Rajkot: ‘ગુજરાત દિપોત્સવી અંક- ૨૦૮૦’ પ્રકાશિત કરતુ માહિતી અને પ્રસારણ વિભાગ

તા.૨૪/૧૦/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
સાહિત્યરસિકોને દિવાળીની સાહિત્ય રસથાળ રાજકોટમાં ઉપલબ્ધ
Rajkot: સાહિત્યરસિકો જેની વર્ષભર આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે, તે સાહિત્ય રસથાળ સમો “ગુજરાત દિપોત્સવી અંક- ૨૦૮૦” રાજકોટવાસીઓને માત્ર રૂ. ૪૦ના ભાવે નિયત બુક સ્ટોલ પરથી મળી શકશે.
રાજ્ય સરકારના માહિતી વિભાગ દ્વારા પ્રકાશિત ‘ગુજરાત દિપોત્સવી અંક-૨૦૮૦’નું તાજેતરમાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે ગાંધીનગર ખાતે વિમોચન કરાયું હતુ. દર વર્ષની પરંપરા અનુસાર માહિતી ખાતા દ્વારા પ્રકાશિત થયેલ ‘‘ગુજરાત દિપોત્સવી અંક-૨૦૮૦”માં જાણીતા લેખકો સર્વશ્રી ગુણવંત શાહ, ડો. વિષ્ણુ પંડ્યા, ડો. કુમારપાળ દેસાઈ, ડો.બળવંત જાની, ડો. દિનકર જોશી, શ્રી જોરાવરસિંહ જાદવ, શ્રી ભદ્રાયુ વછરાજાની, શ્રી યશવન્ત મહેતા, શ્રી વર્ષા અડાલજા, શ્રી રઘુવીર ચૌધરી, શ્રી કૃષ્ણકાંત ઉનડકટ, શ્રી ભવેન કચ્છી, શ્રી ભગવાનદાસ પટેલ સહિતના પ્રતિષ્ઠિત સર્જકોના સર્જનનો સમાવેશ કરાયો છે.
આ દિપોત્સવી અંક-૨૦૮૦માં ૯૬ કાવ્ય, ૩૮ નવલિકાઓ, ૩૦ અભ્યાસલેખો, ૧૫ વિનોદિકાઓ, ૯ નાટિકાઓ વગેરેનો સંપુટ છે. આ ઉપરાંત, ભારત દેશ અને ગુજરાત રાજ્યની અસ્મિતા, પારંપરિક વેશભૂષા, લોકજીવન, હસ્તકળા, ચિત્રકલા અને સાંસ્કૃતિક પર્વોના ફોટોગ્રાફ્સ અને ચિત્રોથી આ અંકને આકર્ષક રીતે અલંકારિત કરવામાં આવ્યો છે.
આ દિપોત્સવી અંક ફક્ત રૂ. ૪૦ના દરે રાજકોટ સ્થિત રાજેશ બુક સ્ટોર અને મયુર એજન્સી ખાતેથી મળી શકશે.


