી જતી ઔદ્યોગિક તાકાત અને ટેકનોલોજીકલ પ્રગતિને બિરદાવી હતી.
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાની અસીમ ક્ષમતાઓને ઉજાગર કરતા ‘ઓશન ઓફ ઓપોર્ચ્યુનિટીઝ’ પેવેલિયનમાં વડાપ્રધાનશ્રીએ વિશેષ રસ દાખવ્યો હતો. ગુજરાત મેરિટાઈમ બોર્ડ દ્વારા બ્લુ ઈકોનોમીના વિકાસની રજૂઆત તેમજ રિલાયન્સ ન્યૂ એનર્જી જેવા સ્ટોલ્સ દ્વારા પ્રદર્શિત નવીન ટેકનોલોજીએ આકર્ષણ જમાવ્યું હતું. આ પ્રદર્શનમાં ઉદ્યોગ જગતના વિકાસ સાથે પર્યાવરણની જાળવણીના સમન્વયની ઝાંખી રજૂ કરવામાં આવી છે.
સ્થાનિક કલા અને લઘુ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે ‘હર ઘર સ્વદેશી’ ના મંત્ર સાથે MSME પેવેલિયન તૈયાર કરવામાં આવ્યું છે. વડાપ્રધાનશ્રીએ અહીં ગ્રામીણ કારીગરોની હસ્તકલા અને સ્વદેશી હાટની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે બુક રિવ્યુમાં પોતાના પ્રતિભાવો પણ નોંધ્યા હતા. ૧૫મી જાન્યુઆરી સુધી ચાલનારું આ પ્રદર્શન વિદ્યાર્થીઓ અને સામાન્ય નાગરિકો માટે જ્ઞાનવર્ધક બની રહેશે અને ‘વિકસિત ભારત @ ૨૦૪૭’ના લક્ષ્યને નવી ગતિ આપશે.










